પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-10): અબ્દુલની એન્કાઉન્ટરની ઘટનાને બે મહિના થઈ ગયા હતાં. નેશનલ હ્યુમન રાઈટસના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતાં. તેમની સાથે રજીયાની મુલાકાત થઈ ગઈ હતી. જો કે બધાને આશ્ચર્ય વચ્ચે રજીયાએ પોલીસ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોવાને ઈન્કાર કરી દીધો હતો. સૌથી વધારે આશ્ચર્ય આદેશ અને રાકેશસિંહને થયુ હતું. એન્કાઉન્ટરના દિવસે રજીયા પોલીસથી ખુબ નારાજ હતી, તે આદેશને વિનંતી કરતી કે પોલીસવાળાને છોડતા નહીં. રાકેશસિંહ તો હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ પણ કરી દીધી હતી, પણ અચાનક રજીયા બદલાઈ ગઈ હતી. તે કેસ કરવાની પણ ના પાડતી હતી. પત્રકારો સાથે વાત કરવા પણ તૈયાર ન્હોતી. જ્યારે આદેશ તેને મળવા ગયો ત્યારે તેણે બે હાથ જોડી વિનંતી કરતા કહ્યુ ‘સાબ ખુદા કે લીયે હમે છોડ દો જાને વાલા તો ચલા ગયા, ઓર મુઝે પોલીસ કીં ઝંઝટ મેં નહીં પડના પોલીસે દુશ્મની કર કે ભી ક્યા ફાયદા મેરા મરદ તો આને વાલા નહીં હૈ’ આદેશ ત્યાંથી નિકળી ગયો. તે જતો હતો ત્યાં એક યુવક આવ્યો, તેણે ધીમા અવાજે કંઈક વાત કરી અને તે ત્યાંથી નિકળી ગયો. આદેશ ત્યાં જ વિચારતો ઉભો રહ્યો, તેને એક વખત પાછા વળી રજીયાના ઘર તરફ જોયુ તે કપડાં સુકવી રહી હતી. તેનું મન માનતુ ન્હોતુ આવુ બની શકે, પણ તેને જે સાંભળ્યુ તેનો કોઈ આધાર ન્હોતો.
No comments:
Post a Comment