Adv

G Adv

Showing posts with label latif. Show all posts
Showing posts with label latif. Show all posts

Tuesday, 14 March 2017

રાતનાં અંધારામાં પોલીસનાં ગોળીબારમાં અમદાવાદનો ડૉન અબ્દુલ લતીફ ઈતિહાસ બની ગયો

Latif Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-47): પોલીસ જાપ્તામાંથી લતીફ ફરાર થયો છે  તેવો વાયરલેસ મેસેજ અમદાવાદના તમામ સિનિયર ઓફિસરોએ સાંભળ્યો હતો. જો કે હજી અમદાવાદ ગાઢ નિદ્રામાં સુઈ રહ્યું હતું. અમદાવાદીઓને હજી લતીફ ફરાર થયાના સમાચાર મળ્યા ન્હોતા, રાતના ત્રણ વાગ્યા હશે. અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમનો એક લેન્ડ લાઈન ફોન રણકવા લાગ્યો, નાઈટ ડ્યુટી ઓફિસરે કંટાળા સાથે ફોન ઉપાડી કહ્યુ નમસ્તે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ.. સામેથી છેડેથી વાત કરનાર વાતની શરૂઆત કરતા, તરત નાઈટ ડ્યુટી ઓફિસરે કાગળ પેન લઈ નોંધ ટપકાવવાની શરૂઆત કરી. કંટાળા સાથે ફોન ઉપાડ્યો હોવા છતાં જે માણસ ફોન ઉપર માહિતી આપી રહ્યો હતો તે એટલી મહત્વની હતી કે ડ્યુટી ઓફિસરના ચહેરા ઉપર રહેલો કંટાળો એકદમ ઉડી ગયો. 

ફોન પુરો થતાં ડ્યુટી ઓફિસર ટપકાવેલી નોંધ લઈ તરત વાયરલેસ બ્રોડકાસ્ટીંગ રૂમમાં પહોંચી અને એકાદ મીનિટ પછી વાયરલેસ મેસેજ શરૂ થયો. કંટ્રોલ કોલિંગ ટુ ક્રાઈમ બ્રાન્ચ.. તરત ક્રાઈમ બ્રાન્ચે જવાબ આપ્યો ક્રાઈમ બ્રાન્ચના વાયલેસ ઓપરેટરે પોતે સંદેશા માટે તૈયાર હોવાનું કહેતા, મેસેજ આવ્યો.. એક માણસ નરોડા ક્રોસિંગ પાસે હાથ હાથમાં રિવોલ્વર જેવા હથિયાર સાથે ત્યાંથી પસાર થતી ટ્રકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલીક નરોડા ક્રોંસીંગ પહોંચે. શક્યતા છે કે તે લતીફ હોઈ શકે છે. આ મેસેજ મળતા ક્રાઈમ બ્રાન્ચના વાહનો જે લતીફને શોધી રહ્યા હતાં તે નરોડા કોંસીંગ તરફ રવાના થયા હતાં. લતીફ જે સ્થળે ભાગ્યો હોવાનો પોલીસનો દાવો હતો તેનાથી ક્રોસિંગ વચ્ચેનું અંતર લગભગ બે કિલોમીટર જેટલુ હશે. ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી ત્યારે ખરેખર એક માણસ હાથમાં રહેલી રિવોલ્વર બતાડી ટ્રેકને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ દુરથી પોલીસના વાહનો આવતા જોઈ તે તે ડાબી તરફ ખુલ્લા મેદાનમાં અંધારા તરફ દોડવા લાગ્યો. 

ક્રાઈમ બ્રાન્ચના વાયરલેસ ઓપરેટરે નરોડા ક્રોસિંગ પહોંચ્યાનો સંદેશો કંટ્રોલરૂમને આપ્યો હતો. જે માણસ ભાગી રહ્યો હતો તે કાચા રસ્તે હવે પોલીસના વાહનો જઈ શકે તેમ ન્હોતા એટલે પોલીસ અધિકારીઓએ પણ પોતાના હથિયારો લઈ તે માણસ પાછળ જીપમાંથી ઉતરી દોડવાની શરૂઆત કરી, તે માણસ જે તરફ અંધારા દોડી રહ્યો હતો, તે તરફ એક અવાવરૂ મકાન પણ હતું. સ્થાનિકો તેને ભુતિયા બંગલા તરીકે ઓળખતા હતાં. પોલીસ નજીક આવી જતા પેલા માણસે પોતાની પાસે રહેલા હથિયાર વડે પોલીસને રોકવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. અચાનક થયેલા ગોળીબારને કારણે પોલીસે પણ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. જો કે અંઘારૂ એટલુ હતું માત્ર ગોળીબારનો અવાજ સંભળાતો હતો, પણ બંન્ને તરફ કોઈ એકબીજાના જોઈ શકતા ન્હોતા. પેલો માણસ ભુતિયા બંગલામાં ઘુસી ગયો. 

ક્રાઈમ બ્રાન્ચ ઉપર ગોળીબાર થયો છે તેવો સંદેશો કંટ્રોલરૂમને મળતા સિનિયર પોલીસ અધિકારીને પણ તેની જાણ કરવામાં આવી હતી. અમદાવાદના મોટા ભાગના સિનિયર આઈપીએસ અધિકારીઓ ભુતિયા બંગલા ક્રાઈમ બ્રાન્ચની મદદે જવા રવાના થયા હતા. હવે પેલો બંગલામાં છુપાયેલો માણસ પોલીસ ઉપર ગોળીબાર કરતો હતો, જેનો વળતો ઉત્તર પણ ક્રાઈમ બ્રાન્ચ આપી રહી હતી. થોડીક મીનિટો સુધી ચાલેલા ફાયરીંગ બાદ બંગલાની અંદરથી ગોળીબાર બંધ થયો. ક્રાઈમ બ્રાન્ચ પણ વિચારમાં પડી ગઈ, બંન્ને તરફ એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. સ્ટાફ ઓછો હતો, અંધારૂ હતું, એકદમ બંગલા તરફ જવામાં જોખમ હતું. કદાચ પેલો માણસ પોલીસ ઉપર ઘાત લગાવી બેઠો હોય અને ગોળી ચલાવે તો.. ત્યારે જ સિનિયર આઈપીએસ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા, પોલીસે ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં જવાનો નિર્ણય કર્યો હથિયાર સજ્જ  અધિકારીઓ એકબીજાને કવર આપતા હતા, આગળ વધ્યા. બંગલાના પોર્ચમાં દાખલ થતાં ટોર્ચના પ્રકાશમાં એક માણસ લોહીથી લથબથ જમીન ઉપર પડેલો જોવા મળ્યો તેના હાથમાં હજી રિવોલ્વર હતી. કદાચ તે મરી ગયાનો ડોળ પણ કરતો હતો, એક અધિકારીએ ચપળતાપુર્વક તેની નજીક જઈ તેના હાથમાં રહેલી રિવોલ્વર ખેંચી લીધી, પણ તે જરા પણ હલ્યો નહીં. બીજા અધિકારી સાવચેતીપુર્વક નજીક આવ્યા અને તેના જમણા હાથની નાડી પકડી તપાસી, પણ તે માણસનો શ્વાસ થંભી ગયો હતો. પોલીસને કરેલા વળતા ગોળીબારમાં તે મૃત્યુ પામ્યો હતો. 

પોલીસ અધિકારીએ તે કોણ છે જાણવા માટે તેના ચહેરા ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. તે 47 વર્ષનો અબ્દુલ લતીફ જ હતો. ક્રાઈમ બ્રાન્ચના દાવા પ્રમાણે તે તેમના જાપ્તામાંથી ભાગ્યો અને તેના બે કલાકમાં પોલીસની અથડામણમાં માર્યો હતો. પોલીસે તેમની ઉપર થયેલા હુમલા અને તેમણે સ્વરક્ષણમાં કરેલા ગોળીબારમાં લતીફના મૃત્યુની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. લતીફનો મૃતદેહ પડ્યો હતો. પોલીસની એફઆઈઆર પ્રમાણે લતીફ ઈન્સપેક્ટર તરૂણ બારોટના ફાયરિંગમાં માર્યો ગયો હતો, પણ ત્યારે સ્થળ ઉપર લતીફને જે આઈપીએસ અધિકારીઓનો ડર લાગતો હતો તે બધા જ ત્યાં પહોંચી ગયા હતા. અમદાવાદ ઉપર બે દાયકા સુધી પોતાનું આધિપત્ય જમાવનાર ડૉન અબ્દુલ લતીફ હવે ઈતિહાસ થઈ ગયો હતો. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી ગુજરાતમાં લાદવામાં આવેલી કાગળિયા દારૂબંધીને કારણે લતીફનો જન્મ થયો, તે બુટલેગર બન્યો, તેમાંથી ગેંગસ્ટર અને પછી આતંકવાદી બન્યો હતો અને આખરે તેનો આ કરૂણ અંજામ આવ્યો. ગેંગસ્ટરનો જીવનકાળ કાયમ ટુંકો હોય છે, તેવું જ લતીફ સાથે પણ બન્યું. ગેંગસ્ટરની ગ્લેમરસ જીંદગીનો અંત કાયમ આવો જ હોય છે. જો કે લતીફના મૃત્યુ સાથે તેની જોડાયેલી કેટલીક અંગત વાત પણ દફન થઈ ગઈ, જેમાં ખરેખર પોલીસ લતીફ જાપ્તામાંથી ભાગ્યો હતો કે પછી પોલીસ દ્વારા અન્ય ગેંગસ્ટરની સ્ટોરી ઊભી કરવામાં આવે છે તેમ લતીફને કાગળ ઉપર ભગાડ્યો અને પછી તેને ઠાર માર્યો. આવી અનેક બાબતો ઉત્તર વિના રહી ગઈ છે, જો કે લતીફના મૃત્યુ પછી આજ સુધી ક્યારેય બનાવટી એન્કાઉન્ટર થયાની ફરિયાદ થઈ નથી, લતીફ હવે તો મરવો જ જોઈએ, તેવું માનતી પોલીસની સાથે સમાજનો બહુ મોટો વર્ગ પણ હતો જેમાં હિન્દુ મુસ્લિમ બંને સામેલ હતા, તેઓ પણ પોલીસના મત સાથે ચુપ રહીને પણ સંમત્ત હતા. 

લતીફ મૃત્યુ પામ્યો તેની જાણ જ્યારે અમદાવાદને થશે ત્યારે ખાસ કરી મુસ્લિમ વિસ્તારમાં તેના પડધા પડશે તેવું પોલીસ માની રહી હતી, કારણ એક જમાનામાં તે મુસ્લિમ કોમનો નેતા થઈ ગયો હતો, સવાર પડતા જ અમદાવાદને લતીફના એન્કાઉન્ટરની ખબર પડે તે પહેલા અમદાવાદના દરિયાપુર-શાહપુર અને કાલુપુર જેવા વિસ્તારમાં પોલીસની મોટી ફૌજ ઉતારી દેવામાં આવી હતી. સવારે દસ વાગતા સુધી લતીફના સમાચાર આખા અમદાવાદમાં ફરી વળ્યા હતા, પણ અમદાવાદ એકદમ શાંત રહ્યું. હિન્દુ વિસ્તારમાં તો લતીફ ગયો તેની ટાઢક હતી, પણ આવો જ ભાવ કંઈક મુસ્લિમ વિસ્તારમાં પણ હતો. દરિયાપુર, કાલુપુર અને શાહપુરમાં અજંપો ચોક્કસ હતો હતો, પણ તે રોજ પ્રમાણે પોતાના નિત્યક્રમમાં લાગી ગયા હતા. તોફાન થશે તેવી પોલીસની ગણતરી ખોટી પડી હતી, તેની પાછળનું કારણ એવું હતું, કોમના નેતા તરીકે બહાર આવેલા લતીફે છેલ્લા સમયમાં અનેક મુસ્લિમોને નિશાન બનાવી પૈસા પડાવ્યા હતા. તેનો અર્થ લતીફ ક્યારેય મુસ્લિમ કોમનો નેતા કે મસિહા ન્હોતો. આ એક અકસ્માત હતો કે તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેને ઈસ્લામ સાથે કોઈ લેવા દેવા ન્હોતી છતાં એક લતીફને કારણે અમદાવાદના હિન્દુ-મુસ્લિમોની વચ્ચે એક સદી સુધી ન પુરાય એટલું મોટુ અંતર ઊભું થયું હતું, જે અંતર વધારવામાં રાજકિય પક્ષોએ ખુબ મોટુ કામ કર્યું હતું. રાજકિય પક્ષો અને નેતાઓ માટે લતીફ સત્તા સુધી જવાનું પ્યાદુ હતું અને પ્યાદાએ કાયમ મરવાનું જ હોય છે અને તે માર્યો ગયો હતો. 

લતીફનું એકન્કાઉન્ટર 1997માં થયું તે વાતને વીસ વર્ષ થઈ ગયા, હજી પણ લતીફના કેટલાંક સાથીઓ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે પણ તેમને પોતાની ભુલ સમજાઈ છે. તેમના સારા વ્યવહારને કારણે જેલમાં તેમને વોર્ડન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ પેરોલ ઉપર પોતાના દરિયાપુર-શાહપુર અને કાલુપુરમાં આવે છે, પણ હવે તેમને કોઈ ભાઈ કહે તો આ શબ્દ ખટકે છે કારણ ભાઈ થવામાં જ તેમની જીંદગીના બે દાયકા જેલમાં પસાર થઈ ગયા અને તેમનો જે ભાઈ હતો તે અલ્લાહને પ્યારો થઈ ગયો. 

કેટલાંક એવા પણ લતીફના ગેંગસ્ટર છે  જેમનો ગુનો ઓછો હોવાને કારણે દસ-બાર વર્ષની સજા ભોગવી તેઓ છુટી તો ગયા, પણ જેલમાં જઈ આવેલા ગેંગસ્ટરને કોઈ નોકરી આપતુ નથી અને તેમની સાથે કોઈ ધંધો  કરતા નથી. હાલમાં તેઓ અમદાવાદની એક કરોડને આંબવામાં આવેલી વસ્તીમાં પોતાની જુની ઓળખને છુપાવી ઓટોરીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે તેમને રાતે થાક્યા પછી તરત ઉંઘ આવે છે અને પોલીસની હવે તેમને બીક લાગતી નથી. 

(આ સાથે જ રિયલ ‘રઇસ’ લતીફની રિયલ સ્ટોરી અહીં સમાપ્ત કરીએ છીએ. મેરાન્યૂઝના વાંચકોનો આભાર) 

Latif Series Part 47 - http://www.meranews.com/news-detail/Latif-series-Gangster-Latif-killed-in-encounter

લતીફ બોલ્યો સાહબ મુજે કહાં લે જા રહે હો, મેરા એન્કાઉન્ટર કરનેવાલે હો?

Latif Series by Mera News
પ્રશાંત દયાળ(ભાગ-46): ક્રાઈમ બ્રાન્ચના વાહનો કતારબંધ રવાના થયા, જો કે પોલીસ કાફલો કયાં જઈ રહ્યો છે તેની જાણકારી ઈન્સપેકટર તરૂણ બારોટ અને આસીસ્ટન્ટ પોલીસ કમિશનર એન આર પરમાર સિવાય કોઈને ન્હોતી. તરૂણ બારોટની બાજુમાં બેઠેલો લતીફ એકદમ શાંત હતો, તેના મનમાં ઘણી ઉથલપાથલ હતી પણ ચહેરો ઉપર શુન્યઅવકાશ હતો, તેને પોતાને પણ ખબર ન્હોતી કે તેને કયાં લઈ જાય છે., જો કે મનમાં સતત કંઈક અમંગળ થવાના વિચાર આવી રહ્યા હતા, કાફલો દર દસ પંદર મિનીટ પછી કોઈ પોલીસ સ્ટેશનમાં રોકાતો લતીફને બહાર લાવી પોલીસ સ્ટેશનમાં બેસાડતા અને તરૂણ બારોટ જે તે પોલીસ સ્ટેશનમાં તેની એન્ટ્રી કરાવી આગળ વધતા હતા. કાફલામાં રહેલા પોલીસ કર્મચારીઓને પણ આશ્ચર્ય થતુ હતું કારણ, આ શું થઈ રહ્યું છે, અથવા શું થવાનું છે તેની ખબર પડતી ન્હોતી. રાતના એક વાગ્યો હશે, પોલીસના વાહનો નોબલ ચોકીમાં રોકાયા, ત્યાં પણ લતીફને નીચે ઉતારી નોબલ ચોકીમાં લઈ ગયા, લતીફ પોલીસ ચોકીની બેંચ ઉપર બેઠો, જીપની અંદર ઠંડી લાગતી હોવાને કારણે તેણે શાલ ઓઢી હતી, પણ ચોકીમાં ખાસ્સો ગરમાવો હતો. તેણે ઓઢેલી શાલ કાઢી બેંચ ઉપર મુકી, થોડીવાર પછી ફરી લતીફને જીપમાં બેસી જવાની સુચના મળતા લતીફ પોલીસ સાથે જીપમાં ગોઠવાયો, જો કે ત્યારે તેને યાદ આવ્યું કે તેની શાલ તો બેંચ ઉપર જ રહી ગઈ. 

તેણે બારીમાંથી બુમ પાડી પોતાના વાહનમાં બેસવા જઈ રહેલા હેડકોન્સટેબલ અખેરાજ ગઢવીને કહ્યું અરે સાબ મેરી શાલ ચોકી મેં રહ ગઈ, અખેરાજ ગઢવી ચોકીમાં પાછા ફર્યા, અને તરત શાલ લઈ પાછા આવ્યા. જીપની બારીમાંથી લતીફને શાલ આપતા કહ્યું રખ લે શાલ, યહી તેરે સાથ આયેગી. આ વાક્ય સાંભળતા લતીફ સ્તબ્ધ થઈ ગયો, તે કઈ બોલ્યો નહીં, ફરી વાહનો આગળ વધ્યા, લતીફે બાજુમાં બેઠેલા તરૂણ બારોટ સામે જોયું, તે શાંત હતા, પણ તેમના મનમાં ઉચાટ હતો. બારોટની નજર ભલે લતીફ તરફ ન્હોતી, પણ તેમને ખ્યાલ આવી ગયો કે લતીફ તેમની સામે જોઈ રહ્યો છે. થોડીક ક્ષણ થઈ હશે અને બારોટે લતીફને પુછ્યું કુછ ખાના હૈ, લતીફે માથુ હલાવી ના પાડી. પણ હવે લતીફના મનમાં એકદમ વિચારોનો વંટોળ શરૂ થયો. થોડીવાર પહેલા હેડ કોન્સટેબલ અખેરાજ ગઢવીએ શાલ આપતી વખતે કહ્યું હતું કે આ શાલ જ તારી સાથે આવશે, અને બારોટ સાહેબ મને જમવાનું પુછી રહ્યા છે, મામલો શું છે.. ખરેખર તેને જે લાગી રહ્યું હતું તેવું જ કંઈક થવા જઈ રહ્યું છે, પણ શું થવાનું છે, તેની તેને ખબર ન્હોતી. તેણે બારોટનો હાથ પકડતા પુછ્યું સાહબ સચ બતાઓ મુજે કહા લે જા રહે તો, મેરા એન્કાઉન્ટર કરને વાલે હો.. વાક્ય સાંભળતા તરૂણ બારોટે લતીફે પકડેલો હાથ જટકી નાંખતા કહ્યું અરે કીસને બોલા.. ઐસા કુછ નહીં.. પણ લતીફ ભાંગી પડયો, તે નાના બાળકની જેમ રડવા લાગ્યો, તેને લાગ્યું કે હવે મોત થોડીક મિનીટો જ દુર છે, તે વારં વારં હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો તમે કહેશો સાહેબ તે કાગળ ઉપર સહી કરી દઈશ, તમે કહેશો તેવું બધુ જ કરીશ પણ સાહેબ મને જવા દો.. પણ તરૂણ બારોટ એકદમ શાંત હતા, તેમને ખબર હતી કે લતીફને સાત્વના આપવાનો કોઈ અર્થ નથી. 

રાતના બે વાગ્યા હશે, ક્રાઈમ બ્રાન્ચનો કાફલો અમદાવાદ એરપોર્ટ પાસે આવેલા કોતરપુર વોટર વર્કસ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ચારે બાજુ ઘોર અંધકાર અને નીરવ શાંતિ હતી, ત્યારે બે રાઉન્ડ ફાયરીંગનો અવાજ થયો, રાતની શાંતિને કારણે દુર દુર સુધી અવાજ સાંભળી શકાય તેમ હતું, પણ નજીકમાં માનવ વસ્તી જ ન્હોતી, એટલે અવાજ કયાંથી આવે છે તેની કોઈને ખબર પડી જ નહીં. અચાનક બધા વાહનો ઊભા રહી ગયા, સૌથી આગળ જેમનું વાહન હતું તેમાંથી એસીપી પરમાર નીચે ઉતરી ચાલતા તરૂણ બારોટની જીપ સુધી આવ્યા. તરૂણ બારોટે પોતાની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો આપ્યો કે તેઓ લતીફને કોતરપુર વોટર વર્કસ પાસેથી લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે લતીફે હાજતે જવાની વાત કરી, લતીફને જીપમાંથી નીચે ઉતાર્યો ત્યારે તેણે પોલીસ ઉપર એક સાપ ફેંકી પોલીસને બે ધ્યાન કર્યા, અને તે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. સાથે રહેલા એસઆરપી જવાને તેને રોકવા બે રાઉન્ડ ગોળીબાર પણ કર્યો છે. પોલીસ કંટ્રોલ રૂમને સંદેશો મળતા થોડીક જ ક્ષણમાં તમામ પોલીસ અધિકારીઓના વાહનોને કંટ્રોલરૂમે નાકાબંધી કરવાનો આદેશ આપ્યો,  ખુંખાર લતીફ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો, તેના સંદેશાઓને કારણે વાયરલેસ સેટ સતત ગુંજી રહ્યા હતા, સિટી કંટ્રોલરૂમે સ્ટેટ કંટ્રોલરૂમને પણ લતીફ ફરાર થયો હોવાની જાણકારી આપતા સમગ્ર રાજયની પોલીસને લતીફ માટે નાકાબંધી કરવાનો વાયરલેસ મેસેજ મળી ચુકયો હતો.

Latif Series Part 46 - http://www.meranews.com/news-detail/Latif-series-Latif-was-scared-and-says-sir-you-will-shoot-me

Sunday, 12 March 2017

ક્રાઇમ બ્રાંચમાં દાખલ થતાં જ અધિકારીની નેમ પ્લેટ વાંચીને ગેંગસ્ટર લતીફ ધ્રુજી ગયો

Latif Special Series
પ્રશાંત દયાળ (ભાગ-45): ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયા બાદ લતીફને પોલીસવાનમાંથી ઉતારી સીધો  ડીસીપી એ. કે. સુરોલીયાની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો. લતીફને ખબર ન્હોતી કે આ કોની ચેમ્બર છે પણ તેણે ચેમ્બરમાં દાખલ થતા પહેલા ચેમ્બરના દરવાજા ઉપર લાગેલી નેઈમ પ્લેટ ઉપર નજર કરી અને તેના પગથી માથા સુધી ધ્રુજારી છુટી ગઈ. તેને જે નામથી ડર લાગતો હતો તે જ નામ તેની સામે હતું પણ તેને વિચારવાનો સમય જ ન્હોતો. દરવાજો ખુલ્યો તેની સાથે પોલીસવાળા તેને ચેમ્બરમાં લઈ આવ્યો, સામે ટેબલની પાછળ, ગોરા રંગનો એક અધિકારી બેઠો હતો, મોટો ચહેરો અને વજનદાર શરીર હતું. દરવાજો ખોલતા સુરોલીયાએ ગદનને તકલીફ આપ્યા વગર માત્ર નજર ઉંચી કરી જોયુ, સામે પોલીસવાળો અને લતીફ હતાં. સુરોલીયાની નજર દિવાલ ઉપર ટીંગાઈ રહેલી ઘડિયાળ તરફ ગઈ, પોણા આઠ થવા આવ્યા હતાં. જાણે તે મનોમન કહેતા હોય કે તારી તો હું લાંબા સમયથી રાહ જોતો હતો.  સુરોલિયાએ લતીફ સામે જોયુ, લતીફે પોતાની નજર નીચી કરી નાખી, કારણ સુરોલીયાની આંખમાં જોઈ શકવાની તેની ક્ષમતા ન્હોતી. બે નંબરનો ધંધો કરનાર પોલીસની તે પણ પ્રમાણિક પોલીસની કુંડળી જાણતા હોય છે, એટલે  લતીફને વધુ ડર લાગી રહ્યો હતો. 

સુરોલીયાની નજર ફરતા પોલીસવાળો સમજી ગયો, તે લતીફને ટેબલની પાસે લઈ આવ્યો અને નીચે બેસવાનો આદેશ આપ્યો. લતીફ નીચે બેસતા પોલીસવાળા ચેમ્બરની બહાર ગયા અને જતી વખતે ચેમ્બરનો દરવાજો આડો કરતો ગયો. લતીફ નીચે બેઠો હતો, તેના બંન્ને હાથ હાથકડીથી બાંધેલા હતા. સુરોલીયાના ટેબલ ઉપર એક લાકડી પડી હતી. ખુરશીમાં બેઠેલા ડીસીપી સુરોલીયા લતીફને સારી રીતે જોઈ શકે માટે થોડી ખુરશી ટેબલથી દુર કરી અને તેમણે લતીફ સામે જોયુ. લતીફની નજર હજી નીચે જ હતી. સુરોલીયાએ લતીફને કહ્યુ ઉપર દેખો, બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થઈ રહ્યુ હતું કે હજી સુધી ચેમ્બરમાં લતીફની ચીસો સંભળાઈ ન્હોતી, એકદમ શાંતિ હતી. ક્રાઈમ બ્રાન્ચની શાંતિ કોઈ અમંગળ ઘટનાનો અણસાર આપી રહી હતી. પોણા નવ વાગ્યે સુરોલીયાની ચેમ્બરની બેલ વાગ્યો, પોલીસવાળો દોડતો અંદર ગયો, તેમણે ઈશારો કરી કહ્યુ લતીફને લઈ જાવ. પોલીસવાળો લતીફને લઈ ચેમ્બર બહાર આવ્યો ત્યારે લતીફે ઉંડો શ્વાસ લીધો. એક પોલીસવાળો તેને લઈ તરૂણ બારોટની ચેમ્બરમાં લઈ ગયો. લતીફને બેસાડતા તેણે કહ્યુ બારોટ સાહેબ ડીસીપી તમને બોલાવે છે. લતીફ ઉપર નજર રાખવાની સુચના આપી બારોટ ડીસીપીને મળવા માટે ગયા. 

તરૂણ બારોટની ચેમ્બરમાં લતીફ ઉપર નજર રાખી રહેલા પોલીસવાળા પાસે લતીફે પાણી માંગ્યુ તેને ખુબ તરત લાગી હતી. કદાચ તે જેલમાંથી  નિકળ્યો ત્યાર બાદ તેણે પાણી પીધુ જ ન્હોતુ. પહેલા પોલીસ કમિશનર અને ગૃહ સચિવે તેની પૂછપરછ કરી ત્યાર બાદ સુરોલીયાએ પણ લાંબી પૂછપરછ કરી કસ કાઢી નાખ્યો હતો. લતીફે પાણી પીધુ ત્યારે પોલીવાળાએ પૂછ્યુ ચાઈ પીવી છે? લતીફે માથુ હલાવી ના પાડી. અડધો કલાક પછી બારોટ ચેમ્બરમાં આવ્યા, ત્યાં સુધી લતીફ સુનમુન બેઠો હતો. બારોટે અંદર આવતા જ લતીફ સામે જોયુ અને કોન્સ્ટેબલ નીઝામને બુમ પાડી કહ્યુ નીઝામ લતીફનો ભાઈ બહાર ઉભો હશે તેને બોલાવી લે .. થોડીવાર પછી એક માણસ ચેમ્બરમાં દાખલ થયો, તે લતીફનો મોટો ભાઈ હતો. પોતાના ભાઈની માનસિક સ્થિતિ જોઈ લતીફનો મોટો ભાઈ દુખી થયો હોય તેવો તેના ચહેરા ઉપર ભાવ હતો. તરૂણ બારોટે લતીફને ચેમ્બરમાં પડેલા બાકડાં ઉપર બેસવાની સુચના આપી એટલે લતીફ ઉભો થયો અને બાકડા ઉપર બેઠો, તેની બાજુમાં તેનો ભાઈ બેઠો, પોલીસ હાજરીમાં શુ વાત કરવી તે બંન્ને માટે કદાચ સવાલ હતો. લતીફના મોટા ભાઈએ લતીફનો હાથ પકડ્યો જાણે તે તેને સાત્વન આપતો હોય તેવુ લાગ્યુ. પછી બંન્ને વચ્ચે ધીમા અવાજે કંઈક વાત થઈ. લતીફે પણ પોતાના ભાઈને કંઈક કહ્યુ.. બંન્ને વચ્ચે શું વાત થઈ કંઈ ખબર પડી નહીં, પણ હવે પોલીસને ચિ6તા ન્હોતી કે બંન્નેએ શું વાત કરી. જતી વખતે લતીફનો ભાઈ એક ગરમ શાલ સાથે લાવ્યો હતો. તેણે બારોટ સામે જોયુ પુછયુ સાહેબ આ આપું? બારોટે કહ્યુ હા ભાઈ હા હવે તો ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, એટલુ બોલતા બારોટે બારી બહાર જોયુ, ત્યાંથી ઠંડો પવન અંદર આવી રહ્યો હતો. લતીફનો ભાઈ ગરમ શાલ આપી ક્રાઈમ બ્રાન્ચમાંથી રવાના થયો. 

રાતના સાડા દસ વાગ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓની અવરજવર વધી ગઈ. તરૂણ બારોટ પોતાની ચેમ્બરમાંથી નિકળી પોલીસ સ્ટેશન ઓફિસર પાસે આવ્યા. તેમણે આવતાની સાથે જ આદેશાત્માક ભાષામાં કહ્યું સ્ટેશન ડાયરી આપો. તરત બીજો આદેશ આપ્યો, લોકઅપ રજીસ્ટ્રરમાંથી લતીફનું નામ કમી કરી મારી કસ્ટડીમાં હોવાની નોંધ કરો. જો કે લતીફને હજી કસ્ટડીમાં મુક્યો જ ન્હોતો પણ નિયમ પ્રમાણે જેલમાંથી લાવ્યા બાદ તે ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં મુક્યો હોવાની એન્ટ્રી લોકઅપ રજીસ્ટ્રરમાં થઈ ગઈ હતી. સ્ટેશન ઓફિસરે સ્ટેશન ડાયરી તરૂણ બારોટ સામે મુકી. જો કે હજી ત્યાં હાજર સ્ટાફને સમજ પડતી ન્હોતી કે મામલો શુ છે. તરૂણ બારોટે વાંકા વળી ટેબલ ઉપર પડેલી સ્ટેશન ડાયરીમાં નોંધ કરતા લખ્યું એક જ સ્થળે લતીફની પૂછપરછ કરવામાં આવે તો તેના જીવનું જોખમ છે, તેથી તપાસ અને પૂછપરછ માટે અલગ અલગ સ્થળે લઈ જવા માટે રવાના થઈએ છીએ. નોંધ નીચે ઈન્સપેક્ટર તરૂણ બારોટ તેવી સહી કરી ડાયરી સ્ટેશન ઓફિસરને પરત આપી, સ્ટેશન ઓફિસરે નોંધ વાંચી પણ આખી વાત તેની સમજ બહાર હતી. 

થોડીવાર પછી વાહનોનો અવાજ શરૂ થયો, સ્ટેશન ઓફિસરે જોયુ તો પહેલી જીપ ક્રાઈમ બ્રાન્ચના એસીપી એન. આર. પરમારની હતી. બીજી જીપ તરૂણ બારોટની હતી જેમાં તેમની સાથે લતીફ હતો અને પાછળની સીટમાં એસઆરપી જવાન હતાં અને ત્રીજી જીપમાં હથિયારથી સજ્જ જવાનો હતો. પોલીસના ત્રણેય વાહનો ક્રાઈમ બ્રાન્ચમાંથી નિકળ્યા ત્યારે સાડા અગિયાર વાગ્યા હતાં પણ લતીફને ક્રાઈમ બ્રાન્ચ ક્યાં જઈ જવામાં આવી રહ્યાં છે તેની કોઈને ખબર ન્હોતી.

Latif Series Part 45-  http://www.meranews.com/news-detail/Latif-series-just-after-entering-into-crime-branch-the-gangster-trembled-reading-officer-s-nameplate

લતીફ બધા સાથીઓને ગળે વળગી રહ્યો હતો, જાણે આ તેમની છેલ્લી મુલાકાત હતી

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-44): ગૃહ સચિવ રામરખીયાણીએ લતીફને જેલની બહાર કાઢવાની મંજુરી આપ્યા પછી ક્રાઈમ બ્રાન્ચનો લતીફને બહાર કાઢવાનો અર્ધો માર્ગ મોકળો થયો હતો, પણ લતીફના પરિવારને પોલીસની કાર્યવાહી અંગે શંકા જતી હતી. તેમણે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ સહિત તમામ સંભવિત એજન્સીઓને ફેકસ કરવાની શરૂઆત કરી હતી.  લતીફના પરિવારે શંકા વ્યક્ત કરી હતી કે ક્રાઈમ બ્રાન્ચ તેને બહાર લાવી કહેવાતી અથડામણમાં તેનું બનાવટી એન્કાઉન્ટર કરી નાખશે. આવુ ખાલી લતીફનો પરિવાર જ માનતો હતો તેવુ ન્હોતુ, જેલમાં રહેલો ખુદ લતીફ પણ માની રહ્યો હતો કે હવે તેનો અંત નજીક આવ્યો છે. લોકોને ડરાવતો અને રડાવતો લતીફ ધ્રુજી ગયો હતો, પણ તે ગેંગનો ભાઈ હોવાને કારણે તે પોતાના આંસુ રોકી રહ્યો હતો. ગૃહ સચિવની મંજુરી મળતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સીધા કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે પોતાની પાસે રહેલા પુરાવા અને ગૃહ વિભાગ તરફથી મળેલી મંજુરી રજુ કરી લતીફને પોલીસ કસ્ટડીમાં સોંપવા માટેની માગણી કરી હતી. થોડીક મીનિટ સુધી બંન્ને પક્ષકારોએ પોતાની દલીલ કોર્ટ સામે મુકી હતી. લતીફ પક્ષે હાજર વકિલની દલીલ હતી કે લતીફને જેલની બહાર લાવ્યા વગર પણ પોલીસ જેલમાં જઈ તેને પૂછપરછ કરી શકે છે. 

કોર્ટે તમામ આધાર પુરાવા ધ્યાનમાં લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચની અરજી માન્ય રાખી અને જેલમાં રહેલા લતીફને પોલીસ કસ્ટડીમાં લેવાની મંજુરી આપી હતી. કોર્ટમાંથી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સીધી સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જેલ ઉપર પહોંચે તે પહેલા લતીફને ક્રાઈમ બ્રાન્ચ તેને જેલ ઉપર લેવા આવી રહી છે, તેની જાણકારી મળી ગઈ હતી. તે ખુબ જ બેચેન હતો, તે ઉભો થયો અને બેરેકમાં રહેલા ગેંગના એક એક સભ્યોને ગળે વળગી અલવીદા કહી રહ્યો હતો. જાણે આ તેમની વચ્ચેની છેલ્લી મુલાકાત હતી. તે ડૉન હતો પણ આજે તેને મૃત્યુનો ડર લાગી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ જેલ ઉપર પહોંચી તેમણે પોતાની પાસે રહેલા કોર્ટ ઓર્ડરને જેલ અધિકારીને સુપ્રત કર્યા. જેલની કાર્યવાહી પુરી થતાં સાંજના પાંચ વાગી ગયા હતાં.  પોલીસ અધિકારીઓ લતીફને લઈ જેલના લોંખડી દરવાજા બહાર નિકળ્યા ત્યારે તે એક ક્ષણ ઉભો રહ્યો અને તેણે ખુલ્લા આકાશ તરફ જોયુ, ખબર નહીં ત્યારે તે શુ વિચારતો હતો. 

લતીફને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ કાફલો અમદાવાદની ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ જવા નિકળ્યો. પોલીસના ત્રણ વાહનો કતારબદ્ધ ચાલતા હતાં. વચ્ચેની પોલીસ વાનમાં લતીફ બેઠો હતો, તેની બંન્ને તરફ પોલીસવાળા બેઠા હતા, તે લતીફ સામે જોઈ રહ્યા હતા, પણ લતીફની નજર બારી બહાર હતી. જાણે તે છેલ્લી વખત પોતાના શહેરને જોઈ લેવા માગતો હતો, તે ખુબ જ શાંત હતો, પોલીસવાનમાં કોઈ પણ કોઈની સાથે કંઈ પણ વાત કરતા ન્હોતા. પોલીસનો કાફલો આરટીઓ સર્કલ થઈ સુભાષબ્રીજ તરફ આગળ વધ્યો, રસ્તો બરાબર હતો, ત્યાંથી દિલ્હી દરવાજા થઈ શહેરની મધ્યમાંથી ક્રાઈમ બ્રાન્ચ જવાનું હતું પણ પોલીસ કમિશનર કચેરી વટાવ્યા પછી એકાદ કિલોમીટર પછી બધા વાહનો જમણી તરફ યુ ટર્ન લઈ વળ્યા, લતીફ સમજ્યો નહીં, તે શહેરની ભુગોળથી વાકેફ હતો, તેને આમ કેમ થઇ રહ્યું છે તેની ખબર પડી નહીં, તેણે પોલીસવાળા સામે પ્રશ્નાર્થ નજરે જોયુ, પણ કોઈ કંઈ બોલ્યુ નહીં એટલે તેણે બારીની બહાર જોયુ તો પોલીસના વાહનો એક કેમ્પસમાં દાખલ થયા તેની ઉપર સરકારી ગેસ્ટ હાઉસ તેવુ લખેલુ હતું. લતીફના ધબકારા વધી ગયા. તેને સરકારી ગેસ્ટ હાઉસમાં કેમ લાવ્યા તેની ખબર પડી નહીં. 

પણ કેમ્પસમાં દાખલ થતાં વાહનો અટક્યા અને તેની સાથે રહેલા પોલીસવાળાએ તેને નીચે ઉતરવાની સુચના આપી, તે બહાર આવ્યો તેણે જોયુ તો સરકારી ગેસ્ટ હાઉસના મોટા બિલ્ડિંગ બહાર પોલીસની લાલ લાઈટવાળી બે-ત્રણ કાર પડી હતી. જો કે કાર કોની હતી તેની તેને ખબર ન્હોતી, પણ કોઈ ઉચ્ચ અધિકારી હતા એટલુ તેને સમજાઈ ગયુ. તે પોલીસવાળા સાથે ચાલવા લાગ્યો અને એક રૂમમાં પોલીસવાળા લઈ ગયા, ત્યાં એક અધિકારી યુનિફોર્મમાં હતા અને બીજા સિવિલ કપડામાં હતાં. લતીફ તેમની સામે જોવા લાગ્યો. જો કે લતીફ યુનિફોર્મવાળા અધિકારીને ઓળખી ગયો, તે અમદાવાદના પોલીસ કમિશનર પી. નામુદ્રીપાદ હતા, જ્યારે બીજા કોણ હતા, તેની તેને ખબર ન્હોતી, પણ તે ગૃહ સચિવ રામ રખીયાણી હતાં. જે પોલીસવાળા લતીફને રૂમમાં લઈ આવ્યો તેણે લતીફને નીચે બેસવાનો ઈશારો કર્યો. એક સમયના ડૉનના ચહેરા ઉપર લાચારી હતી, તે ચુપચાપ પલાઠીવાળી નીચે બેસી ગયો. પોલીસ કમિશનર નામુદ્રીપાદે પોલીસ વાળા સામે જોયુ, તે સમજી ગયો , તે સર કહી તરત રૂમમાંથી બહાર નિકળ્યો, જતા તેણે રૂમમાં દરવાજો આડો કર્યો. 

હવે રૂમમાં પોલીસ કમિશનર, ગૃહ સચિવ અને લતીફ સિવાય કોઈ ન્હોતુ. આ બંન્ને અધિકારીઓ લતીફ સાથે એક કલાક વાત કરી પણ હજી કોઈને ખબર નથી કે તેઓ લતીફને કઈ બાબત પુછવા માગતા હતા અથવા એવા ક્યા રહસ્યો લતીફ પાસે હતા જેની તેમને જાણકારી જોઈતી હતી. આ બંન્ને અધિકારીઓ જાણતા હતાં કે હવે લતીફ તેમની સામે કંઈ ખોટુ બોલશે નહીં અને છુપાવશે નહીં. એક કલાક સુધી તેમણે લતીફ સાથે વાત કરી હતી. એક કલાક પછી પોલીસ કમિશનર અને ગૃહ સચિવ રૂમની બહાર નિકળ્યા. કમિશનરે બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીને સુચના આપી કે લતીફને લઈ જાવ, લતીફ રૂમની બહાર નિકળ્યા ત્યારે અંધારૂ થઈ ગયુ હતું, ઠંડી પોતાનું પણ કામ કરી રહી હતી, સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી, પોલીસના કાફલો દિલ્હી દરવાજા થઈ સાંજના ટ્રાફિક વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ જવા રવાના થયો. રસ્તામાં એક નાના ચાર ચાર રસ્તા આવે છે જેને દિલ્હી ચકલા કહેવામાં આવે છે. તે ચાર રસ્તા ઉપર વાહનોના ટ્રાફિકને કારણે થોડા ધીમા પડ્યા ત્યારે લતીફે ડાબી તરફ રસ્તા સામે જોયુ તે રસ્તો તેના ઘર અને અડ્ડા પોપટીયાવાડ તરફ જતો. આ રસ્તો તે નાનપણથી હમણાં સુધી હજારો વખત પસાર થયો હતો પણ આજે તે આવી રીતે પોતાના ઘર તરફ જતા રસ્તાને કેમ જોઈ રહ્યો હતો તેની કોઈને ખબર ન્હોતી. 

પોલીસના વાહનો સાત વાગ્યાના સુમારે ક્રાઈમ બ્રાન્ચના દરવાજામાં દાખલ થયા ત્યારે લતીફને પોલીસ વાનની લોંખડની જાળીમાંથી જોયુ કે તેનો મોટો ભાઈ તેને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચ આવ્યો હતો અને તે તેની રાહ જોતો હતો. 

Latif Series Part 44 - http://www.meranews.com/news-detail/Latif-series-Don-Latif-met-last-time-with-his-accomplice-in-central-Jail

જેલના સિપાહીએ લતીફનાં કાનમાં કંઇક કહ્યું અને તેના ચહેરા પરની ખુશી ચિંતામાં ફેરવાઇ

Latif Special Series
પ્રશાંત દયાળ (ભાગ-43):  સગીર અહેમદ પોતાની હત્યા થશે તેવી દહેશત ક્રાઈમ બ્રાન્ચ સામે લેખિતમાં વ્યક્ત કરી ચુક્યો હતો અને તેણે પોતાની અરજીમાં લતીફ તરફથી ધમકી મળી હોવાનો પણ એકરાર કર્યો હતો. લતીફ ભલે જેલમાં હતો પણ આ હત્યા તેના દ્વારા જ કરવામાં આવવામાં આવી હોવાની પુરી શક્યતા હતી. સવારે જ્યારે લતીફને જેલમાં સમાચાર મળ્યા ત્યારે તે સમાચાર સાંભળી મરક મરક હસ્યો હતો. તેની બેરેકમાં રહેલા તેના સાથીઓ પણ સમજી ગયા હતાં, સગીરની હત્યા ભાઈએ જ કરાવી છે. તેઓ ભાઈ અંગે બહુ અભિમાન રાખતા હતાં  કે તેમને ભાઈ જેલમાં રહીને પણ કોઈની ગેમ કરાવી શકે છે. આખો દિવસ લતીફ બહુ ખુશ હતો પણ મોડી સાંજે બેરેક બંધ થવાના સમયે એક જેલ સિપાઈ લતીફના કાનમાં આવી કઈક કહી ગયો, તે સાંભળી લતીફ બહુ બેચેન થઈ ગયો હતો. તેના ચહેરા ઉપરની ચિંતા તેના સાથીઓ પણ જોઈ શકતા હતાં. 

સગીરની હત્યા અંગે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો હતો પણ મીટિંગનો દોર ક્રાઈમ બ્રાન્ચમાં શરૂ થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર બી. જે. ગઢવી, ડેપ્યુટી પોલીસ કમિશનર એ. કે. સુરોલીયા સહિતના ચેમ્બરમાં એક પછી એક અધિકારીઓ આવતા હતાં. સગીરની હત્યા સુપારી કિલિંગ હતું પણ લતીફ કોને સોપારી આપી શકે?  લતીફનું કામ કોણ લઈ શકે?  હાલમાં ક્યા ક્યા કોન્ટ્રાક્ટ કિલર બહાર છે તેની તપાસમાં ઈન્સપેક્ટર તરૂણ બારોટ લાગી ગયા હતાં. ત્યારે મોબાઈલ ફોનનો યુગ નહીં હોવાને કારણે બધી ઈન્ફરમેશન માટે હ્યુમન ઈન્ફરમેશન ઉપર જ આધાર રાખવો પડતો હતો. ક્રાઈમ બ્રાન્ચના બાતમીદારો પણ સાહેબની સુચના મળતા માહિતી એકત્ર કરવાના કામે લાગી ગયા હતાં. 

રાજકિય ક્ષેત્રમાં શાંતિ હતી પણ શંકરસિંહ બાપુ વ્યથીત હતાં. સગીર તેમનો માણસ હતો. જો શંકરસિંહ પોતાના માણસને બચાવી શકે નહીં તો તેમની સાથે કોણ રહે તેવો પણ પ્રશ્ન ઉભો થાય. સગીરના મૃત્યુ પછી ખાસ કરી મુસ્લિમોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. હવે લતીફને પૈસા આપવાની ના પાડનાર મુસ્લિમોને પણ લતીફ મારી શકે છે તેવી લાગણી ઉદ્દભવી હતી. જે મુસ્લિમો લતીફને કોમના નેતા તરીકે જોતા હતાં તે જ મુસ્લિમોને હવે લતીફનો ડર લાગવા માંડ્યો હતો. સગીરના મૃત્યુ પછી બાપુ સગીરના ઘરે પહોંચ્યા હતા, તે મુખ્યમંત્રી ન્હોતા, છતાં તેમનો દબદબો મુખ્યમંત્રી  કરતા પણ વધારે હતો. બાપુ સગીરના ઘરે આવ્યા છે તેવી જાણકારી મળતા સિનિયર પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતાં. બાપુ સગીરના ઘરે બેઠા ત્યારે શાંત હતા, તેઓ કઈ બોલ્યા નહીં, પણ જતી વખતે પરિવારજનોના માથે હાથ મુકી કહ્યુ “હું છું, ચિંતા કરતા નહીં.” બાપુ આટલી વાતમં ઘણું કહી ગયા હતાં. 

સગીરના ઘરની બહાર નિકળી બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓ સાથે તેમણે એક ખુણામાં જઈ કંઈક વાત કરી. પોલીસ અધિકારીઓ માત્ર સર સર કહી જવાબ આપતા હતા, પણ ત્યાં હાજર અન્ય કોઈને ખબર પડી નહીં કે બાપુએ અધિકારીઓને શુ કહ્યુ. બપોર સુધીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોતાની પાસે રહેલી સગીરની અરજી અન્ય પુરાવાઓને સામેલ કરી ગૃહ વિભાગને એક વિગતવાર પત્ર અમદાવાદ પોલીસ કમિશનર મારફતે મોકલી આપ્યો હતો. જેમાં તેમણે લતીફ ઉપર લગાવવામાં આવેલી ક્રિમિનલ પ્રોસિઝર કોડની 268ની કલમ હટાવવાની માગણી કરી હતી. આ કલમ જેની ઉપર લાગેલી હોય તે કેદીને જેલની બહાર કાઢવા હોય તો કલમ હટાવવાની સત્તા માત્ર ગૃહ વિભાગ પાસે જ છે. અને ક્રાઈમ બ્રાન્ચ લતીફને જેલ બહાર લાવી સગીર હત્યા પ્રકરણમાં પૂછપરછ કરવા માગતી હતી. 

લતીફ ખુદ તેવું માનતો હતો કે તેની હાજરી તો સાબરમતી જેલમાં છે, પોલીસ ક્યારેય એવું કોર્ટમાં સાબિત કરી શકશે નહીં કે આ હત્યા તેણે કરાવી છે. પરંતુ તેને કલ્પના ન્હોતી  કે પોલીસ તેને 268ની કલમ હટાવી જેલની બહાર લઈ જશે. લતીફને બેરેક બંધ થતી વખતે જેલ સીપાઈએ જે વાત કરી તે આ જ હતી કે તેને ખબર પડી ગઈ હતી કે ક્રાઈમ બ્રાન્ચ તેને જેલની બહાર લઈ જવા માગે છે. લતીફ પોતાની માટે જેલને સૌથી વધુ સલામત જગ્યા સમજતો હતો પણ ક્રાઈમ બ્રાન્ચ તેને હવે જેલમાં રહેવા દેવા માગતી ન્હોતી. 

તે રાત્રે લતીફ જેલમાં સુઈ શક્યો ન્હોતો. તે હોશિયાર હતો, તેને આવનાર તોફાનનાં એંધાણ મળી ગયા હતા, પણ તે મનોમન એવું ઈચ્છતો હતો કે તે માની રહ્યો છે તેવુ તેની જીંદગીમાં ક્યારેય થાય નહીં. તે જ રાત્રે ગૃહ વિભાગના ગૃહ સચિવ રામરખીયાણીના ટેબલ ઉપર એક ફાઈલ આવી, જે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી મોકલવામાં આવી હતી. જો કે ફાઈલ તેમના ટેબલ ઉપર આવતા પહેલા મુખ્યમંત્રી દિલીપ પરીખની તેમજ અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસમાંથી ફોન આવી ગયો હતો. તેના કારણે ફાઈલમાં મુકવામાં આવેલી નોંધથી તેઓ પહેલાથી વાકેફ હતાં. જેના કારણે ફાઈલ જેવી તેમના ટેબલ ઉપર મુકાઈ તેની સાથે તેમણે ફાઈલ વાંચ્યા વગર  તેની ઉપર પોતાની સહિ કરી દીધી હતી. સહી થતાં લતીફ સામે લાગેલી 268 ની કલમ રદ થઈ હતી. જો કે માત્ર 268 હટ્યા પછી લતીફને જેલની બહાર લાવી શકાતો ન્હોતો કારણ લતીફ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. હજી કોર્ટની મંજૂરી લેવાની બાકી હતી.

Latif Series Part -43  http://www.meranews.com/news-detail/Jail-Sepoy-whispered-something-in-Latif-ears-which-turned-the-happiness-on-his-face-into-anxiety

Thursday, 9 March 2017

લતીફને ઉશ્કેરવાનું પોલીસનું પ્લાનિંગ સફળ રહ્યું અને તે જાળમાં ફસાઈ ગયો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-42):  દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે શંકરસિંહ વાઘેલા અને સી ડી પટેલ વચ્ચે થયેલી મંત્રણામાં નક્કી થયુ હતું શંકરસિંહ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપે, અને તેમના સ્થાને તેઓ ઈચ્છે તેમને મુખ્યમંત્રી પદ સોંપે તો કોંગ્રેસને કોઈ વાંધો નથી અને જો આ શરત મંજુર હોય તો કોંગ્રેસ તેમનો ટેકો ચાલુ રાખશે. બાપુના સ્વભાવ પ્રમાણે તેઓ વાતને હરગીજ મંજુર કરે નહીં, પણ તેમની પાસે કોઈ વિકલ્પ પણ ન્હોતો. અમદાવાદ આવી તેમણે જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે, અને નવા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ પદભાર સંભાળશે, ગુજરાત વેપારી મહામંડળમાંથી ભાજપમાં જોડાયેલા દિલીપ પરીખને કયારેય એવી કલ્પના ન્હોતી, કે તેઓ ધારાસભ્ય થશે અને છેક મુખ્યમંત્રી થશે, પણ કેટલાંક નસીબને બંન્ને હાથોમાં લખાવી આવે છે. ધંધુકાથી ચુંટાયેલા દિલીપ પરીખને હવે મુખ્યમંત્રી થઈ ગયા. જો કે સાલસ સ્વભાવના દિલીપ પરીખને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવા પાછળ પણ બાપુનો ચોક્કસ તર્ક હતો, જેમાં મુખ્યમંત્રી તરીકે નામ અને ફાઈલો ઉપર સહી જ દિલીપ પરીખની થવાની હતી, પણ સત્તાની બાગડોર તો બાપુના જ હાથમાં રહેવાની હતી. 

સાબરમતી જેલમાં રહેલો લતીફ ખુબ જ ગુસ્સામાં હતો, તે પોતાના હાથમાં રહેલો કાગળ થોડી થોડી વારે વાંચી રહ્યો હતો, તેની સાથે બેરેકમાં રહેલા અન્ય ગેંગસ્ટરોએ પણ લતીફની બેચેનીની નોંધ લીધી હતી. તેના એક સાથીએ પુછયું ત્યારે તેણે જવાબ આપવાને બદલે તેના હાથમાં રહેલો કાગળ હાથમાં થમાવી દીધો, પેલો ગેંગસ્ટર પણ કાગળ વાંચતા ચિંતામાં પડી ગયો. તે કાગળ એટલે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં આપેલી અરજી હતી. પહેલા તો સગીરે પૈસા આપવાની ના પાડી દીધી, ત્યાં સુધી વાત બરાબર હતી, પણ તે પૈસા આપવા માગતો નથી, તેવું આ અરજી મારફતે સ્પષ્ટ કરી નાખ્યુ હતું. 

આ ઉપરાંત સગીર પોલીસ સુધી જઈ લતીફની સામે ફરિયાદ આપવાની હિંમત કરી શકે તે વાત પણ લતીફ માટે અસ્હય હતી, સગીરની વધેલી હિંમતને કારણે પાંજરામાં પુરાયેલો અને ગુસ્સે થયેલો વાઘ ચક્કર મારે તેમ લતીફ બેરેકમાં ફરતા ફરતા વિચારી રહ્યો હતો. પણ મહત્વનો સવાલ હતો કે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં તેની સામે આપેલી અરજી ખુદ લતીફ સુધી કેવી રીતે પહોંચી ગઈ, શું લતીફ તરફ સહાનુભુતી રાખનાર અધિકારીઓ હજી પણ પોલીસમાં હતા, ના ખરેખર તેવું ન્હોતુ, પણ ક્રાઈમ બ્રાન્ચની યોજના પ્રમાણે જ બધુ થઈ રહ્યું હતું, ક્રાઈમ બ્રાન્ચમાંથી જાણે કોઈ લતીફને મદદ કરવા માગે છે તેવો ડોળ કરવામાં આવી રહ્યો હતો અને ઈરાદાપુર્વક લતીફ સુધી તે અરજીની કોપી મોકલવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચને અંદાજ હતો કે લતીફ આ અરજી વાંચી ગુસ્સે થશે અને કોઈ ભુલ કરી બેસશે. જેમ સિંહને બોલાવવા માટે મારણ બાંધવુ પડે તેમ સગીરની અરજીનો મારણ તરીકે પોલીસે ઉપયોગ કર્યો હતો અને પોલીસ અધિકારીઓ ઈચ્છી રહ્યા હતા તેવુ જ થઈ રહ્યુ હતું, લતીફ જાણતો ન્હોતો કે તે પોલીસની ટ્રેપમાં આવી ગયો છે. 

સગીરઅહેમદ સાથે હવે ચોવીસ કલાક પોલીસનો એક હથિયારબંધ જવાન રહેતો હતો, પહેલા લોકોએ તેને અનેક વખત મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે સ્ટેજ ઉપર બેઠેલો જોયો હતો હવે તેની સાથે પોલીસ જવાન રહેતો હોવાને કારણે તેને તેના સમાજ, મીત્રો અને વિસ્તારમાં વટ પડી ગયો હતો, જો કે લોકો જાણતા ન્હોતા કે તેણે લતીફ સામે કરેલી ફરિયાદને કારણે તેને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે, લોકો માનતા હતા કે સગીરભાઈ હવે નેતા અને વીઆઈપી થઈ ગયા હોવાને કારણે તેમને પોલીસ રક્ષણ મળ્યું છે. પોલીસની હાજરીની કારણે ખુદ સગીરનો પણ આત્મવિશ્વાસ વધી ગયો હતો, તેની ઓફિસમાં ધંધા માટે આવતા લોકો પણ પોલીસને હાજરી જોઈ સગીર સાથે ફટાફટ ધંધો કરી નાખતા હતા, તેઓ માનતા તેમનો કોઈ બહુ મોટા વેપારી સાથે નાતો બંધાયો છે. 

લગભગ ત્રણ મહિના થયા હશે, સગીર એક લગ્ન પ્રસંગે દાણીલીમડા વિસ્તારમાં આવ્યો હતો, સગીરને હવે લગ્ન પ્રસંગે હાજરી આપવા જરૂર આવજો તેવા આમંત્રણો પણ મળતા હતા, રાતના આઠ વાગ્યા હશે, સગીર પોતાના પોલીસ રક્ષક સાથે લગ્નમાં આવ્યો, લગ્નમાં વરવધુને આર્શીવાદ આપ્યા અને ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સગીર પોતાની કાર ખુદ ચલાવતો હતો, સગીર પાર્કિગમાં પોતાની કાર લેવા માટે ગયો જો કે તેનો પોલીસ રક્ષક માત્ર દસ ફુટના અંતરે જ ઊભો હતો, તે સગીરને બરાબર જોઈ શકતો હતો. સગીર જેવો કારના દરવાજા પાસે પહોંચ્યે ત્યારે એક બાઈક ઉપર બે યુવકો આવ્યા, પોલીસે તેને જોયા પણ ખરા, પણ તે લગ્નમાં જ આવ્યા છે તેવું તેણે માની લીધું, એકદમ બાઈકની પાછળ બેઠેલા યુવકે પોતાની પાસે રીવોલ્વર બહાર કાઢી ફટ-ફટ બે રાઉન્ડ સગીરની પીઠમાં ઠોંકી દીધા, પોલીસવાળાનું ધ્યાન અચાનક થયેલા અવાજને કારણે સગીર તરફ ગયું તેણે જોયું તો સગીર ત્યાં ઢગલો થઈ ગયો હતો. 

પોલીસવાળો તે તરફ દોડયો, પણ તે પહેલા તો તે બાઈક સવાર જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ અલોપ થઈ ગયા, તરત પોલીસે મદદ માટે લગ્નમાં આવેલા લોકોને બુમ પાડી બોલાવ્યા, કારણ તેની પહેલી પ્રાથમિકતા હતી કે સગીરને દવાખાને લઈ જવામાં આવે, સગીરનો શ્વાસ હજી ચાલતો હતો, તરત લોકો દોડી આવ્યા અને સગીરને કારમાં નાખી દવાખાને લઈ ગયા, પણ ત્યાં સુધી શ્વાસ તુટી ગયો હતો. જયારે સગીર ઉપર ગોળીબાર થયો અને સગીરનું મૃત્યુ થયું તેવા સમાચાર ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યા ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા હતા… ક્રાઈમ બ્રાન્ચમાં નિરવ શાંતિ હતી. 

Latif Series Part 42 - http://www.meranews.com/news-detail/Latif-series-police-tried-that-idea-and-got-success

લતિફ સામે બાંયો ચઢાવી તરૂણ બારોટે કહ્યું ક્યાં સુધી લતીફનો ત્રાસ સહન કરશો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-41): કોંગ્રેસ હાઈકમાન્ડને સમજવવામાં સી ડી પટેલ સફળ થયા હતા. સી ડી પટેલ અને શંકરસિંહ વાઘેલા બંન્નેને દિલ્હીનું તેડુ આવતા, તેઓ દિલ્હી જવા રવાના થયા હતા, સી ડી પટેલ તો ટેકો પાછો ખેંચી લઈ ચૂંટણીમાં જવાની તૈયારીના મુડમાં હતા, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ તેના માટે તૈયાર ન્હોતું, તેઓ વચલો કોઈ રસ્તો કાઢવો જોઈએ તેવા મતના હતા, કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરી કોંગ્રેસ પ્રમુખના રાજકિય સલાહકાર અહમદ પટેલ, સી ડી પટેલના સ્વભાવથી વાકેફ હતા, તેમને ખબર હતી સી ડી પટેલ લાંબો સમય આ સ્થિતિ સહન કરી શકશે નહીં અને સી ડી પટેલ કોઈ અંતિમ પગલું ભરે તે પહેલા કોઈ નિર્ણય લેવાઈ જવો જોઈએ. 

પ્રદેશ પ્રમુખ તરીકે પ્રબોધ રાવળની મુદત પુરી થતી હતી, ત્યાર બાદ પ્રમુખ તરીકે સી ડી પટેલને મુકવાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ તરફ લેવાયો ત્યારે અહમદ પટેલે સી ડીને ફોન કરી દિલ્હી આવવાની સુચના આપી હતી, સી ડી પટેલ અને અહમદ પટેલને ખુબ જ અંગત સંબંધો, અહમદ પટેલનો દિલ્હીમાં દરબાર ભરાતો હોય તો પણ સી ડી પટેલ અહમદ પટેલને તેમના હુલામણા બાબુના નામે જ સંબોધતા હતા. અહમદ પટેલનો ફોન આવતા પહેલા તો સી ડી પટેલે બાબુ મારે કોઈ દિલ્હીમાં કામ નથી તેમ કહી દિલ્હી આવવાની ના પાડી દીધી. 

અહમદ પટેલની વિનંતી પછી દિલ્હી પહોંચેલા સી ડી પટેલને ખબર પડી કે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેમે સ્પષ્ટ શબ્દમાં અહમદ પટેલને કહ્યું બાબુ જો હું કોઈને પાસે ફંડ ફાળો લેવા જવાનો નથી,, મને પ્રમુખ બનાવો હોય તો પહેલા બધો વિચાર કરી લેજો. અહમદ હસવા લાગ્યા, તેમને સી ડીના સ્વભાવની ખબર હતી તેમણે કહ્યું ના કોઈની પાસે તમારે પાઈ પૈસો લેવા જવાનું નથી બસ.. અને સી ડી પ્રમુખ થયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે શંકરસિંહ પોતાનો પક્ષ મુકયો હતો અને સી ડી પટેલે પ્રમુખ તરીકે પોતાની વાત મુકી હતી, સી ડી પટેલ કોઈ પણ કિમંતે શંકરસિંહ મુખ્યમંત્રી હોય તેવી સરકારની તરફેણમાં ન્હોતા. લાંબી ચર્ચાઓના અંતે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ, બાપુ ખુબ જ નારાજ હતા, પણ તે માનવા સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો. સાંજની ફલાઈટમાં શંકરસિંહ ગાંધીનગર આવવા માટે નિકળ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી. 

આ તરફ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરની ચેમ્બરમાંથી ઉતાવળે પોતાની ચેમ્બર તરફ આવેલા ઈન્સપેકટર તરૂણ બારોટે આવીને જોયું તો સગીર અને કોન્સટેબલ નિઝામ વાત કરી રહ્યા હતા, બારોટે આવતા જ નીઝામને કહ્યું નીઝામ સગીરને ચા પીવડાવી કે નહીં, સગીરે ખાલી કપ તરફ ઈશારો કરતા કહ્યું હા સાહેબ હમણાં જ પીધી, તેમ છતાં બારોટે નીઝામને કહ્યું જા યાર બે કોફી કહી દે, મારૂ માથુ ભારે થઈ ગયું છે, નીઝામે બારોટ સામે જોયું તે જુનો પોલીસવાળો હતો, તે સમજી ગયો કે બારોટ સાહેબ સગીર સાથે કોઈ વાત કરવા માગે છે, એટલે તે કોફી લેવા જવાના બહાને ત્યાંથી રવાના થયો. હવે ચેમ્બરમાં સગીર અને બારોટ બંન્ને એકલા હતા. 

તરૂણ બારોટે ધીમા અવાજે વાતની શરૂઆત કરતા કહ્યુ જો સગીર મેં સુરોલીયા સાહેબને વાત કરી, તે તો બહુ ગુસ્સે થઈ ગયા, તેમણે કહ્યુ સગીર તો આપણો માણસ છે,. લતીફ કઈ રીતે તેને ધમકી આપી શકે, સગીરને આ સાંભળી સારૂ લાગ્યુ કે પોલીસવાળા તેને પોતાનો માણસ સમજે છે, અને આ વાકયને કારણે તેનામાંથી થોડી હિમંત પણ આવી હતી, જે બારોટ તરત સગીરનો ચહેરો જોઈ સમજી ગયા હતા, વાતને પકડી લેતા જ બારોટે કહ્યું સગીર... સાહેબ કહેતા હતા કે તારે એક અરજી આપી દેવી જોઈએ, અરજી સાંભળતા જ સગીર પોતાની ખુરશીમાં પાછો ખસી ગયો, તેણે કહ્યું સાહેબ લતીફ સામે અરજી આપું..?.. તમને તેનો અર્થ તો સમજાય છેને.. બારોટે તને હિમંત આપતા કહ્યું ચિંતા ન કરીશ, સાહેબે તારી સાથે એક પોલીસવાળો પણ મુકવનો કહ્યો છે. આ વાકય પુરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસમાં રહેલો એક હેડ કોન્સટેબલ ચેમ્બરમાં દાખલ થયો અને બારોટને સલામ કરતા કહ્યું ડીસીપી સાહેબે મોકલ્યો છે. 

બારોટે તરત સગીરને કહ્યું જો આ તારા બોડીગાર્ડમાં રહેશે, તેની પાસે વેપન પણ હશે ચિંતા કરતો નહીં, સગીરને પરસેવો થવા લાગ્યો, બારોટે હેડકોન્સટેબલને  બહાર જવાનો ઈશારો કર્યો અને તે બહાર જતા, સગીરને પાણીનો ગ્લાસ આપતા કહ્યું તું ખોટો ડરે છે.. અમે છીએ તારી સાથે કયાં સુધી લતીફનો ત્રાસ સહન કરશો. સગીર વિચાર કરવા લાગ્યો, થોડીવાર વિચાર કરીને કહ્યું સાહેબ મને અરજી લખતા નહીં આવડે, તરૂણ બારોટે તરત પોતાના રાઈટરને બોલાવી કહ્યું સગીરને અરજી લખી આપ અને અરજી લખાવવાની શરૂઆત થઈ હતી, અરજી લખાઈ ગયા બાદ સગીર ઘરે જવા નિકળ્યો ત્યારે તેની કારની બાજુની સીટમાં રીવોલ્વર સાથે હેડ કોન્સટેબલ પણ હતો. હવે સગીર કોઈ નેતા જેવો હતો, તેની સાથે સરકારી અંગરક્ષક પણ હતો. બીજી તરફ સેન્ટ્રલ જેલમાં રહેલા લતીફને સગીરના જ વિચાર આવતા હતા, ત્યારે તેની ગેંગનો એક માણસ તેને મળવા માટે સાબરમતી જેલ ઉપર આવ્યો અને તેણે ચારે તરફ નજર કરી લતીફના હાથમાં ઘડી કરેલા કાગળ મુકયો હતો. લતીફે પોતાની બેરેકમાં જઈ જયારે તે કાગળ ખોલ્યો ત્યારે ગુસ્સાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી. 

Monday, 6 March 2017

લતીફનો આતંક ઓસરતો હતો પણ શંકરસિંહના આતંકથી નરેન્દ્ર મોદી ધ્રુજતા હતાં

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-39): લતીફ પોતાની તાકાત અને ગેંગ ઉપર હજી મુસ્તાક હતો, પણ તેને કલ્પના ન્હોતી કે તે ભારત છોડી ભાગ્યો અને પકડાયો તેના ત્રણ-ચાર વર્ષમાં પોપટીયાવાડમાં ઘણુ બદલાઈ ગયું હતું. એક જમાનો હતો જયારે મોટા પોલીસ અધિકારીઓ પણ પોપટીયાવાડમાં જતા ડરતા હતા. દરિયાપુરના પોલીસ ઈન્સપેકટર પણ પોપટીયાવાડમાં જતા પહેલા સ્ટેટ રીર્ઝવ પોલીસ ફોર્સની કંપની બોલાવતા હતા, અને લતીફના ગુંડાઓ દરિયાપુર પોલીસ સ્ટેશન ઉપર બોમ્બ ફેંકી શકતા હતા, તે બધુ બદલાઈ ગયુ હતું. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એ કે સુરોલીયાની ટીમે જે કામગીરી કરી હતી, તેના કારણે પહેલી વખત પોપટીવાડમાં પોલીસનો ખૌફ કોને કહેવાય તેની ખબર પડી હતી. પૈસા ખાતર અથવા લતીફભાઈની આભામાં આવી ભાઈ બનવા નિકળેલા અનેક યુવાનો જેલમાં ધકેલાઈ ગયા હતા. જેના કારણે હવે અમદાવાદ પોલીસનો અતિ સામાન્ય કોન્સટેબલ પણ રોકટોક વગર બીન્દાસ પોપટીયાવાડમાં જઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. 

રથયાત્રા હવે શાંતિપુર્ણ રીતે પસાર થવા લાગી હતી, જો કે હજી બંન્ને કોમના લોકોમાં એકબીજા માટે કટુતા તો ચોક્કસ હતી, એટલે રથયાત્રા પ્રેમદરવાજામાંથી દરિયાપુરમાં દાખલ થાય ત્યારે કોઈ બનાવ બને નહીં તેની તકેદારી બંન્ને કોમના નેતાઓ લેવા લાગ્યા હતા. રથયાત્રામાં મોટી પોલીસ ફોર્સ હોવાને કારણે યાત્રામાં સામેલ ટ્રકમાં સવાર યુવાનોને જોર ચડતું અને દરિયાપુર લીમડા ચોક જયાંથી પોપપટીયાવાડ જવાનો રસ્તો છે ત્યાં ટ્રક પસાર થાય ત્યારે ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર પણ થતાં, પણ સ્થાનિક મુસ્લીમોએ તેનો રસ્તો શોધી કાઢયો હતો, પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધીના બસ્સો મીટરના રસ્તા ઉપર મોટી સાઉન્ડ સીસ્ટમ મુકી દેવામાં આવતી હતી જેની ઉપર ઊચા અવાજે દેશ ભકિતના ગીતો મુકવાની શરૂઆત થઈ હતી. જેથી કરી ટ્રકમાં સામેલ હિન્દુ યુવાનો સુત્રોચ્ચાર કરે તો પણ તે કોઈ સાંભળી શકે નહીં. આ જ ગાળામાં રથયાત્રામાં એક વ્હીસલ સ્કવોડ પણ શરૂ કરવામાં આવ્યા હતા, જેમા ચાલીસ પચાસ પોલીસવાળા હતા, જેમનું કામ માત્ર સતત વ્હીસલ વગાડવાનું હતું, વ્હીસલના અવાજમાં સુત્રોચ્ચાર દબાઈ જતો હતો. 

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબઈન્સપેકટર તરૂણ બારોટને આઉટ ટર્ન પ્રમોશન આપી પોલીસ ઈન્સપેકટર બનાવી દેવામાં આવ્યા હતા, ઘટના કઈક એવી હતી કે અમદાવાદના વેજલપુર વિસ્તારના પરેશ એપાર્ટમેન્ટમાં ખાલીસ્તાન લીબ્રેશન ફ્રન્ટના ત્રાસવાદીઓ હથિયારોનો મોટો જથ્થો લાવ્યા છે, તેવી માહિતી સબઈન્સપેકટર તરૂણ બારોટને મળી હતી. જેના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતા આરડીએકસ અને મોટા પ્રમાણમાં એ કે 47 રાયફલો મળી આવી હતી. જો કે હથિયાર લાવનાર ત્રાસવાદી લાલસિંગ પોલીસ આવે તે પહેલા ફરાર થઈ ગયો હતો. આ જથ્થો ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પકડાયો હતો, તરૂણ બારોટની આ કામગીરીના ભાગ રૂપે તરૂણ બારોટને વનસ્ટેપ પ્રમોશન આપવું જોઈએ તે દરખાસ્ત થઈ હતી. જો કે તે દરખાસ્તને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે બહાલી મળી હતી. 

અમદાવાદ યથાવત થવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું પણ ગાંધીનગરમાં હજી સ્થિતિ ડામાડોળ હતી. શંકરસિંહ મુખ્યમંત્રી થયા પછી ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થયો અને ચિમનભાઈ પટેલની સરકાર છોડીને નિકળેલા સી. ડી. પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ થયા હતા, તેમને શંકરસિંહની સરકાર ચલાવવાની પદ્ધતિ જરા પણ રાસ આવતી ન્હોતી, તેમનો વ્યક્તિગત મત હતો કે શંકરસિંહની સરકારને ટેકો આપી કોંગ્રેસે ભુલ કરી છે અને તેની કિંમત કોંગ્રેસ ચુકવવી પડશે. બીજી તરફ શંકરસિંહના સ્વભાવ પ્રમાણે તેમને કોઈ પણ પ્રકારના નિયંત્રણો ગમતા ન્હોતો, તેમને પણ સી. ડી. પટેલ સાથે છત્રીસનો આંકડો હતો. શંકરસિંહ ધારાસભ્ય નહીં હોવાને કારણે તેમને ધારાસભ્ય તરીકે ચુટાવવાનું હતું, એટલે તેમણે પેટા ચૂંટણી માટે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી સોંલકી પાસે રાજીનામુ આપી ધારાસભ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. શંકરસિંહ ચૂંટણી હારે તે માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું અને બાપુને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા ખુદ રાધનપુરમાં ડેરા તંબુ નાખી બેઠા હતા. પણ શંકરસિંહ માટે પણ જીવન મરણનો પ્રસંગ હતો. તેમણે બનાસકાંઠાના ડીએસપી એ કે પંડયાને પોતાના વિરોધીઓને ખતમ કરવાની સુચના આપી હતી. બાપુએ ગુજરાતભરમાંથી ગુંડાઓને ફોજ એક એક બુથ ઉપર મુકી દીધી હતી, બાકી હતું તો લો એન્ડ ઓર્ડર આઈજીપી ચિતરંજનસિંગ પણ રાધનપુર આવી ગયા હતા. ચૂંટણીની આગળની રાતે તેમણે ભાજપના તમામ પોલીંગ એજન્ટોને પકડી પુરી દીધા હતા. ચૂંટણીના દિવસે ભાજપના નેતાઓને પકડી પકડી મારવામાં આવતા હતા, આ વાત બહાર જાય નહીં તે માટે રાધનપુરમાં આવેલા પત્રકારોની પણ સારી પેઠે ધોલાઈ કરી નાખવામાં આવી હતી. એક દિવસ માટે રાધનપુર ગુજરાતનો નહીં પણ બિહારનો કોઈ વિસ્તાર હોય તેવો માહોલ થઈ ગયો. નરેન્દ્ર મોદી, અશોક ભટ્ટ અને પ્રવિણ તોગડીયાને પણ બાપુના આતંકની કલ્પના ન્હોતી, તેઓ રીતસર ધ્રુજતા હતાં અને પત્રકારોને વિનંતી કરતા હતા તેમણે આ મુદ્દે કંઈક કરવું જોઈએ. જો કે પરિણામ આવે તે પહેલા સ્પષ્ટ થઈ ગયું શંકરસિંહ ચૂંટણી જીતવાના છે અને તેવું જ થયું. 

આ બાજુ લતીફના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી, તે પોતે હજી અસ્પષ્ટ હતો, તેને લાગી રહ્યુ હતું કે હવે લોકોએ તેનાથી ડરવાનું બંધ કરી દીધુ છે. 

Latif Series Part 39 - http://www.meranews.com/news-detail/Modi-was-more-scared-of-Vaghela-terror-than-Latif

Sunday, 5 March 2017

શંકરસિંહનો જેના પર હાથ હતો તેને લતિફે જેલમાંથી સંદેશ મોકલ્યો, મરવા તૈયાર રહેજે

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-38): ગુજરાત વિધાનસભાથી રાજયપાલ ભવન સુધી બધુ સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યું હતું, પણ મોટા ભાગના નેતાઓ અને પત્રકારો માની રહ્યા હતા કે સુરેશ મહેતાની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવવો, વિધાનસભામાં તોફાન થવું કે પત્રકારો ઉપર લાઠીચાર્જ થવો તે અકસ્માતે થયેલી ઘટના છે, સુરેશ મહેતાએ રાજયપાલ કૃષ્ણપાલસિંહ સામે વિધાનસભામાં પોતાની બહુમતી હોવાનો દાવો યથાવત રાખી, વિધાનસભામાં જે કંઈ બન્યું તે અંગે નારાજગી વ્યકત કરી હતી, બીજી તરફ શંકરસિંહે વિધાનસભાના અધ્યક્ષ ચંદુડાભી ભાજપ સરકાર અલ્પમતમાં આવી હોવાના નિર્ણય તરફ ધ્યાન દોર્યું હતું, અને ત્રીજા પક્ષકાર તરીકે પત્રકારોએ તેમની ઉપર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યુ હતું, પણ અહીં પત્રકારોને હાથો બનાવવામાં આવી રહ્યા છે તેની જાણ તેમને ન્હોતી. 

પત્રકારો રાજયપાલ ભવનમાં ગુસ્સામાં હતા. તેમણે આવેદનપત્ર આપવા માટે એક કાગળ ઉપર સહી કરવાની શરૂઆત કરી હતી, પણ જયારે રાજયપાલ સુધી આવેદનપત્ર પહોંચ્યુ તેમાં કેટલાક કાગળો બદલાઈ ગયા અને જે નવા કાગળો જોડી દેવામાં આવ્યા હતા, તેમાં પત્રકારો એવું માની રહ્યા છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે તે મતલબનું લખાણ હતું. બસ રાજયપાલ કૃષ્ણપાલસિંહને આટલી જરૂર હતી. તેમણે તરત પત્રકારોની વાતને માધ્યમ બનાવી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા યોગ્ય નથી, તેને મુખ્ય આધાર બનાવી, ગુજરાત વિધાનસભાને સુક્ષુપ્ત અવસ્થામાં મુકી દીધી હતી, હવે શંકરસિંહ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. 

જો કે દિલીપ પરીખના દાવા પ્રમાણે તેમની પાસે 45 ધારાસભ્યો હતા, પણ ખરેખર તે વાત પણ સાચી ન્હોતી, હજી બે-ત્રણ ધારાસભ્યો ઓછા પડતા હતા. જો દિલીપ પરીખનો દાવો ખોટો પડે તે તમામ ધારાસભ્યો સામે પક્ષાંતર ધારો લાગુ પડે તેમ હતો, પણ બાપુ તે ધંધામાં માહિર હતા. થોડાક લોકો સાથે ખરીદ વેચાણ શરૂ થયુ અને 45નો આંકડો પુરો થયો, તેમ છતાં સરકાર તો બની શકે તેમ ન્હોતી, શંકરસિંહે કોંગ્રેસ સાથે વાટાધાટો શરૂ કરી, કોંગ્રેસ માટે તો કોઈ પણ ભોગે ભાજપની સરકાર ન બને તેમાં જ રસ હતો, જે અગામી દિવસોમાં કોંગ્રેસ અને શંકરસિંહને ભારે પડવાની હતી, પણ બંન્નેની સત્તા લાલસા હતી. 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રબોધ રાવળ હતા, તેમણે હાઈકમાન્ડ સાથે વાત કરી શંકરસિંહ વાઘેલા સરકાર બનાવતા હોય તો ટેકો આપવા માટે મનાવી લીધા અને શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેજા હેઠળ નવો પક્ષ બનાવ્યો કોંગ્રેસના ટેકાથી પોતે મુખ્યમંત્રી બની ગયા હતા. મુળ ભાજપ ગોત્રના આ ત્રીજા મુખ્યમંત્રી હતા. 

શંકરસિંહ પણ કોંગ્રેસના રસ્તે જ આગળ વધી રહ્યા હતા, સત્તા માટે તે કોઈની પણ સાથે સંબંધ રાખતા અને સત્તા માટે કઈ પણ કરી શકતા હતા, ત્યારે શંકરસિંહને ભેટો જુહાપુરા સગીરઅહેમદ સાથે થયો, તે સમયનો તે જુહાપુરાનો બીલ્ડર અને વગદાર ગણાતો હતો, બાપુએ તેને પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધો, સગીરને અમદાવાદમાં સાચા ખોટા તમામ ધંધા કરનાર લોકો સાથે સારા સંબંધ હતા, જેમાં સગીરનો સંબંધ જેલમાં રહેલા LATIF સાથે પણ હતો. લતીફને જયારે પણ પૈસાની જરૂર હોય ત્યારે લતીફના માણસો સગીર પાસે જતા અને સગીર તેમને પૈસા આપી દેતો હતો. એવું પણ કહેવાય છે કે સગીર જે પૈસા આપતો તે લતીફનું જ રોકાણ હતું અને સગીર લતીફના પૈસા બજારમાં ફરતા રાખવાનું કામ કરતો હતો, જયારે જયારે લતીફને પૈસાની જરૂર હોય ત્યારે તે તેમાંથી પુરી કરતો હતો, પરંતુ ઘણી વખત એવું પણ બનતુ હતું કે બજારમાં તંગી હોય ત્યારે લતીફને કયાંથી પૈસા આપવા તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હતો. પણ લતીફને ના પાડી શકાય તેમ ન્હોતી. 

સગીર સિવાય પણ લતીફે અન્ય મુસ્લિમ બીલ્ડર અને વેપારીઓ પાસે માણસો મોકલી પૈસા લેવાની શરૂઆત કરી હતી, આ મુદ્દે બધા જ નારાજ હતા, અંદર અંદર તેઓ આ અંગે ખુલીને બોલતા હતા, પણ લતીફને ના પાડવાની તેમની હિંમત ન્હોતી. જો કે હવે સગીરઅહેમદનો કેસ જુદો હતો, તેને સીધો મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા સાથે સંબંધ હતો, તે મુખ્યમંત્રીના સમારંભમાં સ્ટેજ ઉપર પણ બેસવા લાગ્યો હતો, સગીરનો વટ પડવા લાગ્યો હતો. સગીર મુખ્યમંત્રી સાથે હોવાને કારણે જે પોલીસ અધિકારી સગીર સાથે પહેલા વાત પણ કરતા ન્હોતો, તે સામે ચાલી સગીરને મળવા જતા હતા. આ બધી સ્થિતિમાં સગીર પણ હવે એવું લાગવા લાગ્યું હતું કે તેણે લતીફથી ડરવાની જરૂર નથી. તેને મુખ્યમંત્રી ઓળખે છે, તેને અમદાવાદના પોલીસ અધિકારીઓ સાથે સંબંધ છે, એટલે લતીફ હવે તેનું કાંઈ બગાડી શકે તેમ નથી. 

સગીરની હિંમત ખુલવા લાગી હતી, સમાજમાં તેને હવે ભાઈ તરીકે સંબોધવા લાગ્યા હતા, તે પણ પોતાની એક અલગ દુનિયા બનાવવા માગતો હતો, તેને પણ વધુ પૈસા કમાવવા હતા. એટલે હવે નિયમિત પૈસા લેવા આવતા લતીફના માણસો સાથે રકમના મુદ્દે અથવા પૈસા નથી તેવું કારણ આપી ચકમક થવા લાગી હતી. જેલમાં બેઠેલા લતીફને પણ સગીરની હિંમતે વિચાર કરતો મુકી દીધો હતો, આમ તો સ્વભાવે વેપારી લતીફ તરત કંઈ બગાડે તેમ ન્હોતો, પહેલા તેણે સગીરને સમજાઈ જોવાનો પ્રયત્ન કર્યો પણ સગીર માનવા લાગ્યો કે તે હમણાં ઢીલો પડયો તો પૈસા આપવાનો ક્રમ ચાલુ જ રહેશે. એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં લતીફને હવે એક પણ પૈસો મળશે નહીં તેવું કહી દીધુ હતું. જયારે જેલમાં બેઠેલા લતીફને ખબર પડી કે સગીરે પૈસાની ના પાડી દીધી છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. 

આ આખી ઘટનાની બે–ત્રણ બાજુ હતી, જેમાં LATIF માટે કામ કરતા તેના માણસોને પહેલા તો ખબર પડી કે સગીર હવે લતીફનું માનતો નથી, આ ઉપરાંત જેલની અંદર રહેલા તેના સાથીઓને ખબર પડે કે હવે બહારની દુનિયામાં લતીફનું વર્ચસ્વ રહ્યુ નથી, તો જેલમાં તેનો મોભો ઓછો થઈ જાય અને સૌથી મહત્વની વાત જો બજારમાં આ વાત આવી જાય કે સગીરે લતીફને પૈસા આપવાનું બંધ કરી દીધુ, તો ધીરે ધીરે બીજા પણ પૈસા આપવાનું બંધ કરી દેશે. લતીફનું પોતાનું સામ્રાજય પત્તાના મહેલની જેમ ધરાશાઈ થતું દેખાયું અને તેણે સગીરને સંદેશો મોકલ્યો તો હવે મરવા માટે તૈયાર રહેજે. 

Latif Series Part 38 - http://www.meranews.com/news-detail/Latif-told-a-man-closed-to-Shankarsinh-be-ready-to-die

જેઠમલાણી લડતાં લતીફનો કેસ: મોદી ભક્તોએ BJPનાં પાટીદાર નેતાને જાહેરમાં ધોતી કાઢી દોડાવ્યા

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-37):  લતીફની જીંદગીમાં હવે બધુ તેની સ્ક્રીપ્ટ પ્રમાણે ચાલી રહ્યુ હતું. ઉંદરની જેમ સંતાઈ રહેલો લતીફ જેલમાં આવી પાછો સિંહ થઈ ગયો હતો. તેણે જેલમાં બેસીને ફરી પાછા ઉઘરાણા શરૂ કર્યા હતાં. જેલમાં તેને પણ ખાસ્સો ખર્ચ થતો હતો. જેલમાં તેના 82 ગુંડાઓ હતાં. લતીફ તેના તમામ ગુંડાઓના ઘરે દર મહિને તેના માણસો જઈ પાંચ હજાર રૂપિયા આપી આવતા હતાં. આ ઉપરાંત વકિલોના ખર્ચ ગણીએ તો પાંચ સાત લાખ રૂપિયાની જરૂર તો રહેતી હતી. સુપ્રિમ કોર્ટમાં લતીફનો કેસ રામ જેઠમલાણી જેવા મોટા દિગ્ગજ વકિલો લડતા હતાં, પણ જેલમાં બેસી LATIF સુચના આપે એટલે વેપારીઓ પૈસા મોકલી આપતા હતાં. હમણાં સુધી લતીફનો આતંક માત્ર હિન્દુઓ પુરતો સીમિત હતો પણ હવે તેણે મુસ્લિમ બિલ્ડર્સ અને વેપારીઓ પાસે પણ પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી. બધા જ ડરેલા હતા, પણ કોઈની લતીફ સામે બોલવાની હિમંત ન્હોતી. 

લતીફના તમામ કેસ સાબરમતી જેલમાં જ ચાલવાના હતાં. તેના માટે ખાસ અદાલત જેલમાં ઉભી કરવામાં આવી હતી, પણ જે દિવસે કેસની સુનાવણી હોય ત્યારે જેલની અંદર અને બહાર માહોલ બદલાઈ જતો હતો. કેસના ફરિયાદી અને સાક્ષી જ્યારે જુબાની આપવા માટે સાબરમતી જેલના દરવાજે પહોંચે તેની સાથે લતીફના ગુંડાઓ તેમની પાસે પહોંચી જતા હતાં અને માત્ર એટલુ જ કહેતા હતા “ભાઈ કે ખીલાફ ગવાહી દેંગા..” બીજી કોઈ વાત નહીં. જેલના દરવાજા સુધી એકલો આવેલો સાક્ષી અથવા ફરિયાદ આ સાંભળી ડરી જતા હતાં કારણ તેમને જુબાની આપી, તો જેલની બહાર જ આવવાનું હતું અને તેમને અમદાવાદમાં જ રહેવાનું હતું. લતીફના ગુંડાઓ શાનમાં જે ધમકી આપતા હતા તેને અર્થ તેમને સમજાઈ જતો હતો. 

જેલની અંદરની અદાલતનો માહોલ તો આના કરતાં પણ વધુ ડરામણો હતો. સુનાવણી વખતે નિયમ પ્રમાણે લતીફ સહિત તેના 82 ગુંડાઓને એક સાથે ઉભા રાખવામાં આવતા હતાં. જ્યારે સામે પક્ષે એક માત્ર જુબાની આપવા આવેલો સાક્ષી હોય.  આ બધા જ ગુંડાઓની કદકાઠી અને આંખો જોઈને જ સાક્ષી ડરી જતો હતો. આ ઉપરાંત લતીફના ચારથી પાંચ વકિલો પણ કોર્ટમાં હાજર રહેતા હતાં. જ્યારે સરકાર પક્ષે એકાદ સરકારી વકિલ હોય જેને તો દિવસ પુરો કરવાની ઉતાવળ હોય. સાક્ષી હિમંત રાખે તો પણ લતીફના વકિલોની ફોજ ઉલ્ટા સુલટા સવાલો પુછીને સાક્ષીને ગુચવી અને ડરાવી નાખતી હતી. જેના કારણે મોટા ભાગના સાક્ષીઓ પોલીસને આપેલા નિવેદન કરતા વિરૂધ્ધની જ વાત કરતા હતા અથવા તો પોલીસે તેમની પાસે બળપૂર્વક નિવેદન નોંધ્યુ હોવાનું કહેતા હતાં. આ વખતે લતીફના ચહેરા ઉપર એક સ્મીત આવી જતું હતું. 

સાક્ષી જેલની બહાર આવે ત્યારે હાશકારો થતો હતો. લતીફના એક વર્ષમાં જેલમાં કુલ છ કેસ ચાલ્યા તે તમામમાં સાક્ષી ફરી ગયા તેના કારણે કોર્ટે તેને નિદોર્ષ છોડી દીધો હતો. હજી તો બીજા કેસ ઉભા હતા, પણ તમામ કેસમાં આવુ જ થવાનું હતું.  તે લગભગ નક્કી જ હતું. 

બીજી તરફ ભાજપ પર સંકટ ઉભુ હતું. કેશુભાઈ પટેલની સરકાર પડી ગઈ અને નરેન્દ્ર મોદીને ગુજરાત છોડવું પડ્યું તેનો મોદીને રંજ હતો. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપનો એક સમારંભ હતો. મુખ્યમંત્રી સુરેશ મહેતા સહિત અનેક નેતાઓ ત્યાં આવવાના હતાં. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એક યોજના ઘડી કાઢી, જેમા શંકરસિંહને સાથ આપનારને પાઠ ભણાવવાનો હતો. સમારંભ પુરો થયો તેની સાથે શંકરસિંહના ખાસ ગણાતા આત્મારામ પટેલ, દત્તાજી ચીંરદાસ અને મધુસુદન મિસ્ત્રી જેવા નેતાઓ ઉપર મોદી ભક્તોએ હુમલો કરી દીધો અને વાત તો ત્યારે બગડી કે વયોવૃદ્ધ મંત્રી આત્મારામે પહેરેલી ધોતી કાઢી તેમને રસ્તા ઉપર દોડવવામાં આવ્યા. ભાજપની આબરૂના ફરી લીરા ઉડ્યા હતાં પણ મોદી અને શંકરસિંહ હજી પોતાનો જ હિસાબ સરભર કરવાના મુડમાં હતાં. તેમને મન પાર્ટીની આબરૂની કોઈ કિમંત ન્હોતી. 

આત્મારામ ધોતી પ્રકરણમાં ફરી બાપુએ ભાજપ સામે રણશીંગુ ફુક્યું અને ભાજપમાં હોવા છતાં ભાજપની સામે નિવેદન કરવા લાગ્યા હતા. સુરેશ મહેતાએ બાપુને સમજવવાનો ખુબ પ્રયાસ કર્યો  પણ સુરેશ મહેતા બાપુની યોજના સમજી શક્યા ન્હોતા. હજી બાપુના મનમાં ખુદ મુખ્યમંત્રી થવાની તીવ્ર ઈચ્છા હતી તે મોટી થઈ રહી હતી. જો કે હજી બાપુ સંસદ સભ્ય જ હતાં છતાં ભાજપની સામે નિવેદનો ચાલુ હતાં. ભાજપની નેતાગીરી ત્રસ્ત થઈ ગઈ અને બાપુને તેમણે શીસ્તભંગની નોટીસ આપી હતી. બસ બાપુ આટલુ જ ઈચ્છતા હતાં, તે પોતાના સમર્થકો સાથે અમદાવાદના લાલદરવાજા પાસે આવેલી ઈન્દુલાલ યાજ્ઞીકની પ્રતિમા પાસેપહોંચ્યા અને તેમણે જાહેરમાં ભાજપે આપેલી નોટીસ ફાડી અલગ ચોકો રચવાની જાહેરાત કરી દીધી. બીજી તરફ શંકરસિંહના ખાસ ગણાતા દિલીપી પરીખ રાજભવન પહોંચ્યા અને તેમણે 45 ધારાસભ્યોને સુરેશ મહેતાની સરકારમાં ભરોસો નથી તેવુ આવેદન પત્ર આપ્યુ હતું. 

ફરી વખત ભાજપ સરકાર સામે અવિશ્વાસનો પ્રશ્ન આવ્યો. રાજ્યપાલે નિયમો પ્રમાણે સુરેશ મહેતાને વિધાનસભા ગૃહમાં બહુમત પુરવાર કરવાનું કહ્યુ, પણ વિધાનસભામાં વિશ્વાસના મત વખતે ખુબ ધમાલ અને મારા મારી શરૂ થઈ. ત્યારે ગાંધીનગરના ડીએસપી તરીકે ડી જી વણઝારા હતાં. તેમણે પણ કોઈ અગમ્યકારણસર વિધાનસભામા કવરેજ કરવા આવેલા પત્રકારો ઉપર લાઠીઓ વરસાવી અને મામલો વધુ બગડ્યો. આ ધમાલ વચ્ચે કાર્યકારી અધ્યક્ષ ચંદુ ડાભીએ સુરેશ મહેતાની સરકાર અલ્પમતમાં હોવાની જાહેરાત કરી દેતા સુરેશ મહેતા અને ઘવાયેલા પત્રકારો સહિત નેતાઓ રાજ્યપાલ ભવન દોડી ગયા. જો કે બહુ ઓછા પત્રકારોને ખબર હતી કે તેમનો અહિંયા હાથા તરીકે ઉપયોગ થવાનો છે. 

Latif Series Part 37 - http://www.meranews.com/news-detail/Latif-series-Latif-was-run-his-network-from-Sabarmati-jail

લતીફ પકડાયો, કેશુબાપાની સરકાર ગઇ: બાપુએ મોદીને ગુજરાતમાંથી હટાવી એક કાંકરે બે પક્ષી માર્યા

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-36):  શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલ સામે બંડ પોકારતા ભાજપની નેતાગીરી ક્ષોભજનક હાલતમાં મુકાઈ ગઈ હતી. ચારે તરફ લોકો ફિટકાર વરસાવી રહ્યાં હતાં. ભાજપ વિરોધ પક્ષને જ લાયક છે અને ભાજપ સત્તા સંભાળી શકે નહીં તેવી ટીકા થઈ રહી હતી. પરંતુ 1985ના કોમી તોફાન બાદ ભાજપે લતીફના નામનો સહારો લઈ મતદારો રૂપી ગંગા પાર કરી તેવી જ રીતે ફરી એક વખત લતીફના નામનો સહારો લઈ ભાજપે તેમની સામે આવી ઉભેલા રાજકિય સંકટમાં લતીફના નામનો ઉપયોગ કરી પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કર્યો હતો. LATIF પકડાઈ ગયો છે તેવી વાતનું સત્તાવાર સમર્થન મળતા આખા ગુજરાતમાં કેશુભાઈ પટેલ હિન્દુ હ્રદય સમ્રાટ હોવાના હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા હતા. જેમાં લતીફ પકડાઈ જવા માટેનો શ્રેય કેશુભાઈ પટેલને આપવામાં આવી રહ્યો હતો. આ ઓછુ હોય તેમ સંખ્યાબંધ અભિવાદન કાર્યક્રમો યોજાવા લાગ્યા, જેમાં લતીફ પકડાઈ જવા માટે ભાજપીઓ કેશુભાઈનું જાહેર અભિવાદન કરવા લાગ્યા હતા. 

મુળ પ્રશ્ન તરફથી ધ્યાન હટાવવાનો ભાજપનો આ પેતરો કંઈક અંશે સફળ રહ્યો હતો, પણ લતીફ પકડાયો તે અંગે ગુજરાત પોલીસમાં ધીરે ધીરે ગણગણાટ થવા લાગ્યો હતો. કેટલાંક અધિકારી લતીફ પકડાયો  હોવાની  વાતને નકારી રહ્યાં હતાં. પરંતુ લતીફે શરણાગતી સ્વીકારી હતી, જેને પોલીસ પોતાની બહાદુરી ખપાવી રહી હતી. આવુ તો પોલીસ અનેક વખત કરે છે, પણ તેના કરતાં પણ કંઈક મોટુ હોવાની ગંધ આવી રહી હતી. લતીફને હાજર કરાવી તેની શરતો પ્રમાણે કામ કરવા માટે લતીફ પાસે 1996માં 14 કરોડ જેવી માતબર રકમ ભાજપના એક નેતા અને એસ સિનિયર પોલીસ અધિકારી લીધા હોવાની પણ વાત હતી. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. છતાં વાત તથ્યની નજીક હતી  અને જે રકમનો ઉલ્લેખ આવી રહ્યો હતો તેમાં ફેરફાર હોવાની શક્યતા હતી. તેની પાછળનો તર્ક પણ હતો. તે  તર્ક માનવામાં આવે તો શરણાગતિની હોવાની વાતને સમર્થન મળતું હતું, 

લતીફ પાકિસ્તાન ગયો ત્યાર બાદ તે કુલ ત્રણ મુખ્યમંત્રીઓને શરણે આવવાની શરતી રીતે આવવાની વાત કરી ચૂક્યો હતો. પરંતુ તમામે તેની શરત માનવાનો ઈન્કાર કર્યો હતો. તેની શરત પ્રમાણે તેની તપાસ એક જ એજન્સી મારફતે કરાવવાની હતી અને તેવુ જ થયું. તેના તમામ કેસ ગુજરાત એટીએસને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા, જે સુચક વાત હતી. તેને ડર હતો કે એ. કે. સિંગ, અતુલ કરવાલ, પી કે ઝા, સતીષ વર્મા અને એ. કે. સુરોલીયા તેનું એન્કાઉન્ટર કરશે તેથી તેઓ લતીફની પૂછપરછ કરશે નહીં, પણ એક જ એજન્સીને તપાસ સોંપાઈ ગઇ હોવાને કારણે હવે ક્યારેય લતીફની આ પાંચ અધિકારીઓ પૂછપરછ પણ કરી શકવાના ન્હોતા. સંજોગો કહેતા કે લતીફની ધરપકડ થઈ નથી પણ તે તેની શરતો પ્રમાણે હાજર થયો છે. જો તે વાત સાચી હોય તો લતીફ જેલમાં બેસીને પણ પોતાની ગેંગ ચલાવી શકે તેમ હતો. 

શંકરસિંહે બળવો પોકારતા ભાજપના સિનિયર નેતા અટલબિહારી બાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી , વૈકયા નાયડુ અને ગોવિંદાચાર્ય જેવા નેતાઓ ગાંધીનગર દોડી આવ્યા. દિવસોની મથામણ બાદ એક ફોર્મ્યુલા નક્કી થઈ તે પ્રમાણે કેશુભાઈ પટેલને હટાવી અન્ય કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલી દેવામાં આવે. આમ શંકરસિંહે એક સાથે બે પક્ષીઓનો શિકાર કર્યો. બાપુ માનતા હતા કે તેઓ હવે મુખ્યમંત્રી થઈ શકે તેમ છે પણ ભાજપે એક ચાલ ચાલી અને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવી દીધા. જો કે મોદીને ગુજરાત બહાર મોકલી દેવાની શરત સ્વીકારી લેવામાં આવતા મોદી ખાસ્સા નારાજ થયા હતાં. તેઓ માનતા હતા કે પોતાને હટાવવામાં આવે તેની પાછળ સંજય જોષી કારણભુત છે. આમ છ મહિનામાં ભાજપે કેશુભાઈને હટાવી સુરેશ મહેતાને બીજા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. 

આ બઘી બાબતોમાં સરકાર અને પ્રજા તેમજ અખબારનું ધ્યાન લતીફ તરફથી લગભગ હટી ગયુ હતું. ગુજરાત એટીએસ પાસે તમામ કેસ આવી ગયા હતા. એટીએસના અધિકારીઓ એક પછી એક કેસની તપાસ કરી લતીફના અલગ અલગ ગુનામાં રીમાન્ડ મેળવતા હતાં. લતીફ અલગ અલગ કેસમાં કુલ છ મહિના પોલીસ રીમાન્ડ ઉપર રહ્યો હતો. કડક કિલ્લેબંધી વચ્ચે આવેલી એટીએસ ઓફિસમાં લતીફ સાથે કેવો વ્યવહાર થયો હતો તેની કોઈ જાણકારી બહાર આવી ન્હોતી. પણ કહેવાય છે કે લતીફને કોઈ પોલીસ અધિકારીએ એક લાફો પણ માર્યો ન્હોતો, તેના કારણે કદાચ એટીએસની ઓફિસમાં છ મહિના સુધી પોલીસ રીમાન્ડ ઉપર હોવા છતાં તેને જયારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો ત્યારે તેની હિમંત અને તાકાત વધી હોવાનું તેના ચહેરા ઉપર જોઈ શકાતું હતું. એટીએસ દ્વારા એવી પણ રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી હતી કે લતીફનાં તમામ કેસ પણ જેલની અંદર જ ચલાવવામાં આવે જેથી તેને જેલની બહાર લઈ આવવાની આવશ્યકતા ઉભી થાય નહીં. 

લતીફ જેલમાં ગયો ત્યારે તેનું સ્વાગત કરવા માટે તેની ગેંગના 82 સભ્યો તો અગાઉથી જ હતાં. સાબરમતી જેલની અંદર પણ લતીફભાઈનો દરબાર ભરાવવા લાગ્યો. ફેર માત્ર એટલો હતો કે તે પહેલા પોપટીયાવાડમાં દરબાર ભરતો હવે તેના બદલે સાબરમતી જેલમાં દરબાર ભરાતો હતો. લતીફ જેલમાં રહીને પણ કેટલો ખુંખાર થઈ શકે છે તેની કોઈને કલ્પના ન્હોતી. સુરેશ મહેતાની સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહી હતી કારણ કે શંકરસિંહ તેમને શાંતિથી બેસવા દે તેમ ન્હોતા. 

Latif Series Part 36 - http://www.meranews.com/news-detail/Latif-series-Latif-was-caught-Shankersinh-Vaghela-played-trump-card

Thursday, 2 March 2017

ગેંગસ્ટર લતીફનો એક દાંત સોનાનો હતો તે જ તેના માટે ઘાતક સાબિત થયો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-35):  એક તરફ રાજકિય ધમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે જ ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે LATIF દિલ્હીમાં આવ્યો છે. લતીફ દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાં એક PCO પર ફોન કરવા આવે છે તેવી જાણકારી હતી. પરંતુ ખરેખર જે માણસ ફોન કરી રહ્યો છે તે લતીફ જ છે તે હજી નક્કી ન્હોતું કારણ કે લતીફનો અવાજ કોણ ઓળખી શકે તેવો પણ પ્રશ્ન હતો. ગુજરાત પોલીસમાં સબઈન્સપેક્ટર તરીકે જોડાયેલા ત્યાર બાદ ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. થયેલા એ. કે. જાડેજા અગાઉ પણ દરિયાપુરમાં નોકરી કરી ચુક્યા હતાં. તેમજ ડી.સી.પી. ગીથા જોહરી સાથે પણ પોપટીયાવાડમાં ઓપરેશનમાં સામેલ હોવાને કારણે તેમણે લતીફનો અવાજ અનેક વખત સાંભળ્યો હતો. તેના કારણે ટેલીફોન એક્સચેન્જમાં તેમને લતીફના ફોન સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે લતીફનો કોઈ ફોન કરવાનો સમય નક્કી ન્હોતો તેના કારણે રાત દિવસ જોયા વગર પોલીસ અધિકારીઓ ટેલીફોન એકસચેન્જમાં બેસી રહેતા હતાં. 

જેમ રાજકારણમાં જુથ હોય છે તેવી જ રીતે ગુજરાત પોલીસમાં પણ અનેક જુથ હતાં. લતીફના કેસમાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસની ટીમો અલગ અલગ કામ કરી રહી હતી. કોઈક કારણસર ક્રાઈમ બ્રાન્ચને પણ માહિતી મળી કે લતીફ પાકિસ્તાનથી દિલ્હી પહોંચ્યો છે. એટલે ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ. ક્રાઈમ બ્રાન્ચના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ અનુભવી પોલીસ અધિકારી હતાં. સબઈન્સપેક્ટરથી બઢતી લઈ ડી.વાય.એસ.પી. સુધી પહોંચ્યા હતાં. તેમને જાણકારી મળી કે LATIF દિલ્હીમાં છે. આ માહિતી અંગે દિલ્હી જતા પહેલા તેમણે પોતાના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોર્યુ અને તેઓ પણ દિલ્હી પહોંચી ગયા. લતીફનો મુદ્દો ખુબ સંવેદનશીલ હતો. માહિતી લીક થવાની પણ સંભવાના હતી. તેના કારણે ગુજરાત એટીએસના વડા ડી.આઈ.જી કુલદીપ શર્મા ખુદ તેનું મોનિટરીંગ દિલ્હીમાં બેસી કરતા હતાં. દિલ્હીમાં તેમની સાથે ઈન્સપેક્ટર રામ ગઢીયા અને તેમનો સ્ટાફ હતો. 

અકસ્માતે એવું બન્યું કે દિલ્હી પહોંચેલા ક્રાઈમ બ્રાન્ચના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ ગુજરાત ભવન પહોંચ્યા. જ્યા તેમનો ભેટો આઈપીએસ ઓફિસર કુલદીપ શર્મા સાથે થઈ ગયો. શર્માની નજર પાટીલ ઉપર પડતા તે ચોંકી ઉઠ્યા કારણ તેઓ પાટીલની કાબેલીયત અને ઈન્ફરમેશન નેટવર્કથી માહિતગાર હતાં. જો કે શર્માને હજી ખબર ન્હોતી કે પાટીલ અમદાવાદ છોડી દિલ્હીમાં કેમ આવ્યા છે. પાટીલે પણ શર્માને જોતા તરત સલામ કરી, કારણ શર્મા તેમના સિનિયર હતા. કુલદીપ શર્માએ તરત પાટીલને પુછ્યું પાટીલ કેમ દિલ્હી આવવાનું થયું? બી. આર. પાટીલ પણ હજી સ્પષ્ટ ન્હોતા કે કુલદીપ શર્મા કેમ ગુજરાત ભવનમાં છે. જો કે બંન્નેનાં મન કહી રહ્યાં હતા કે તેઓ લતીફ માટે જ દિલ્હી આવ્યા છે. પણ પાટીલ દિલ્હી આવવાનું કારણ આપી શકે તેમ ન્હોતો. પાટીલ તરત સાવધાન થતાં જવાબ આપ્યો કે સર સુપ્રિમ કોર્ટમાં એક મુદત હોવાને કારણે દિલ્હી આવ્યો છું. શર્મા માણસની નજર ફરે અને તેની વાત સમજી જાય તેવા અધિકારી હતાં. તેમને પાટીલની વાતમાં તથ્ય લાગ્યું નહીં છતાં તેમણે ભલે કહી વાતનો અંત આણ્યો. પાટીલે માની લીધુ કે કુલદીપ શર્મા તેમની વાત માની ગયા છે એટલે તે સલામ કરી પોતાની રૂમ તરફ આગળ વધ્યા તેની સાથે કુલદીપ શર્માએ પાછા વળી તેમને બોલાવતા કહ્યુ પાટીલ એક મિનીટ.. 

પાટીલ પાછ ફર્યા. કુલદીપ શર્માએ પાટીલની આંખમાં જોતા આદેશાત્મક ભાષામાં કહ્યુ અમારૂ ઓપરેશન બગાડતા નહીં, મને લાગે છે કે તમારે અમદાવાદ પાછા ફરી જવુ જોઈએ. પાટીલ ગંભીર થઈ ગયા, કુલદીપ શર્મા તેમના કરતા ઘણા સિનિયર અધિકારી હતાં. શર્માએ લતીફના નામનો ઉલ્લેખ કર્યા વગર આદેશાત્મક ભાષામાં જે કહ્યુ હતું તે ઘણુ હતું. પાટીલ પાસે સર કહેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. અને પાટીલ અમદાવાદ આવવા માટે નિકળી ગયા, કારણ કે હજી તેમની પાસે લતીફ ક્યા છે તેની ચોક્કસ માહિતી પણ ન્હોતી. બીજી તરફ કુલદીપ શર્મા સ્વભાવે શંકાશીલ અને તમામ વાતો ગુપ્ત રાખનાર અધિકારી હતાં. તેમને કાયમ પોતાની ટીમ ઉપર પણ શંકા રહેતી હતી તેના કારણે તેઓ દર અઠવાડીયે વિવિધ ટીપ ઉપર કામ કરતી ટીમને બદલી નાખતા હતાં. ત્યારે એ. કે. જાડેજાએ કુલદીપ શર્માને જાણ કરી કે ચાંદનીચોકમાંથી દરિયાપુરમાં ફોન કરનાર લતીફ જ છે. 

આ માહિતીને આધારે તરત કુલદીપ શર્માએ દિલ્હીમાં હાજર રાખેલી ટીમને ચાંદનીચોક રવાના કરી, પણ સૌથી મોટો પ્રશ્ન એવો હતો કે દિલ્હીમાં જે ટીમ હાજર હતી તેમણે ક્યારેય લતીફને જોયો જ ન્હોતો, તો કઈ રીતે લતીફને ઓળખી શકાય ? લતીફ ફોન કરતો હતો ત્યાં પોલીસ ખાનગી કપડામાં ગોઠવાઈ ગઈ હતી. અને રાતના સુમારે ચાલીસી વટાવી ચુકેલો માણસ લુંગી પહેરી ફોન કરવા આવ્યો. પોલીસની PCOમાં ફોન કરવા આવનાર તમામ ઉપર નજર હતી. આ માણસ એટલા માટે શંકાસ્પદ લાગ્યો હતો કે ફોન કરવા આવેલા આ માણસે બુથમાં દાખલ થતાં પહેલા ચારે તરફ નજર કરી બુથ અને પોતાની તરફ કોઈની નજર નથી તેની ખાતરી કર્યા બાદ બુથમાં પ્રવેશ કર્યો હતો. બહાર હાજર ટીમના અધિકારીઓ એકબીજા તરફ જોયું, બધાનું જ મન કહેતુ હતું કે આ જ લતીફ હોવો જોઈએ. થોડી વાર પછી તે માણસ બહાર આવ્યો અને ચાલવા લાગ્યો હતો. 

તરત એટીએસના ખાનગી કપડામાં રહેલા અધિકારીઓ પણ તેની આસપાસ ચાલવા લાગ્યા.  એક પોલીસ અધિકારીએ કહ્યુ લતીફ, પણ પેલા માણસે તેમની સામે જોયુ પણ નહીં અને કંઈ જવાબ પણ આપ્યો નહી ત્યારે પોલીસ અધિકારીઓને લાગ્યુ કે ક્યાંક તેમની ભુલ થઈ ગઈ છે. 

આમ છતાં બીજા અધિકારીએ તરત કહ્યુ ભાઈ સાબ હમ આપસે બાત કરતે હે, એટલે પેલા માણસે કહ્યુ આપ મુજે કુછ કહ રહે હે ? બસ તેણે આટલો જ જવાબ આપતા તરત પોલીસ અધિકારીઓએ તેને ઘેરી  લીધો અને તેને ઝડપી લીધો હતો. પહેલા તો પેલા માણસે આનાકાની કરી, પણ અધિકારીઓએ કરાડી નજરે કહ્યુ દેખો લતીફ ચાલાકી કી તો ગોલી માર દેંગે, લતીફ શાંત થઈ ગયો. ચાંદની ચોક સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે મામલો બગડી શકે તેમ પણ હતો પણ પોલીસ તરત લતીફને પકડી ત્યાંથી નિકળી ગઈ. 

આટલા વર્ષોથી ગુજરાત પોલીસને હંફાવનાર લતીફ પકડાઈ ગયો તેની પાછળનું કારણ  તેનો એક સોનાનો દાંત હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે તેણે પોતાની મુછો કાઢી નાખી હતી, પણ દિલ્હી પહોંચેલી એટીએસ ટીમ પાસે એક ટીપ હતી કે તેણે દાંતની સારવાર કરાવી ત્યારે આગળના એક દાંત ઉપર સોનાની કેપ ચઢાવેલી છે. એટલે જ જેવો તે બોલ્યો તેની સાથે તેના દાંત દેખાયા અને સોનાની કેપવાળો દાંત જોતા જ પોલીસે તે લતીફ હોવાની ખાતરી કરી તેને દિલ્હીથી ઉપાડી લીધો હતો. 

Latif Series Part 35 - http://www.meranews.com/news-detail/Latif-series-Gangster-Latif-was-caught-from-Delhi

Wednesday, 1 March 2017

નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા એકબીજાનો કાંટો કાઢી નાંખવા માગતા હતાં

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-34): કોઈ પણ ક્રિમિનલ પોલીસ અને પોલિટિશિયનની મદદ વગર મોટો થઈ શકતો નથી. પોલીસને પૈસાની લાલચ હોય અને પોલિટિશિયનને ક્રિમીનલમાં પોતાનો સ્વાર્થ દેખાતો હોય ત્યારે તેનો ભરપુર ઉપયોગ થાય છે. લતીફ તેનું ઉત્તમ ઉદાહરણ હતો. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની તે પહેલા ભાજપને અંદાજ આવી ગયો હતો કે તેમની સરકાર થવા જઈ રહી છે. તેના કારણે ભાજપનો મુખ્યમંત્રી કોણ હશે તેના પેતરા શરૂ થઈ ગયા હતાં. જ્યારે ગુજરાતમાં જનસંઘની કોઈ છીંકણી પણ સુંધતુ ન્હોતુ ત્યારે શંકરસિંહ બાપુ પોતાની રાજદૂત મોટરસાયકલ ઉપર ગામે ગામ ફરી જનસંઘ માટે કામ કરતા હતાં. તેવી જ  રીતે કેશુભાઈ પણ અદ્દલ ગામડાનો દેશી માણસ હતાં, તેમને જોતા ગામડાના માણસને પોતાનો લાગવા માંડે, તેવો નેતા હતાં. 

1980માં જયારે ભાજપની સ્થાપના થઈ ત્યારે ત્યારે સવાલ ઉભો થયો કે ભાજપનું પ્રદેશ કાર્યાલય ક્યાં હોઈ શકે? ત્યારે ભાજપ પાસે પૈસા પણ ન્હોતા. શંકરસિંહ અને કેશુભાઈએ વિચાર કર્યો કે શહેરની મધ્યમાં હોય તો સારૂ એટલે હાલમાં અમદાવાદમાં એલીસબ્રીજ પોલીસ સ્ટેશન છે તેની બરોબર બાજુમાં એક દુકાનમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય ભાડાની દુકાનમાં શરૂ કરવામાં આવ્યું. મહિને પંદરસો રૂપિયા ભાડુ હતું, પણ તે સમયમાં ભાજપના નેતાઓને દર મહિને પંદરસો રૂપિયા ક્યાંથી લાવવા તે પ્રશ્ન પણ સતાવતો હતો. માંડ માંડ છ મહિના ભાડાની દુકાનમાં કાર્યાલય ચલાવ્યુ પણ લાગ્યુ કે પંદર સો રૂપિયા પણ આપણે મહિને લાવી શકતા નથી એટલે ભાડાની દુકાન ખાલી કરી ખાડીયામાં તેના કરતા સસ્તા ભાડે જગ્યા મળતી હતી એટલે કાર્યાલય ત્યાં લઈ ગયા. આમ ભાજપને ગુજરાતમાં ઉભો કરવામાં કેશુભાઈ અને શંકરસિંહ મહત્વના બે સ્તંભ હતા. પરંતુ 1987માં પ્રચારકમાંથી ભાજપના મહામંત્રી થઈ આવેલા નરેન્દ્ર મોદીને બહુ જલદી સમજાઈ ગયું હતું કે ભાજપમાં મહત્વકાંક્ષી અને પોતાનો મુકાબલો કરી શકે તેવો કોઈ નેતા હોય તો શંકરસિંહ વાઘેલા છે અને શંકરસિંહ બાપુને પણ સમજાઈ ગયુ હતું કે ભાજપમાં એક હરિફાઈ અને હાઈટેક પ્રચારકની એન્ટ્રી થઈ છે. બંન્નેના અહમ અને તાકાત વાંર-વાંર ટકરાતી હતી. 

નરેન્દ્ર મોદીને ખબર હતી કે જો ભાજપને સત્તા મળી અને શંકરસિંહ મુખ્યમંત્રી થયા તો આપણી પિપુડી વાગશે નહીં અને આપણી દુકાન બંધ કરી ફરી પાછા હેડગેવાર ભવન જવુ પડશે. ભાજપમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીને પણ એશોઆરામની ટેવ પડી ગઈ હતી. શંકરસિંહે સત્તા મળે તો પોતે જ મુખ્યમંત્રી થશે તેવુ માની તૈયારી શરૂ કરી હતી પણ નરેન્દ્ર મોદી એક ચાલ રમ્યા. તેમણે ભાજપ હાઈકમાન્ડને મનાવી લીધુ અને એવુ નક્કી થયુ કે જે સંસદ સભ્ય હશે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં અને મુખ્યમંત્રી પણ ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ નક્કી થશે. શંકરસિંહ ત્યારે સંસદ સભ્ય હતાં. તેના કારણે પહેલા જ ઝાટકે બાપુની ઈચ્છાઓ ઉપર મોદીએ પાણી ફેરવી નાખતા બાપુ વિધાનસભ્ય પણ થઈ શકે નહીં તેવી સ્થિતિ નિર્માણ થઈ. 

બાપુ પણ ખેલાડી હતાં. તેમણે પણ એક રમત શરૂ કરી, તેમની યોજના લાંબી હતી. સંસદીય બોર્ડમાં ઉમેદવાર નક્કી કરવાની તૈયારી ચાલતી હતી ત્યારે બાપુ થોડા થોડા સમયે ઉભા થઈ બહાર જતા અને જેમને ટિકિટ આપવાનું નક્કી થયુ છે તેમને જઈ ફોન કરી કહેતા કે નરેન્દ્ર તારી ટિકિટ કાપવાનું કહેતો હતો, પણ મેં તારા જ નામનો આગ્રહ રાખ્યો હતો, તારી ટિકિટ ફાઈનલ છે ચિંતા કરતો નહીં.  ત્યાર બાદ બાપુનો માણસ પેલા ઉમેદવારને ત્યાં જઈ જરૂરી આર્થિક મદદ પણ કરી આવતો હતો.આમ બાપુએ 60 કરતા વધુ ઉમેદવારને ચૂંટણી લડતા પહેલા પોતાની તરફ કરી લીધા હતાં. 

ચૂંટણી થઈ અને સત્તા મળી, કેશુભાઈ મુખ્યમંત્રી હતા, પણ સત્તાનું સુકાન તો નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડીયા પાસે હતું. આઈએએસ અધિકારીઓ સાથે મોદી અને આઈપીએસ સાથે તોગડીયા જ તમામ વાત કરતા હતા. ભાજપના ધારાસભ્યો જ્યારે કોઈ કામ અર્થે જતા ત્યારે નરેન્દ્ર મોદી આવા કામ લઈ આવવા નહીં તેમ કહી કાઢી મુકતા હતા. આ સ્થિતિ બાપુની તરફ સરકી રહી હતી. કેશુભાઈ સરકાર સામે તીવ્ર રોષ અંદરથી વધી રહ્યો હતો, જેને બાપુ પવન ફૂંકી રહ્યા હતા. ત્યારે કેશુભાઈ પટેલનો અમેરીકા પ્રવાસ નક્કી થયો. અમેરીકામાં રહેતા ગુજરાતીઓ અને ભાજપીઓ ખુશ હતા. તેમનું આમંત્રણ હતું કે કેશુભાઈ અમેરીકા આવે અને કેશુભાઈ કાર્યકારી મુખ્યમંત્રીનો હવાલો અશોક ભટ્ટને સોંપી અમેરીકાના પ્રવાસે ગયા હતા. બાપુએ મોકો જોઈ બળવો પોકાર્યો અને ભાજપના 48 ધારાસભ્યોને પહેલા પોતાના ગાંધીનગર પાસેના ગામ વાસણીયા લઈ ગયા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીધા મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા. તેમની માગણી હતી કે કેશુભાઈ પટેલને હટાવવામાં આવે. 

આટલા વર્ષો બાદ ભાજપને સત્તા મળી હતી અને શિસ્તબધ્ધ ગણાતી ભાજપની આબરૂના લીરા ઉડી ગયા હતાં. 1996માં હજી ભાજપ સરકારને માંડ છ મહિના જ થયા હતા. પણ ભાજપમાં આતંરિક બળવો થતાં  કેશુભાઈને પોતાનો પ્રવાસ ટૂંકાવી ભારત પાછા ફરવાની સુચના આપવામાં આવી, પણ ભાજપને ગયેલી આબરૂને કેવી રીતે બચાવી શકાય તેવો મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે કરાંચીમાં બેઠેલા અબ્દુલ લતીફને ભાજપના એક નેતાનો ફોન આવ્યો અને તેમની વચ્ચે શુ નક્કી થયુ તેની કોઈને ખબર નથી. પણ ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને જાણકારી મળી કે લતીફ દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાં આવ્યો છે અને એક ચોક્કસ નંબર ઉપરથી પોતાના ઘરે ફોન કરે છે. ત્યારે ગુજરાત પોલીસ પાસે ફોન ટેપીગના એટલા સારા સાધનો પણ ન્હોતો એટલે પોલીસ અધિકારીઓ પોતે ટેલીફોન એક્સચેન્જમાં બેસી નક્કી કરેલા ફોનને હેડ ફોન લગાડી સાંભળતા હતા. ગુજરાત એટીએસના વડા તરીકે આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા હતાં. તેમણે ડીવાયએસપી એ. કે. જાડેજાને લતીફના ફોન સાંભળવાની જવાબદારી સોંપી હતી.

Latif Series Part 34 - http://www.meranews.com/news-detail/Latif-series-Narendra-Modi-Shankar-Singh-Vaghela-were-out-to-finish-each-other