Adv

G Adv

Sunday, 5 March 2017

જેઠમલાણી લડતાં લતીફનો કેસ: મોદી ભક્તોએ BJPનાં પાટીદાર નેતાને જાહેરમાં ધોતી કાઢી દોડાવ્યા

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-37):  લતીફની જીંદગીમાં હવે બધુ તેની સ્ક્રીપ્ટ પ્રમાણે ચાલી રહ્યુ હતું. ઉંદરની જેમ સંતાઈ રહેલો લતીફ જેલમાં આવી પાછો સિંહ થઈ ગયો હતો. તેણે જેલમાં બેસીને ફરી પાછા ઉઘરાણા શરૂ કર્યા હતાં. જેલમાં તેને પણ ખાસ્સો ખર્ચ થતો હતો. જેલમાં તેના 82 ગુંડાઓ હતાં. લતીફ તેના તમામ ગુંડાઓના ઘરે દર મહિને તેના માણસો જઈ પાંચ હજાર રૂપિયા આપી આવતા હતાં. આ ઉપરાંત વકિલોના ખર્ચ ગણીએ તો પાંચ સાત લાખ રૂપિયાની જરૂર તો રહેતી હતી. સુપ્રિમ કોર્ટમાં લતીફનો કેસ રામ જેઠમલાણી જેવા મોટા દિગ્ગજ વકિલો લડતા હતાં, પણ જેલમાં બેસી LATIF સુચના આપે એટલે વેપારીઓ પૈસા મોકલી આપતા હતાં. હમણાં સુધી લતીફનો આતંક માત્ર હિન્દુઓ પુરતો સીમિત હતો પણ હવે તેણે મુસ્લિમ બિલ્ડર્સ અને વેપારીઓ પાસે પણ પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી. બધા જ ડરેલા હતા, પણ કોઈની લતીફ સામે બોલવાની હિમંત ન્હોતી. 

લતીફના તમામ કેસ સાબરમતી જેલમાં જ ચાલવાના હતાં. તેના માટે ખાસ અદાલત જેલમાં ઉભી કરવામાં આવી હતી, પણ જે દિવસે કેસની સુનાવણી હોય ત્યારે જેલની અંદર અને બહાર માહોલ બદલાઈ જતો હતો. કેસના ફરિયાદી અને સાક્ષી જ્યારે જુબાની આપવા માટે સાબરમતી જેલના દરવાજે પહોંચે તેની સાથે લતીફના ગુંડાઓ તેમની પાસે પહોંચી જતા હતાં અને માત્ર એટલુ જ કહેતા હતા “ભાઈ કે ખીલાફ ગવાહી દેંગા..” બીજી કોઈ વાત નહીં. જેલના દરવાજા સુધી એકલો આવેલો સાક્ષી અથવા ફરિયાદ આ સાંભળી ડરી જતા હતાં કારણ તેમને જુબાની આપી, તો જેલની બહાર જ આવવાનું હતું અને તેમને અમદાવાદમાં જ રહેવાનું હતું. લતીફના ગુંડાઓ શાનમાં જે ધમકી આપતા હતા તેને અર્થ તેમને સમજાઈ જતો હતો. 

જેલની અંદરની અદાલતનો માહોલ તો આના કરતાં પણ વધુ ડરામણો હતો. સુનાવણી વખતે નિયમ પ્રમાણે લતીફ સહિત તેના 82 ગુંડાઓને એક સાથે ઉભા રાખવામાં આવતા હતાં. જ્યારે સામે પક્ષે એક માત્ર જુબાની આપવા આવેલો સાક્ષી હોય.  આ બધા જ ગુંડાઓની કદકાઠી અને આંખો જોઈને જ સાક્ષી ડરી જતો હતો. આ ઉપરાંત લતીફના ચારથી પાંચ વકિલો પણ કોર્ટમાં હાજર રહેતા હતાં. જ્યારે સરકાર પક્ષે એકાદ સરકારી વકિલ હોય જેને તો દિવસ પુરો કરવાની ઉતાવળ હોય. સાક્ષી હિમંત રાખે તો પણ લતીફના વકિલોની ફોજ ઉલ્ટા સુલટા સવાલો પુછીને સાક્ષીને ગુચવી અને ડરાવી નાખતી હતી. જેના કારણે મોટા ભાગના સાક્ષીઓ પોલીસને આપેલા નિવેદન કરતા વિરૂધ્ધની જ વાત કરતા હતા અથવા તો પોલીસે તેમની પાસે બળપૂર્વક નિવેદન નોંધ્યુ હોવાનું કહેતા હતાં. આ વખતે લતીફના ચહેરા ઉપર એક સ્મીત આવી જતું હતું. 

સાક્ષી જેલની બહાર આવે ત્યારે હાશકારો થતો હતો. લતીફના એક વર્ષમાં જેલમાં કુલ છ કેસ ચાલ્યા તે તમામમાં સાક્ષી ફરી ગયા તેના કારણે કોર્ટે તેને નિદોર્ષ છોડી દીધો હતો. હજી તો બીજા કેસ ઉભા હતા, પણ તમામ કેસમાં આવુ જ થવાનું હતું.  તે લગભગ નક્કી જ હતું. 

બીજી તરફ ભાજપ પર સંકટ ઉભુ હતું. કેશુભાઈ પટેલની સરકાર પડી ગઈ અને નરેન્દ્ર મોદીને ગુજરાત છોડવું પડ્યું તેનો મોદીને રંજ હતો. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપનો એક સમારંભ હતો. મુખ્યમંત્રી સુરેશ મહેતા સહિત અનેક નેતાઓ ત્યાં આવવાના હતાં. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એક યોજના ઘડી કાઢી, જેમા શંકરસિંહને સાથ આપનારને પાઠ ભણાવવાનો હતો. સમારંભ પુરો થયો તેની સાથે શંકરસિંહના ખાસ ગણાતા આત્મારામ પટેલ, દત્તાજી ચીંરદાસ અને મધુસુદન મિસ્ત્રી જેવા નેતાઓ ઉપર મોદી ભક્તોએ હુમલો કરી દીધો અને વાત તો ત્યારે બગડી કે વયોવૃદ્ધ મંત્રી આત્મારામે પહેરેલી ધોતી કાઢી તેમને રસ્તા ઉપર દોડવવામાં આવ્યા. ભાજપની આબરૂના ફરી લીરા ઉડ્યા હતાં પણ મોદી અને શંકરસિંહ હજી પોતાનો જ હિસાબ સરભર કરવાના મુડમાં હતાં. તેમને મન પાર્ટીની આબરૂની કોઈ કિમંત ન્હોતી. 

આત્મારામ ધોતી પ્રકરણમાં ફરી બાપુએ ભાજપ સામે રણશીંગુ ફુક્યું અને ભાજપમાં હોવા છતાં ભાજપની સામે નિવેદન કરવા લાગ્યા હતા. સુરેશ મહેતાએ બાપુને સમજવવાનો ખુબ પ્રયાસ કર્યો  પણ સુરેશ મહેતા બાપુની યોજના સમજી શક્યા ન્હોતા. હજી બાપુના મનમાં ખુદ મુખ્યમંત્રી થવાની તીવ્ર ઈચ્છા હતી તે મોટી થઈ રહી હતી. જો કે હજી બાપુ સંસદ સભ્ય જ હતાં છતાં ભાજપની સામે નિવેદનો ચાલુ હતાં. ભાજપની નેતાગીરી ત્રસ્ત થઈ ગઈ અને બાપુને તેમણે શીસ્તભંગની નોટીસ આપી હતી. બસ બાપુ આટલુ જ ઈચ્છતા હતાં, તે પોતાના સમર્થકો સાથે અમદાવાદના લાલદરવાજા પાસે આવેલી ઈન્દુલાલ યાજ્ઞીકની પ્રતિમા પાસેપહોંચ્યા અને તેમણે જાહેરમાં ભાજપે આપેલી નોટીસ ફાડી અલગ ચોકો રચવાની જાહેરાત કરી દીધી. બીજી તરફ શંકરસિંહના ખાસ ગણાતા દિલીપી પરીખ રાજભવન પહોંચ્યા અને તેમણે 45 ધારાસભ્યોને સુરેશ મહેતાની સરકારમાં ભરોસો નથી તેવુ આવેદન પત્ર આપ્યુ હતું. 

ફરી વખત ભાજપ સરકાર સામે અવિશ્વાસનો પ્રશ્ન આવ્યો. રાજ્યપાલે નિયમો પ્રમાણે સુરેશ મહેતાને વિધાનસભા ગૃહમાં બહુમત પુરવાર કરવાનું કહ્યુ, પણ વિધાનસભામાં વિશ્વાસના મત વખતે ખુબ ધમાલ અને મારા મારી શરૂ થઈ. ત્યારે ગાંધીનગરના ડીએસપી તરીકે ડી જી વણઝારા હતાં. તેમણે પણ કોઈ અગમ્યકારણસર વિધાનસભામા કવરેજ કરવા આવેલા પત્રકારો ઉપર લાઠીઓ વરસાવી અને મામલો વધુ બગડ્યો. આ ધમાલ વચ્ચે કાર્યકારી અધ્યક્ષ ચંદુ ડાભીએ સુરેશ મહેતાની સરકાર અલ્પમતમાં હોવાની જાહેરાત કરી દેતા સુરેશ મહેતા અને ઘવાયેલા પત્રકારો સહિત નેતાઓ રાજ્યપાલ ભવન દોડી ગયા. જો કે બહુ ઓછા પત્રકારોને ખબર હતી કે તેમનો અહિંયા હાથા તરીકે ઉપયોગ થવાનો છે. 

Latif Series Part 37 - http://www.meranews.com/news-detail/Latif-series-Latif-was-run-his-network-from-Sabarmati-jail

No comments:

Post a Comment