Adv

G Adv

Showing posts with label Tarun Barot. Show all posts
Showing posts with label Tarun Barot. Show all posts

Sunday, 12 March 2017

ક્રાઇમ બ્રાંચમાં દાખલ થતાં જ અધિકારીની નેમ પ્લેટ વાંચીને ગેંગસ્ટર લતીફ ધ્રુજી ગયો

Latif Special Series
પ્રશાંત દયાળ (ભાગ-45): ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયા બાદ લતીફને પોલીસવાનમાંથી ઉતારી સીધો  ડીસીપી એ. કે. સુરોલીયાની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો. લતીફને ખબર ન્હોતી કે આ કોની ચેમ્બર છે પણ તેણે ચેમ્બરમાં દાખલ થતા પહેલા ચેમ્બરના દરવાજા ઉપર લાગેલી નેઈમ પ્લેટ ઉપર નજર કરી અને તેના પગથી માથા સુધી ધ્રુજારી છુટી ગઈ. તેને જે નામથી ડર લાગતો હતો તે જ નામ તેની સામે હતું પણ તેને વિચારવાનો સમય જ ન્હોતો. દરવાજો ખુલ્યો તેની સાથે પોલીસવાળા તેને ચેમ્બરમાં લઈ આવ્યો, સામે ટેબલની પાછળ, ગોરા રંગનો એક અધિકારી બેઠો હતો, મોટો ચહેરો અને વજનદાર શરીર હતું. દરવાજો ખોલતા સુરોલીયાએ ગદનને તકલીફ આપ્યા વગર માત્ર નજર ઉંચી કરી જોયુ, સામે પોલીસવાળો અને લતીફ હતાં. સુરોલીયાની નજર દિવાલ ઉપર ટીંગાઈ રહેલી ઘડિયાળ તરફ ગઈ, પોણા આઠ થવા આવ્યા હતાં. જાણે તે મનોમન કહેતા હોય કે તારી તો હું લાંબા સમયથી રાહ જોતો હતો.  સુરોલિયાએ લતીફ સામે જોયુ, લતીફે પોતાની નજર નીચી કરી નાખી, કારણ સુરોલીયાની આંખમાં જોઈ શકવાની તેની ક્ષમતા ન્હોતી. બે નંબરનો ધંધો કરનાર પોલીસની તે પણ પ્રમાણિક પોલીસની કુંડળી જાણતા હોય છે, એટલે  લતીફને વધુ ડર લાગી રહ્યો હતો. 

સુરોલીયાની નજર ફરતા પોલીસવાળો સમજી ગયો, તે લતીફને ટેબલની પાસે લઈ આવ્યો અને નીચે બેસવાનો આદેશ આપ્યો. લતીફ નીચે બેસતા પોલીસવાળા ચેમ્બરની બહાર ગયા અને જતી વખતે ચેમ્બરનો દરવાજો આડો કરતો ગયો. લતીફ નીચે બેઠો હતો, તેના બંન્ને હાથ હાથકડીથી બાંધેલા હતા. સુરોલીયાના ટેબલ ઉપર એક લાકડી પડી હતી. ખુરશીમાં બેઠેલા ડીસીપી સુરોલીયા લતીફને સારી રીતે જોઈ શકે માટે થોડી ખુરશી ટેબલથી દુર કરી અને તેમણે લતીફ સામે જોયુ. લતીફની નજર હજી નીચે જ હતી. સુરોલીયાએ લતીફને કહ્યુ ઉપર દેખો, બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થઈ રહ્યુ હતું કે હજી સુધી ચેમ્બરમાં લતીફની ચીસો સંભળાઈ ન્હોતી, એકદમ શાંતિ હતી. ક્રાઈમ બ્રાન્ચની શાંતિ કોઈ અમંગળ ઘટનાનો અણસાર આપી રહી હતી. પોણા નવ વાગ્યે સુરોલીયાની ચેમ્બરની બેલ વાગ્યો, પોલીસવાળો દોડતો અંદર ગયો, તેમણે ઈશારો કરી કહ્યુ લતીફને લઈ જાવ. પોલીસવાળો લતીફને લઈ ચેમ્બર બહાર આવ્યો ત્યારે લતીફે ઉંડો શ્વાસ લીધો. એક પોલીસવાળો તેને લઈ તરૂણ બારોટની ચેમ્બરમાં લઈ ગયો. લતીફને બેસાડતા તેણે કહ્યુ બારોટ સાહેબ ડીસીપી તમને બોલાવે છે. લતીફ ઉપર નજર રાખવાની સુચના આપી બારોટ ડીસીપીને મળવા માટે ગયા. 

તરૂણ બારોટની ચેમ્બરમાં લતીફ ઉપર નજર રાખી રહેલા પોલીસવાળા પાસે લતીફે પાણી માંગ્યુ તેને ખુબ તરત લાગી હતી. કદાચ તે જેલમાંથી  નિકળ્યો ત્યાર બાદ તેણે પાણી પીધુ જ ન્હોતુ. પહેલા પોલીસ કમિશનર અને ગૃહ સચિવે તેની પૂછપરછ કરી ત્યાર બાદ સુરોલીયાએ પણ લાંબી પૂછપરછ કરી કસ કાઢી નાખ્યો હતો. લતીફે પાણી પીધુ ત્યારે પોલીવાળાએ પૂછ્યુ ચાઈ પીવી છે? લતીફે માથુ હલાવી ના પાડી. અડધો કલાક પછી બારોટ ચેમ્બરમાં આવ્યા, ત્યાં સુધી લતીફ સુનમુન બેઠો હતો. બારોટે અંદર આવતા જ લતીફ સામે જોયુ અને કોન્સ્ટેબલ નીઝામને બુમ પાડી કહ્યુ નીઝામ લતીફનો ભાઈ બહાર ઉભો હશે તેને બોલાવી લે .. થોડીવાર પછી એક માણસ ચેમ્બરમાં દાખલ થયો, તે લતીફનો મોટો ભાઈ હતો. પોતાના ભાઈની માનસિક સ્થિતિ જોઈ લતીફનો મોટો ભાઈ દુખી થયો હોય તેવો તેના ચહેરા ઉપર ભાવ હતો. તરૂણ બારોટે લતીફને ચેમ્બરમાં પડેલા બાકડાં ઉપર બેસવાની સુચના આપી એટલે લતીફ ઉભો થયો અને બાકડા ઉપર બેઠો, તેની બાજુમાં તેનો ભાઈ બેઠો, પોલીસ હાજરીમાં શુ વાત કરવી તે બંન્ને માટે કદાચ સવાલ હતો. લતીફના મોટા ભાઈએ લતીફનો હાથ પકડ્યો જાણે તે તેને સાત્વન આપતો હોય તેવુ લાગ્યુ. પછી બંન્ને વચ્ચે ધીમા અવાજે કંઈક વાત થઈ. લતીફે પણ પોતાના ભાઈને કંઈક કહ્યુ.. બંન્ને વચ્ચે શું વાત થઈ કંઈ ખબર પડી નહીં, પણ હવે પોલીસને ચિ6તા ન્હોતી કે બંન્નેએ શું વાત કરી. જતી વખતે લતીફનો ભાઈ એક ગરમ શાલ સાથે લાવ્યો હતો. તેણે બારોટ સામે જોયુ પુછયુ સાહેબ આ આપું? બારોટે કહ્યુ હા ભાઈ હા હવે તો ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, એટલુ બોલતા બારોટે બારી બહાર જોયુ, ત્યાંથી ઠંડો પવન અંદર આવી રહ્યો હતો. લતીફનો ભાઈ ગરમ શાલ આપી ક્રાઈમ બ્રાન્ચમાંથી રવાના થયો. 

રાતના સાડા દસ વાગ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ અધિકારીઓની અવરજવર વધી ગઈ. તરૂણ બારોટ પોતાની ચેમ્બરમાંથી નિકળી પોલીસ સ્ટેશન ઓફિસર પાસે આવ્યા. તેમણે આવતાની સાથે જ આદેશાત્માક ભાષામાં કહ્યું સ્ટેશન ડાયરી આપો. તરત બીજો આદેશ આપ્યો, લોકઅપ રજીસ્ટ્રરમાંથી લતીફનું નામ કમી કરી મારી કસ્ટડીમાં હોવાની નોંધ કરો. જો કે લતીફને હજી કસ્ટડીમાં મુક્યો જ ન્હોતો પણ નિયમ પ્રમાણે જેલમાંથી લાવ્યા બાદ તે ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં મુક્યો હોવાની એન્ટ્રી લોકઅપ રજીસ્ટ્રરમાં થઈ ગઈ હતી. સ્ટેશન ઓફિસરે સ્ટેશન ડાયરી તરૂણ બારોટ સામે મુકી. જો કે હજી ત્યાં હાજર સ્ટાફને સમજ પડતી ન્હોતી કે મામલો શુ છે. તરૂણ બારોટે વાંકા વળી ટેબલ ઉપર પડેલી સ્ટેશન ડાયરીમાં નોંધ કરતા લખ્યું એક જ સ્થળે લતીફની પૂછપરછ કરવામાં આવે તો તેના જીવનું જોખમ છે, તેથી તપાસ અને પૂછપરછ માટે અલગ અલગ સ્થળે લઈ જવા માટે રવાના થઈએ છીએ. નોંધ નીચે ઈન્સપેક્ટર તરૂણ બારોટ તેવી સહી કરી ડાયરી સ્ટેશન ઓફિસરને પરત આપી, સ્ટેશન ઓફિસરે નોંધ વાંચી પણ આખી વાત તેની સમજ બહાર હતી. 

થોડીવાર પછી વાહનોનો અવાજ શરૂ થયો, સ્ટેશન ઓફિસરે જોયુ તો પહેલી જીપ ક્રાઈમ બ્રાન્ચના એસીપી એન. આર. પરમારની હતી. બીજી જીપ તરૂણ બારોટની હતી જેમાં તેમની સાથે લતીફ હતો અને પાછળની સીટમાં એસઆરપી જવાન હતાં અને ત્રીજી જીપમાં હથિયારથી સજ્જ જવાનો હતો. પોલીસના ત્રણેય વાહનો ક્રાઈમ બ્રાન્ચમાંથી નિકળ્યા ત્યારે સાડા અગિયાર વાગ્યા હતાં પણ લતીફને ક્રાઈમ બ્રાન્ચ ક્યાં જઈ જવામાં આવી રહ્યાં છે તેની કોઈને ખબર ન્હોતી.

Latif Series Part 45-  http://www.meranews.com/news-detail/Latif-series-just-after-entering-into-crime-branch-the-gangster-trembled-reading-officer-s-nameplate

Thursday, 9 March 2017

લતીફને ઉશ્કેરવાનું પોલીસનું પ્લાનિંગ સફળ રહ્યું અને તે જાળમાં ફસાઈ ગયો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-42):  દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે શંકરસિંહ વાઘેલા અને સી ડી પટેલ વચ્ચે થયેલી મંત્રણામાં નક્કી થયુ હતું શંકરસિંહ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપે, અને તેમના સ્થાને તેઓ ઈચ્છે તેમને મુખ્યમંત્રી પદ સોંપે તો કોંગ્રેસને કોઈ વાંધો નથી અને જો આ શરત મંજુર હોય તો કોંગ્રેસ તેમનો ટેકો ચાલુ રાખશે. બાપુના સ્વભાવ પ્રમાણે તેઓ વાતને હરગીજ મંજુર કરે નહીં, પણ તેમની પાસે કોઈ વિકલ્પ પણ ન્હોતો. અમદાવાદ આવી તેમણે જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે, અને નવા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ પદભાર સંભાળશે, ગુજરાત વેપારી મહામંડળમાંથી ભાજપમાં જોડાયેલા દિલીપ પરીખને કયારેય એવી કલ્પના ન્હોતી, કે તેઓ ધારાસભ્ય થશે અને છેક મુખ્યમંત્રી થશે, પણ કેટલાંક નસીબને બંન્ને હાથોમાં લખાવી આવે છે. ધંધુકાથી ચુંટાયેલા દિલીપ પરીખને હવે મુખ્યમંત્રી થઈ ગયા. જો કે સાલસ સ્વભાવના દિલીપ પરીખને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવા પાછળ પણ બાપુનો ચોક્કસ તર્ક હતો, જેમાં મુખ્યમંત્રી તરીકે નામ અને ફાઈલો ઉપર સહી જ દિલીપ પરીખની થવાની હતી, પણ સત્તાની બાગડોર તો બાપુના જ હાથમાં રહેવાની હતી. 

સાબરમતી જેલમાં રહેલો લતીફ ખુબ જ ગુસ્સામાં હતો, તે પોતાના હાથમાં રહેલો કાગળ થોડી થોડી વારે વાંચી રહ્યો હતો, તેની સાથે બેરેકમાં રહેલા અન્ય ગેંગસ્ટરોએ પણ લતીફની બેચેનીની નોંધ લીધી હતી. તેના એક સાથીએ પુછયું ત્યારે તેણે જવાબ આપવાને બદલે તેના હાથમાં રહેલો કાગળ હાથમાં થમાવી દીધો, પેલો ગેંગસ્ટર પણ કાગળ વાંચતા ચિંતામાં પડી ગયો. તે કાગળ એટલે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં આપેલી અરજી હતી. પહેલા તો સગીરે પૈસા આપવાની ના પાડી દીધી, ત્યાં સુધી વાત બરાબર હતી, પણ તે પૈસા આપવા માગતો નથી, તેવું આ અરજી મારફતે સ્પષ્ટ કરી નાખ્યુ હતું. 

આ ઉપરાંત સગીર પોલીસ સુધી જઈ લતીફની સામે ફરિયાદ આપવાની હિંમત કરી શકે તે વાત પણ લતીફ માટે અસ્હય હતી, સગીરની વધેલી હિંમતને કારણે પાંજરામાં પુરાયેલો અને ગુસ્સે થયેલો વાઘ ચક્કર મારે તેમ લતીફ બેરેકમાં ફરતા ફરતા વિચારી રહ્યો હતો. પણ મહત્વનો સવાલ હતો કે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં તેની સામે આપેલી અરજી ખુદ લતીફ સુધી કેવી રીતે પહોંચી ગઈ, શું લતીફ તરફ સહાનુભુતી રાખનાર અધિકારીઓ હજી પણ પોલીસમાં હતા, ના ખરેખર તેવું ન્હોતુ, પણ ક્રાઈમ બ્રાન્ચની યોજના પ્રમાણે જ બધુ થઈ રહ્યું હતું, ક્રાઈમ બ્રાન્ચમાંથી જાણે કોઈ લતીફને મદદ કરવા માગે છે તેવો ડોળ કરવામાં આવી રહ્યો હતો અને ઈરાદાપુર્વક લતીફ સુધી તે અરજીની કોપી મોકલવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચને અંદાજ હતો કે લતીફ આ અરજી વાંચી ગુસ્સે થશે અને કોઈ ભુલ કરી બેસશે. જેમ સિંહને બોલાવવા માટે મારણ બાંધવુ પડે તેમ સગીરની અરજીનો મારણ તરીકે પોલીસે ઉપયોગ કર્યો હતો અને પોલીસ અધિકારીઓ ઈચ્છી રહ્યા હતા તેવુ જ થઈ રહ્યુ હતું, લતીફ જાણતો ન્હોતો કે તે પોલીસની ટ્રેપમાં આવી ગયો છે. 

સગીરઅહેમદ સાથે હવે ચોવીસ કલાક પોલીસનો એક હથિયારબંધ જવાન રહેતો હતો, પહેલા લોકોએ તેને અનેક વખત મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે સ્ટેજ ઉપર બેઠેલો જોયો હતો હવે તેની સાથે પોલીસ જવાન રહેતો હોવાને કારણે તેને તેના સમાજ, મીત્રો અને વિસ્તારમાં વટ પડી ગયો હતો, જો કે લોકો જાણતા ન્હોતા કે તેણે લતીફ સામે કરેલી ફરિયાદને કારણે તેને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે, લોકો માનતા હતા કે સગીરભાઈ હવે નેતા અને વીઆઈપી થઈ ગયા હોવાને કારણે તેમને પોલીસ રક્ષણ મળ્યું છે. પોલીસની હાજરીની કારણે ખુદ સગીરનો પણ આત્મવિશ્વાસ વધી ગયો હતો, તેની ઓફિસમાં ધંધા માટે આવતા લોકો પણ પોલીસને હાજરી જોઈ સગીર સાથે ફટાફટ ધંધો કરી નાખતા હતા, તેઓ માનતા તેમનો કોઈ બહુ મોટા વેપારી સાથે નાતો બંધાયો છે. 

લગભગ ત્રણ મહિના થયા હશે, સગીર એક લગ્ન પ્રસંગે દાણીલીમડા વિસ્તારમાં આવ્યો હતો, સગીરને હવે લગ્ન પ્રસંગે હાજરી આપવા જરૂર આવજો તેવા આમંત્રણો પણ મળતા હતા, રાતના આઠ વાગ્યા હશે, સગીર પોતાના પોલીસ રક્ષક સાથે લગ્નમાં આવ્યો, લગ્નમાં વરવધુને આર્શીવાદ આપ્યા અને ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સગીર પોતાની કાર ખુદ ચલાવતો હતો, સગીર પાર્કિગમાં પોતાની કાર લેવા માટે ગયો જો કે તેનો પોલીસ રક્ષક માત્ર દસ ફુટના અંતરે જ ઊભો હતો, તે સગીરને બરાબર જોઈ શકતો હતો. સગીર જેવો કારના દરવાજા પાસે પહોંચ્યે ત્યારે એક બાઈક ઉપર બે યુવકો આવ્યા, પોલીસે તેને જોયા પણ ખરા, પણ તે લગ્નમાં જ આવ્યા છે તેવું તેણે માની લીધું, એકદમ બાઈકની પાછળ બેઠેલા યુવકે પોતાની પાસે રીવોલ્વર બહાર કાઢી ફટ-ફટ બે રાઉન્ડ સગીરની પીઠમાં ઠોંકી દીધા, પોલીસવાળાનું ધ્યાન અચાનક થયેલા અવાજને કારણે સગીર તરફ ગયું તેણે જોયું તો સગીર ત્યાં ઢગલો થઈ ગયો હતો. 

પોલીસવાળો તે તરફ દોડયો, પણ તે પહેલા તો તે બાઈક સવાર જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ અલોપ થઈ ગયા, તરત પોલીસે મદદ માટે લગ્નમાં આવેલા લોકોને બુમ પાડી બોલાવ્યા, કારણ તેની પહેલી પ્રાથમિકતા હતી કે સગીરને દવાખાને લઈ જવામાં આવે, સગીરનો શ્વાસ હજી ચાલતો હતો, તરત લોકો દોડી આવ્યા અને સગીરને કારમાં નાખી દવાખાને લઈ ગયા, પણ ત્યાં સુધી શ્વાસ તુટી ગયો હતો. જયારે સગીર ઉપર ગોળીબાર થયો અને સગીરનું મૃત્યુ થયું તેવા સમાચાર ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યા ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા હતા… ક્રાઈમ બ્રાન્ચમાં નિરવ શાંતિ હતી. 

Latif Series Part 42 - http://www.meranews.com/news-detail/Latif-series-police-tried-that-idea-and-got-success

લતિફ સામે બાંયો ચઢાવી તરૂણ બારોટે કહ્યું ક્યાં સુધી લતીફનો ત્રાસ સહન કરશો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-41): કોંગ્રેસ હાઈકમાન્ડને સમજવવામાં સી ડી પટેલ સફળ થયા હતા. સી ડી પટેલ અને શંકરસિંહ વાઘેલા બંન્નેને દિલ્હીનું તેડુ આવતા, તેઓ દિલ્હી જવા રવાના થયા હતા, સી ડી પટેલ તો ટેકો પાછો ખેંચી લઈ ચૂંટણીમાં જવાની તૈયારીના મુડમાં હતા, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ તેના માટે તૈયાર ન્હોતું, તેઓ વચલો કોઈ રસ્તો કાઢવો જોઈએ તેવા મતના હતા, કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરી કોંગ્રેસ પ્રમુખના રાજકિય સલાહકાર અહમદ પટેલ, સી ડી પટેલના સ્વભાવથી વાકેફ હતા, તેમને ખબર હતી સી ડી પટેલ લાંબો સમય આ સ્થિતિ સહન કરી શકશે નહીં અને સી ડી પટેલ કોઈ અંતિમ પગલું ભરે તે પહેલા કોઈ નિર્ણય લેવાઈ જવો જોઈએ. 

પ્રદેશ પ્રમુખ તરીકે પ્રબોધ રાવળની મુદત પુરી થતી હતી, ત્યાર બાદ પ્રમુખ તરીકે સી ડી પટેલને મુકવાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ તરફ લેવાયો ત્યારે અહમદ પટેલે સી ડીને ફોન કરી દિલ્હી આવવાની સુચના આપી હતી, સી ડી પટેલ અને અહમદ પટેલને ખુબ જ અંગત સંબંધો, અહમદ પટેલનો દિલ્હીમાં દરબાર ભરાતો હોય તો પણ સી ડી પટેલ અહમદ પટેલને તેમના હુલામણા બાબુના નામે જ સંબોધતા હતા. અહમદ પટેલનો ફોન આવતા પહેલા તો સી ડી પટેલે બાબુ મારે કોઈ દિલ્હીમાં કામ નથી તેમ કહી દિલ્હી આવવાની ના પાડી દીધી. 

અહમદ પટેલની વિનંતી પછી દિલ્હી પહોંચેલા સી ડી પટેલને ખબર પડી કે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેમે સ્પષ્ટ શબ્દમાં અહમદ પટેલને કહ્યું બાબુ જો હું કોઈને પાસે ફંડ ફાળો લેવા જવાનો નથી,, મને પ્રમુખ બનાવો હોય તો પહેલા બધો વિચાર કરી લેજો. અહમદ હસવા લાગ્યા, તેમને સી ડીના સ્વભાવની ખબર હતી તેમણે કહ્યું ના કોઈની પાસે તમારે પાઈ પૈસો લેવા જવાનું નથી બસ.. અને સી ડી પ્રમુખ થયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે શંકરસિંહ પોતાનો પક્ષ મુકયો હતો અને સી ડી પટેલે પ્રમુખ તરીકે પોતાની વાત મુકી હતી, સી ડી પટેલ કોઈ પણ કિમંતે શંકરસિંહ મુખ્યમંત્રી હોય તેવી સરકારની તરફેણમાં ન્હોતા. લાંબી ચર્ચાઓના અંતે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ, બાપુ ખુબ જ નારાજ હતા, પણ તે માનવા સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો. સાંજની ફલાઈટમાં શંકરસિંહ ગાંધીનગર આવવા માટે નિકળ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી. 

આ તરફ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરની ચેમ્બરમાંથી ઉતાવળે પોતાની ચેમ્બર તરફ આવેલા ઈન્સપેકટર તરૂણ બારોટે આવીને જોયું તો સગીર અને કોન્સટેબલ નિઝામ વાત કરી રહ્યા હતા, બારોટે આવતા જ નીઝામને કહ્યું નીઝામ સગીરને ચા પીવડાવી કે નહીં, સગીરે ખાલી કપ તરફ ઈશારો કરતા કહ્યું હા સાહેબ હમણાં જ પીધી, તેમ છતાં બારોટે નીઝામને કહ્યું જા યાર બે કોફી કહી દે, મારૂ માથુ ભારે થઈ ગયું છે, નીઝામે બારોટ સામે જોયું તે જુનો પોલીસવાળો હતો, તે સમજી ગયો કે બારોટ સાહેબ સગીર સાથે કોઈ વાત કરવા માગે છે, એટલે તે કોફી લેવા જવાના બહાને ત્યાંથી રવાના થયો. હવે ચેમ્બરમાં સગીર અને બારોટ બંન્ને એકલા હતા. 

તરૂણ બારોટે ધીમા અવાજે વાતની શરૂઆત કરતા કહ્યુ જો સગીર મેં સુરોલીયા સાહેબને વાત કરી, તે તો બહુ ગુસ્સે થઈ ગયા, તેમણે કહ્યુ સગીર તો આપણો માણસ છે,. લતીફ કઈ રીતે તેને ધમકી આપી શકે, સગીરને આ સાંભળી સારૂ લાગ્યુ કે પોલીસવાળા તેને પોતાનો માણસ સમજે છે, અને આ વાકયને કારણે તેનામાંથી થોડી હિમંત પણ આવી હતી, જે બારોટ તરત સગીરનો ચહેરો જોઈ સમજી ગયા હતા, વાતને પકડી લેતા જ બારોટે કહ્યું સગીર... સાહેબ કહેતા હતા કે તારે એક અરજી આપી દેવી જોઈએ, અરજી સાંભળતા જ સગીર પોતાની ખુરશીમાં પાછો ખસી ગયો, તેણે કહ્યું સાહેબ લતીફ સામે અરજી આપું..?.. તમને તેનો અર્થ તો સમજાય છેને.. બારોટે તને હિમંત આપતા કહ્યું ચિંતા ન કરીશ, સાહેબે તારી સાથે એક પોલીસવાળો પણ મુકવનો કહ્યો છે. આ વાકય પુરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસમાં રહેલો એક હેડ કોન્સટેબલ ચેમ્બરમાં દાખલ થયો અને બારોટને સલામ કરતા કહ્યું ડીસીપી સાહેબે મોકલ્યો છે. 

બારોટે તરત સગીરને કહ્યું જો આ તારા બોડીગાર્ડમાં રહેશે, તેની પાસે વેપન પણ હશે ચિંતા કરતો નહીં, સગીરને પરસેવો થવા લાગ્યો, બારોટે હેડકોન્સટેબલને  બહાર જવાનો ઈશારો કર્યો અને તે બહાર જતા, સગીરને પાણીનો ગ્લાસ આપતા કહ્યું તું ખોટો ડરે છે.. અમે છીએ તારી સાથે કયાં સુધી લતીફનો ત્રાસ સહન કરશો. સગીર વિચાર કરવા લાગ્યો, થોડીવાર વિચાર કરીને કહ્યું સાહેબ મને અરજી લખતા નહીં આવડે, તરૂણ બારોટે તરત પોતાના રાઈટરને બોલાવી કહ્યું સગીરને અરજી લખી આપ અને અરજી લખાવવાની શરૂઆત થઈ હતી, અરજી લખાઈ ગયા બાદ સગીર ઘરે જવા નિકળ્યો ત્યારે તેની કારની બાજુની સીટમાં રીવોલ્વર સાથે હેડ કોન્સટેબલ પણ હતો. હવે સગીર કોઈ નેતા જેવો હતો, તેની સાથે સરકારી અંગરક્ષક પણ હતો. બીજી તરફ સેન્ટ્રલ જેલમાં રહેલા લતીફને સગીરના જ વિચાર આવતા હતા, ત્યારે તેની ગેંગનો એક માણસ તેને મળવા માટે સાબરમતી જેલ ઉપર આવ્યો અને તેણે ચારે તરફ નજર કરી લતીફના હાથમાં ઘડી કરેલા કાગળ મુકયો હતો. લતીફે પોતાની બેરેકમાં જઈ જયારે તે કાગળ ખોલ્યો ત્યારે ગુસ્સાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી. 

Monday, 6 March 2017

સુરોલિયાએ JCP ગઢવીને કહ્યું સર તરૂણ બારોટ કુછ ઇન્ફર્મેશન લાયા હૈ

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-40): શંકરસિંહ ચુંટણી જીતી ગયા હતા, પણ હજી કપરા ચઢાણ બાકી હતા, ગુજરાત પ્રદેશ સી ડી પટેલ પોતાને પસંદ કરતા નથી, તે વાત જાણતા બાપુ જાહેરમાં અને ખાનગીમાં સી ડી પટેલ અને કોંગ્રેસ અંગે બેફામ બોલવા લાગ્યા હતા, તે બધી વાત સી ડી પટેલ સુધી પહોંચતી હતી, કોંગ્રેસના ટેકાથી સરકાર ચાલતી હોવા છતાં, જે રીતે સરકાર ચાલી રહી હતી, તેના કારણે ચોક્કસ કોંગ્રેસને બદનામી મળવાનો ડર હતો, ચીમનભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી જેવું મોટું પદ છોડવાની હિમંત કરી સરકાર છોડી દેનાર સી ડી પટેલને શંકરસિંહની કાર્ય પ્રણાલી જરા પણ પસંદ આવે તેવી ન્હોતી, તેઓ સ્પષ્ટ મત હતા કે શંકરસિંહને સરકાર પડી જતી હોય તો ભલે પડે પણ તેમને ટેકો આપવામાં કોંગ્રેસને નુકશાન છે. 

તે જ ગાળામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી અમદાવાદની એક દિવસ મુલાકાતે આવેલા, અમદાવાદના ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર એક જાહેરસભા હતી, તેમાં શંકરસિંહ વાધેલાને પણ આમંત્રણ હતું, સભામાં જયારે બાપુ ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે એક વાકય કહ્યું સરકાર જતી હોય તો જુતે મારે.. બાપુનો ઈશારો સી ડી પટેલ સામે હતો, તે સાંજે મારે સી ડી પટેલને મળવાનું થયુ હતું, તેમણે બાપુના આ વાકય સામે ભારે નારાજગી વ્યકત કરી હતી તેમણે મને કહ્યું સરકાર તો કાયમ મા-બાપની ભુમિકામાં હોય છે, અને કોઈ તેને જુતા મારવાની વાત કેવી રીતે કરે, સામાન્ય લારીવાળો પણ પોતાના ધંધો શરૂ કરતા પહેલા પોતાની લારીને બે વખત પગે લાગે છે અને આ માણસ(બાપુ) સરકારને જુતે મારી કહે છે. મને આ વાત જરા પણ મંજુર નથી. મેં હાઈકમાન્ડ સાથે વાત કરી છે, કોઈક નિર્ણય તો લેવો પડશે. 

બીજી તરફ શંકરસિંહના ખાસ એવા સગીરઅહમદે લતીફને પૈસા આપવાની ના તો પાડી દીધી હતી, પણ તેને મનમાં અંદરથી ફફડાટ રહેતો હતો, એક દિવસ તે કોઈ કામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો, ઓફિસમાં દાખલ છતાં જમણા હાથે લાકડાની ગાયકવાડ સમયની સીડી દ્વારા પહેલા માળે પહોંચ્યો એટલે ડાબી તરફ ઈન્સપેકટર તરૂણ બારોટની નળીયાવાળી ચેમ્બર હતી, સગીરને જોતા તરૂણ બારોટે અરે સગીર આજે અહિયા કયાંથી? તેમ કહ્યુ તરૂણ બારોટની એખ સ્ટાઈલ હતી, ટપોરી અને ગુંડો કેટલો પણ પૈસાપાત્ર અને રાજકિય વગ ધરાવતો હોય તેને નામથી અને તુકારો આપી જ બોલાવે, સગીરે પણ કહ્યુ ના અમસ્તો જ આવ્યો હતો. 

સામાન્ય વાતચીત દરમિયાન તરૂણ બારોટે, સગીરને લતીફ વિશે પુછયું બારોટ જાણતા હતા કે સગીરના સંબંધો લતીફ સાથે ખુબ નજીકના છે, પણ બારોટનો પ્રશ્ન સાંભળતા સગીરનો ચહેરો પડી ગયો, તે આ અંગે વાત કરવા માગતો ન્હોતો, સગીરનો ચહેરો જોઈ સમજી ગયેલા બારોટે પુછયુ સગીર કંઈ ચિંતામાં છે? પછી બારોટે પોતાના છાતી ઉપર હાથ મુકતા કહ્યુ સગીર ચિંતા કરતો નહીં હું બેઠો છું. આ વાકય સાંભળતા સગીરની આંખોમાં વિશ્વાસ ઝળકયો, તેણે કહ્યું બારોટ સાહેબ શું વાત કરૂ, હવે તો લતીફ અમારા જેવા વેપારીઓ પાસે પણ પૈસા માંગવા લાગ્યો છે. બારોટ થોડા સચેત થયા, તેઓ પોતાની ખુરશીમાંથી થોડા આગળ આવ્યા અને ટેબલ ઉપર બંન્ને કોણીઓ ગોઠવી સગીરને સાંભળવા લાગ્યા, સગીરે પહેલાથી જે કઈ બન્યું તે બધુ પ્રમાણિકપણે તરૂણ બારોટને કહ્યું. તરૂણ બારોટ કઈક વિચારવા લાગ્યા, અંદરથી ગુસ્સો પણ આવી રહ્યો હતો કે લતીફ જેલમાં બેસીને પણ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો છે, અને પોલીસ લાચાર બની બધુ જોયા જ કરે છે. 

અચાનક તરૂણ બારોટ પોતાની ખુરશીમાંથી ઊભા થયા, અને પોતાના કોન્સટેબલ નિઝામને બુમ પાડી બોલાવ્યો અને કહ્યું સગીર અને મારા માટે કોફી મંગાવ, મારે સાહેબનું એક કામ છે, પાંચ મિનીટમાં આવ્યો, બારોટ જતા કોન્સટેબલ નિઝામ, જે તરૂણ બારોટનો વિશ્વાસુ હતો તે સગીર સાથે વાત કરવા લાગ્યો, તરૂણ બારોટ સીધા અને ઉતાવળે ડીસીપી એ કે સુરોલીયાની ચેમ્બરમાં ગયા, સુરોલીયા તેમની સ્ટાઈલમાં એકદમ ધીમે પોતાની ગરદન ઊંચી કરી બારોટ સામે જોયું, બારોટે ડીસીપી સુરોલીયાના સગીરે જે પણ કંઈ કહ્યુ હતું, તે બધુ જ કહી દીધુ. સુરોલીયાએ પોતાની આંખો બંધ કરી, થોડીવાર સુધી ચેમ્બરમાં શાંતિ છવાઈ, પછી આંખો ખોલતા જ તેઓ પણ ઊભા થયા અને કહ્યું ચલો જોઈન્ટ પોલીસ કમિશનર સે બાત કર લેતે હે, સુરોલીયાની ચેમ્બરમાંથી બહાર નિકળી, બારોટ અને સુરોલીયા પહેલા માળે આવેલી જેસીપી બી જે ગઢવીની ચેમ્બરમાં આવ્યા. 

મુળ ઈન્ડીય આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ઈન્ડીયન પોલીસ સર્વિસમાં જોડાયેલા જોઈન્ટ કમિશનર બી જે ગઢવીએ સુરોલીયાને જોતા તેમના પહેલા જ નામથી સંબોધતા કહ્યું અરે આવ અનુપમ, એ કે સુરોલીયા સલામ કરી જેસીપી સામે બેઠા, જેસીપી ગઢવીએ બારોટ સામે જોતા તેમણે પણ જેસીપીને સલામ કરી, બંન્ને સાથે આવ્યા છે, એટલે કોઈક કામ છે તેવું સમજી ગયેલા બી જે ગઢવીએ કહ્યું બોલો અનુપમ શું હતું, સુરોલીયાએ બારોટ તરફ ઈશારો કરતા કહ્યુ સર તરૂણ કુછ બાત લેકે આયા હૈ, કયાં કરના ચાહીયે, આપ બતાઓ, ગઢવીનો સમગ્ર વાતથી સંપુર્ણ અજાણ હતા, એટલે બારોટે ફરી સગીરની વાત માંડીને કરી હતી, વાત પુરી થતાં ગઢવીએ સુરોલીયાની સામે જોયું અને પુછયુ કયા ચાહતે હો. મગજ ઉપર એકદમ બરફ રાખીને બેઠેલા સુરોલીયાએ કહ્યું અગર સગીર સચ બોલતાએ તો ઉસકા એક અરજી લે લેના ચાહીયે, ગઢવીના ચહેરા ઉપર આછુ સ્મીત આવ્યું, જો કે ચેમ્બરમાં હાજર બારોટ સમજી શકયા નહીં, પણ ગઢવી અને સુરોલીયા વચ્ચે બોલ્યા વગર થયેલા સંવાદો તેઓ બંન્ને સમજી ગયા હતા. 

તરૂણ બારોટ વિચારમાં પડી ગયા, એટલે ગઢવીએ તેમને દેશી સ્ટાઈલમાં કહ્યુ તરૂણ સગીરને સમજાવી તેની એક અરજી લઈ લે, અને જો તેને ડર લાગતો હોય તો તેને એક પીસીઓ(પર્સનલ સીકયુરીટી ઓફિસર) આપી દે, બારોટને હવે વાતમાં કઈક દમ લાગ્યો તે સલામ કરી પોતાની ચેમ્બર તરફ જવા રવાના થયા કારણ હવે સગીરઅહેમદની અરજી લખાવવાની હતી. 

Latif Series Part 40 - http://www.meranews.com/news-detail/Latif-Series-Suroliya-told-JCP-Gadhvi-Sir-Tarun-Barot-has-some-information

Monday, 27 February 2017

તરુણ બારોટ A.K. 56 રાઇફલ્સનો જથ્થો લઇ ભાગ્યા, તેમને પકડવા પાછળ પોલીસ દોડી

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-32): મધ્યપ્રદેશના ઝરણીયા ગામના કુવામાં ઉતરેલા માણસોએ અચાનક સાહેબ કહીને  પાડેલી બુમને કારણે કુવાની બહાર ઉભા રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ એક ક્ષણ માટે ધ્રુજી ગયા.  રાતના અંધારા અને નિરવ શાંતિને કારણે સાહેબ નામની બુમ પણ ડરામણી લાગતી હતી. બુમ સાંભળતા તમામ અધિકારીઓએ પોતાના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ એકસાથે કૂવાની અંદર તરફ ફેંકયો અને જોતા જ તેઓ ચમકી ગયા. તેમણે જોયુ તો કુવાની અંદર જે માણસ હતો તેના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં એ. કે. 56 રાયફલ હતી. જો કે રાયફલ પ્લાસ્ટીક બેગમાં બાંધેલી હોવા છતાં બહારથી તેના આકાર ઉપરથી તે રાયફલ હોવાનો અંદાજ આવી જતો હતો. આ દ્રશ્ય જોઈ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓના ચહેરા ઉપર એકસો વોલ્ટના બલ્બ જેવો ચમકારો આવી ગયો. જો કે બીજી જ ક્ષણે તમામ અધિકારીઓએ કુવામાં ઉતરેલી વ્યક્તિને દબાતા અવાજે કહ્યુ બુમ પાડીશ નહીં. ત્યાર બાદ કુવાની અંદરથી એક પછી એક રાયફલ્સ દોરડા વડે બાંધી બહાર કાઢવામાં આવી રહી હતી, પણ કુવાના ભુર્ગભ જળ ખુબ ઉપર હતા જેના કારણે કલાક બે કલાકમાં પાણીનું સ્તર કૂવામાં વધી રહ્યુ હતું.  હવે કુવાની અંદર કામ કરી રહેલી વ્યક્તિનાં કમર સુધી પાણી વધવા લાગ્યુ હતું એટલે આજ પુરતુ ઓપરેશન અટકાવી અંદર રહેલી વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવી કારણ હવે તેના જીવનું પણ જોખમ હતું. પહેલા દિવસે આઠ-નવ રાયફલ્સ નિકળી હતી. અત્યંત આધુનિક રાયફલ્સ લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન આવવા રવાના થઈ કારણ ક્રાઈમ બ્રાન્ચનો ઉતારો ઉજ્જૈનની એક હોટલમાં હતો જો કે હોટલના સ્ટાફ અને વેઈટરને ખબર ન્હોતી કે આ બધા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે. 

હોટલમાં ઉતરેલા પોલીસ અધિકારીઓ આખો દિવસ હોટલમાં સુઈ રહેતા હતા અને રાત પડે ઝરણીયા જતા હતાં. રોજ રાતે કૂવામાંથી પાણી ઉલેચી રાયફલ્સ બહાર કાઢતા અને વહેલી સવારે હોટલમાં પાછા આવી જતાં હતાં. આવું લગભગ એકાદ અઠવાડીયું ચાલ્યું હશે. હોટલના મેનેજર અને સ્ટાફને શંકા જવા લાગી હતી, કારણ આ મુસાફરો દિવસે હોટલમાં રહેતા અને રાતે નિકળી જતા હતાં  અને વહેલી સવારે પાછા આવી જતાં હતાં. આ મુસાફરો કોણ છે અને શું કરી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો હવે ઉદભવી રહ્યા હતાં. એક દિવસ હોટલનો એક વેઈટર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની રૂમમા ચ્હા આપવા આવ્યો અને તે અંદર દ્રશ્ય જોઈ રીતસરનો ડરી ગયો હતો જો કે ત્યારે તો તેણે પોતાનો ડર બતાડ્યો નહીં પણ બહાર આવી તેણે મેનેજરને અંદર જે જોયુ તેની માહિતી આપી હતી. મેનેજર પણ ધ્રુજી ગયો તેણે તરત ફોનનું રિસિવર ઉપાડ્યું અને પોલીસને જાણકારી આપી કે તેમની હોટલમાં આતંકવાદી મોટા પ્રમાણમાં હથિયાર સાથે આવ્યા છે. 

એક અઠવાડીયા દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝરણીયાના કુવામાંથી 30 કરતાં વધુ એ. કે. 56 રાયફલ્સ કાઢી હતી પણ લાંબો સમય સુધી તે પાણીમાં પડી રહી હોવાને કારણે કેટલીક રાયફલ્સને કાટ પણ લાગી ગયો હતો એટલે તે રાયફલ્સને પ્લાસ્ટીક બેગમાંથી બહાર કાઢી સાફ કરી તેમને બેડ ઉપર લાઈનસર ગોઠવી હતી. પણ આ જોઈ વેઈટરે માની લીધુ હતું કે આ બધા આતંકવાદી છે. હજી સવારના હોટલ ઉપર આવેલા અધિકારીઓ ફ્રેસ થવાની તૈયારીમાં હતા ત્યારે તેમના કાને મેગાફોન દ્વારા થઈ રહેલી જાહેરાતનો અવાજ સંભળાયો. આપ કો હમને ચારો તરફ સે ઘેર લીયા હૈ, હથિયાર છોડ દો ઔર બહાર આ જાઓ. અચાનક થઈ રહેલી જાહેરાત સાંભળી ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીઓ અર્ધ ખુલ્લીની બહાર જોયું તો તે ચોંકી ગયા. મધ્યપ્રદેશ પોલીસના હથિયાર સજ્જ જવાનોએ પોતાની રાયફલ હોટલ તરફ રાખી હોટલને ઘેરી લીધી હતી. તેમની આગેવાની કરી રહેલા પોલીસ અધિકારી મેગા ફોન દ્વારા ચેતવણી આપી રહ્યાં હતા. મામલો ગંભીર બની ગયો હતો. પહેલા તો ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ ખાનગી કપડામાં હતાં તે વાત કરવા અને પોતાની ઓળખ આપવા માટે પણ બહાર આવે અને ત્યારે મધ્યપ્રદેશ પોલીસ આતંકવાદી સમજી ગોળી ચલાવવા લાગે તો કંઈ પણ થઈ શકે. બીજી બાબત એવી હતી કે માની લો કે ધારીએ છીએ તેવુ કઈ પણ ના થાય તો જે હથિયારો પકડાયા તે લઈ જવામાં મધ્યપ્રદેશ પોલીસ અને અમદાવાદ પોલીસ વચ્ચે હદનો પ્રશ્ન ઉભો થાય અને મધ્યપ્રદેશ પોલીસ આખા ઓપરેશનની ક્રેડીટ પોતે લઈ જાય તેવી પણ સંભવાના હતી. બધા ડરી ગયા હતાં પણ ત્યારે યાદ આવ્યું કે એક ડીવાયએસપીની બેગમાં ગુજરાત પોલીસને યુનિફોર્મ છે, તેમણે યુનિફોર્મ પહેરી હોટલની બહાર નિકળવુ જોઈએ  અને બીજી યોજના એવી નક્કી થઈ કે જ્યારે અમદાવાદ પોલીસના અધિકારી યુનિફોર્મ પહેરી બહાર નિકળે ત્યારે સબઈન્સપેકટર તરૂણ બારોટ તમામ રાયફલ્સ લઈ હોટલના પાછળના રસ્તેથી નિકળી અમદાવાદ જતા રહે. પાંચ-સાત મીનિટની માનસિક કસરત બાદ બધા તૈયાર થઈ ગયા. 

એક ડી.વાય.એસ.પી. પોલીસ યુનિફોર્મ પહેરી હાથ ઉંચા રાખી બહાર નિકળ્યા. મધ્યપ્રદેશ પોલીસ પહેલા તો ચમકી ગઈ. તેમને તો આતંકવાદીની માહિતી હતી પણ આ વ્યક્તિ તો પોલીસ યુનિફોર્મમાં હતી, ડીવાયએસપી મધ્ય પ્રદેશ પોલીસને ખાતરી થાય તે માટે હાથ ઉંચા રાખી આગળ વધ્યા અને સલામત અંતરે ઉભા રહી તેમણે ઉજ્જૈન પોલીસના અધિકારીઓને પોતાની ઓળખ આપી હતી. તેમ છતાં ઉજ્જૈન પોલીસના એક જવાને તેમની ઝડતી લીધી અને તેમની પાસે કોઈ હથિયાર નથી તેની ખાતરી કરી લીધી. જો કે હજી ઉજ્જૈન પોલીસના મનમાં ઘણા પ્રશ્નો હતાં. તેઓ અમદાવાદ પોલીસના અધિકારીને વિવિધ પ્રશ્નો પુછી રહ્યા હતાં ત્યારે સમય જોઈ સબઈન્સપેક્ટર તરૂણ બારોટ અને તેમના માણસો ચુપચાપ પાછળના દરવાજે કૂવામાંથી કાઢેલી રાયફલ્સ લઈ વાહનમાં ગોઠવાઈ નિકળી ગયા હતા. 

આ દરમિયાન ઉજ્જૈન પોલીસના કેટલાક અધિકારીઓ હોટલમાં દાખલ થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અમદાવાદ પોલીસ તો હોટલમાંથી નિકળી ગઈ છે. તેનો અર્થ તેમની પાસે ચોક્કસ કંઈક એવું હોવું જોઈએ જે તે છુપાવવા માગે છે. એટલે અમદાવાદ તરફ દોડી રહેલી તરૂણ બારોટની કારનો પીછો ઉજ્જૈન પોલીસે શરૂ કર્યો. આમ પોલીસની પાછળ પોલીસ પડી હોય તેવો આ પહેલો કિસ્સો હતો. જો કે અમદાવાદ પોલીસનો જે કોન્સટેબલ કાર ચલાવી રહ્યો હતો તે જીવ સટોસટ કાર ચલાવી દાહોદ  થઈ ગુજરાતની હદમાં દાખલ થયો અને મધ્યપ્રદેશ પોલીસ ગુજરાતની સરહદે આવી રોકાઈ ગઈ. 

Latif Series Part 32- http://www.meranews.com/news-detail/Latif-series-Tarun-Barot-run-away-with-AK-56-rifles

Sunday, 26 February 2017

તરૂણ બારોટની ટીમને બાતમીદારે કહ્યું ‘ઈન્ફરમેશન ગલત નિકલી તો ગલા કાટ લેના’

Latif Special Series by Mera News પ્રશાંત દયાળ (ભાગ-31): લતીફ ભલે બહાર નીકળી ગયો હતો પણ પોલીસને લતીફ કરતા તેની ગેંગ પાસે આવેલા હથિયારો અને સ્ફોટક પદાર્થોની વધુ જરૂર હતી. કારણ તેનો ગમે ત્યારે ઉપયોગ થવાની શક્યતા હતી. ગજ્જુખાનની ભૂમિકા દરિયાપુર સુધી ટ્રક લાવવા પુરતી જ હતી. ક્રાઈમ બ્રાન્ચે ગજ્જુખાનને જેલમાં મોકલી આપ્યો હતો પણ દરિયાપુરથી હથિયારો ક્યા ગયા તેનો કોઈ તાળો મળતો ન્હોતો. હરિફાઈ બધા જ ક્ષેત્રોમાં હોય છે તેવી જ હરિફાઈ અમદાવાદ પોલીસના અધિકારીઓ અને ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ વચ્ચે પણ ચાલી રહી હતી. સૌથી પહેલા કોને હથિયારોની બાતમી મળી અને કોણ હથિયાર પકડી લાવે તે માટે પોલીસની અલગ અલગ ટીમો દોડી રહી હતી. જો કે ક્યારેક એવું પણ બનતુ કે એક માહિતી બે અલગ અલગ એજન્સીઓને પણ મળતી હતી. તેનું કારણ એવું હતું કે તે બંન્ને એજન્સીઓ એક જ બાતમીદારની માહિતી ઉપર કામ કરતી હતી.

1993માં આવેલા હથિયારોને બે વર્ષ થઈ ગયા હતા પણ હજી તેની ભાળ મળતી ન્હોતી. ત્યારે અમદાવાદ પોલીસ માટે ચમત્કાર થયો હોય તેવી જાણકારી મળી. એક બાતમીદારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી આપી કે તમે અમદાવાદમાં હથિયારો શોધવાની ખોટી મહેનત કરી રહ્યા છો. કારણ કે હથિયારો અમદાવાદમાં હોય તો તમને મળેને? આ સાંભળી પોલીસ અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. બાતમીદારની માહિતી અનુસાર હથિયારોનો તમામ જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે આવેલા ઝરણીયા ગામના કુવામાં ફેંકી દેવામાં આવ્યો છે. પહેલા તો પોલીસને બાતમીદારની આ માહિતી સાચી લાગી નહીં છતાં બે વર્ષથી કાંઈ ઓછી મહેનત કરી ન્હોતી. ફરી એક વખત ચાન્સ લેવામાં વાંધો ન્હોતો. પોલીસની એક પાર્ટી ઝરણીયા ગામ જવા ઉપડી જેમાં સબઈન્સપેકટર તરૂણ બારોટ ( Tarun Barot )પણ સામેલ હતાં. તમામ પોલીસ અધિકારીઓ ખાનગી કપડામાં અને ખાનગી વાહનોમાં હતાં કારણ આ ઓપરેશન મધ્યપ્રદેશ પોલીસની જાણ બહાર કરવાનું હતું. ગુજરાત પોલીસના અનુભવ પ્રમાણે જ્યારે ગુજરાત બહાર તેમના ઓપરેશન સ્થાનિક પોલીસને જાણ કરી કરવામાં આવે ત્યારે અનેક વખત ઓપરેશનની માહિતી લીક પણ થઈ હતી અને ઓપરેશન ફેઈલ પણ થયા છે. ચોરની જેમ અમદાવાદ પોલીસની ટીમ મધ્યપ્રદેશમાં દાખલ થઈ હતી.

મધ્યપ્રદેશનું ઝરણીયા ગામે બાતમીદાર સાથે અમદાવાદ પોલીસ પહોંચી. ત્યાં જઈ બાતમીદારે કુવો બતાડ્યો એટલે પોલીસને લાગ્યુ કે બસ હવે હાથ વેંતમાં હથિયારો મળી જશે. તેમણે કુવામાં જોયુ તો પાણી સિવાય કઈ ન્હોતુ. પોલીસે બાતમીદાર સામે જોયુ, બાતમીદારે ગળા ઉપર હાથ મુકતા કહ્યુ ખુદા કી કસમ, અગર અસલા (હથિયાર) નહીં મીલા તો ગલા કાટ લેના, ઈસી કુવે મેં શૌહરાબઉદ્દીનને હી હથિયાર ફેંકે હૈ. પોલીસ અધિકારીઓ એકબીજા તરફ જોવા લાગ્યા પણ દિવસના સમયે કામ થાય તેમ ન્હોતુ, કારણ સ્થાનિકો સહિત મધ્યપ્રદેશ પોલીસને વાતની ભનક લાગી જાય તેમ હતી. આ ઉપરાંત પાણી હોવાને કારણે પાણી કાઢવાનો પંપ પણ ગોઠવવા પડે તેમ હતા. તેના કારણે પાણીના પંપ મુકવા અને રાત પડવાની રાહ જોવાની હતી. સાથે કુવામાં ઉતરી કામ કરી શકે તેવા માણસોની પણ જરૂર હતી. પોલીસને પંપ, કુવામાં ઉતરનાર માણસો અને રાતનો ઈંતઝાર કરવા સિવાય કોઈ ચારો ન્હોતો.

બાતમીદાર જે શૌહરાબઉદ્દીનની વાત કરી રહ્યો હતો, તે રાજસ્થાનનો એક ટપોરી હતો પણ ટપોરીગીરી કરતા શૌહરાબ તરફ પોલીસે બહુ ધ્યાન આપ્યુ નહીં, તેના કારણે તે પણ ટપોરીગીરી કરતા કરતા ક્યારે મોટો ગેંગસ્ટર બની ગયો તેની તેમને ખબર પડી નહીં. તે હતો મુળ મધ્યપ્રદેશનો પણ તેણે પોતાનું કાર્યક્ષેત્ર રાજસ્થાનમાં વધાર્યુ હતું. રાજસ્થાનમાં મારબલની પુષ્કળ ખાણો આવેલી છે. સામાન્ય રીતે વેપારીઓ ગુંડા તત્વોથી દૂર રહી પોતાનો બિઝનેશ સારો ચાલતો રહે તે માટે ક્યારેક આવા તત્વો સામે લડી લેવાને બદલે પૈસા આપીને મામલો પતાવી દેવામાં માનતા હોય છે. ત્યાંના સ્થાનિક ગેંગસ્ટર્સ મારબલના વેપારીઓને ધમકી આપી મહિને દહાડે લાખો રૂપિયાની ખંડણી વસુલ કરતા હતાં. જેમાં શૌહરાબે પણ ઝંપલાવ્યુ હતું. શૌહરાબનો રાજસ્થાનનો એક સાથી તુલસી પ્રજાપતિ પણ હતો, તે મુળ રાજસ્થાનનો હતો તેના કારણે તેના સ્થાનિક સંપર્કો પણ હતાં. શૌહરાબ અને તુલસીની મુલાકાત જેલમાં થઈ હતી. તુલસી પાસે પૈસા કમાવવાની યોજનાઓ હતી પણ હિમંત ન્હોતી. જ્યારે શૌહરાબ પાસે માત્ર હિમંત હતી. આમ તુલસીની બુદ્ધિ અને શૌહરાબની હિંમત ભેગી થઈ અને તેમણે પોતાની અલગ ગેંગ બનાવી પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી.

જો કે ત્યારે રાજસ્થાનમાં ગેંગસ્ટર હમીદલાલનો જમાનો હતો. હમીદ પોતાના તળાવમાં કોઈ નવો મગર આવે તે ચલાવી લેવા માગતો ન્હોતો. બંન્ને આમને સામને આવી ગયા પણ એક દિવસ શૌહરાબે ભરબજારમાં હમીદની હત્યા કરી નાખી તેના કારણે ચારે તરફ શૌહરાબનું નામ થઈ ગયું અને જે વેપારીઓ હમીદલાલાને પૈસા આપતા હતા તે બધા હવે શૌહરાબને પૈસા આપવા લાગ્યા હતા અને અમદાવાદ પોલીસ આ જ શૌહરાબઉદ્દીનના ગામમાં આવી હતી કારણ શૌહરાબે કુવામાં લતીફના હથિયારોનો જથ્થો સંતાડ્યો હતો.

રાત પડતા અમદાવાદ પોલીસ પાણી ઉલેચવાના પંપ અને ટોર્ચ લઈ કુવા ઉપર પહોંચી અને પાણી ઉલેચવાની શરૂઆત કરી હતી. ખાસ્સુ પાણી નિકળી જતા કુવાના થોડાક તળ દેખાવવા લાગ્યા હતાં એટલે સાથે આવેલા માણસો દોરડાના સહારે કુવામાં ઉતર્યા હતાં. ટોર્ચ હોવા છતાં ખાસ્સુ અંધારૂ હતું. તેમ છતાં કુવામાં ઉતરેલા માણસોએ થોડાક વધેલા પાણીમાં ઉભડક પગે બેસી પાણીમાં હાથ નાખ્યો અને તેમણે જોરથી બુમ પાડી સાહેબ....


Latif Series Part 31 - http://www.meranews.com/news-detail/Latif-series-Tarun-Barot-and-his-team-entered-in-Madhya-Pradesh