પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-11): સવારથી જહાંગીર ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પાસે હતો. તેણે આવતા પહેલા ઇન્સપેક્ટર વિનય તોમર સાથે વાત કરી લીધી હતી. તેમણે તેને કહ્યું હતું કે પહોંચુ છે, પણ તે હજી આવ્યા ન્હોતા. જહાંગીર પોલીસનો જુનો બાતમીદાર હોવાને કારણે ઘણા પોલીસવાળા તેને ઓળખતા હતા, જેના કારણે આવતા જતા મોટા ભાગના પોલીસવાળા તેને જોઈ આશ્ચર્યથી કેમ આવ્યો છે તેની પૃચ્છા કરતા હતાં. તે દરેકને એક સરખા જ જવાબ આપતો હતો ‘સાબને બુલાયા હે’ જો કે ક્યા સાહેબને મળવા આવ્યો છે તેનો તે ફોડ પાડતો ન્હોતો. લગભગ એકાદ કલાક પછી વિનયની એન્ટ્રી થઈ, જીપમાંથી ઉતરતા જ વિનયે જહાંગીરને જોયો હતો, તે જીપમાંથી ઉતરી સીધો ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયો અને તે જ વખતે ત્યાં હાજર સંત્રીને જહાંગીર તરફ ઈશારો કરતા તેને અંદર આવવા દેવાની સુચના પણ આપી. જહાંગીર પાછળ પાછળ ચાલવા લાગ્યો, ઓફિસમાં દાખલ થતાં વિનયે પોતાની પેન્ટ અને ટીશર્ટમાં પીઠ પાસે રાખેલી પોતાના નાઈન એમએમ પિસ્તોલ કાઢી ટેબલના ડ્રોઓરમાં મુકી વિનય અને મહેશ બંન્ને આ રીતે જ પોતાની પિસ્તોલ પાછળ તરફ રાખતા હતા. કદાચ તેમણે પહેલી વખત ડીસીપી ઈન્દ્રસિંહ જાડેજાને આ રીતે વેપન રાખતા જોયા હતા, જેના કારણે અનાયાસે તેમને પણ બીજા કરતા જુદી રીતે એટલે કે પેન્ટમાં પાછળ પીઠ પાસે વેપન રાખવાની આદત પડી હતી, ડીસીપી ઈન્દ્રસિંહ હાલમાં ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડના ડીસીપી હતાં.
No comments:
Post a Comment