Adv

G Adv

Sunday, 5 March 2017

લતીફ પકડાયો, કેશુબાપાની સરકાર ગઇ: બાપુએ મોદીને ગુજરાતમાંથી હટાવી એક કાંકરે બે પક્ષી માર્યા

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-36):  શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલ સામે બંડ પોકારતા ભાજપની નેતાગીરી ક્ષોભજનક હાલતમાં મુકાઈ ગઈ હતી. ચારે તરફ લોકો ફિટકાર વરસાવી રહ્યાં હતાં. ભાજપ વિરોધ પક્ષને જ લાયક છે અને ભાજપ સત્તા સંભાળી શકે નહીં તેવી ટીકા થઈ રહી હતી. પરંતુ 1985ના કોમી તોફાન બાદ ભાજપે લતીફના નામનો સહારો લઈ મતદારો રૂપી ગંગા પાર કરી તેવી જ રીતે ફરી એક વખત લતીફના નામનો સહારો લઈ ભાજપે તેમની સામે આવી ઉભેલા રાજકિય સંકટમાં લતીફના નામનો ઉપયોગ કરી પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કર્યો હતો. LATIF પકડાઈ ગયો છે તેવી વાતનું સત્તાવાર સમર્થન મળતા આખા ગુજરાતમાં કેશુભાઈ પટેલ હિન્દુ હ્રદય સમ્રાટ હોવાના હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા હતા. જેમાં લતીફ પકડાઈ જવા માટેનો શ્રેય કેશુભાઈ પટેલને આપવામાં આવી રહ્યો હતો. આ ઓછુ હોય તેમ સંખ્યાબંધ અભિવાદન કાર્યક્રમો યોજાવા લાગ્યા, જેમાં લતીફ પકડાઈ જવા માટે ભાજપીઓ કેશુભાઈનું જાહેર અભિવાદન કરવા લાગ્યા હતા. 

મુળ પ્રશ્ન તરફથી ધ્યાન હટાવવાનો ભાજપનો આ પેતરો કંઈક અંશે સફળ રહ્યો હતો, પણ લતીફ પકડાયો તે અંગે ગુજરાત પોલીસમાં ધીરે ધીરે ગણગણાટ થવા લાગ્યો હતો. કેટલાંક અધિકારી લતીફ પકડાયો  હોવાની  વાતને નકારી રહ્યાં હતાં. પરંતુ લતીફે શરણાગતી સ્વીકારી હતી, જેને પોલીસ પોતાની બહાદુરી ખપાવી રહી હતી. આવુ તો પોલીસ અનેક વખત કરે છે, પણ તેના કરતાં પણ કંઈક મોટુ હોવાની ગંધ આવી રહી હતી. લતીફને હાજર કરાવી તેની શરતો પ્રમાણે કામ કરવા માટે લતીફ પાસે 1996માં 14 કરોડ જેવી માતબર રકમ ભાજપના એક નેતા અને એસ સિનિયર પોલીસ અધિકારી લીધા હોવાની પણ વાત હતી. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. છતાં વાત તથ્યની નજીક હતી  અને જે રકમનો ઉલ્લેખ આવી રહ્યો હતો તેમાં ફેરફાર હોવાની શક્યતા હતી. તેની પાછળનો તર્ક પણ હતો. તે  તર્ક માનવામાં આવે તો શરણાગતિની હોવાની વાતને સમર્થન મળતું હતું, 

લતીફ પાકિસ્તાન ગયો ત્યાર બાદ તે કુલ ત્રણ મુખ્યમંત્રીઓને શરણે આવવાની શરતી રીતે આવવાની વાત કરી ચૂક્યો હતો. પરંતુ તમામે તેની શરત માનવાનો ઈન્કાર કર્યો હતો. તેની શરત પ્રમાણે તેની તપાસ એક જ એજન્સી મારફતે કરાવવાની હતી અને તેવુ જ થયું. તેના તમામ કેસ ગુજરાત એટીએસને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા, જે સુચક વાત હતી. તેને ડર હતો કે એ. કે. સિંગ, અતુલ કરવાલ, પી કે ઝા, સતીષ વર્મા અને એ. કે. સુરોલીયા તેનું એન્કાઉન્ટર કરશે તેથી તેઓ લતીફની પૂછપરછ કરશે નહીં, પણ એક જ એજન્સીને તપાસ સોંપાઈ ગઇ હોવાને કારણે હવે ક્યારેય લતીફની આ પાંચ અધિકારીઓ પૂછપરછ પણ કરી શકવાના ન્હોતા. સંજોગો કહેતા કે લતીફની ધરપકડ થઈ નથી પણ તે તેની શરતો પ્રમાણે હાજર થયો છે. જો તે વાત સાચી હોય તો લતીફ જેલમાં બેસીને પણ પોતાની ગેંગ ચલાવી શકે તેમ હતો. 

શંકરસિંહે બળવો પોકારતા ભાજપના સિનિયર નેતા અટલબિહારી બાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી , વૈકયા નાયડુ અને ગોવિંદાચાર્ય જેવા નેતાઓ ગાંધીનગર દોડી આવ્યા. દિવસોની મથામણ બાદ એક ફોર્મ્યુલા નક્કી થઈ તે પ્રમાણે કેશુભાઈ પટેલને હટાવી અન્ય કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા અને નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલી દેવામાં આવે. આમ શંકરસિંહે એક સાથે બે પક્ષીઓનો શિકાર કર્યો. બાપુ માનતા હતા કે તેઓ હવે મુખ્યમંત્રી થઈ શકે તેમ છે પણ ભાજપે એક ચાલ ચાલી અને સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવી દીધા. જો કે મોદીને ગુજરાત બહાર મોકલી દેવાની શરત સ્વીકારી લેવામાં આવતા મોદી ખાસ્સા નારાજ થયા હતાં. તેઓ માનતા હતા કે પોતાને હટાવવામાં આવે તેની પાછળ સંજય જોષી કારણભુત છે. આમ છ મહિનામાં ભાજપે કેશુભાઈને હટાવી સુરેશ મહેતાને બીજા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. 

આ બઘી બાબતોમાં સરકાર અને પ્રજા તેમજ અખબારનું ધ્યાન લતીફ તરફથી લગભગ હટી ગયુ હતું. ગુજરાત એટીએસ પાસે તમામ કેસ આવી ગયા હતા. એટીએસના અધિકારીઓ એક પછી એક કેસની તપાસ કરી લતીફના અલગ અલગ ગુનામાં રીમાન્ડ મેળવતા હતાં. લતીફ અલગ અલગ કેસમાં કુલ છ મહિના પોલીસ રીમાન્ડ ઉપર રહ્યો હતો. કડક કિલ્લેબંધી વચ્ચે આવેલી એટીએસ ઓફિસમાં લતીફ સાથે કેવો વ્યવહાર થયો હતો તેની કોઈ જાણકારી બહાર આવી ન્હોતી. પણ કહેવાય છે કે લતીફને કોઈ પોલીસ અધિકારીએ એક લાફો પણ માર્યો ન્હોતો, તેના કારણે કદાચ એટીએસની ઓફિસમાં છ મહિના સુધી પોલીસ રીમાન્ડ ઉપર હોવા છતાં તેને જયારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો ત્યારે તેની હિમંત અને તાકાત વધી હોવાનું તેના ચહેરા ઉપર જોઈ શકાતું હતું. એટીએસ દ્વારા એવી પણ રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી હતી કે લતીફનાં તમામ કેસ પણ જેલની અંદર જ ચલાવવામાં આવે જેથી તેને જેલની બહાર લઈ આવવાની આવશ્યકતા ઉભી થાય નહીં. 

લતીફ જેલમાં ગયો ત્યારે તેનું સ્વાગત કરવા માટે તેની ગેંગના 82 સભ્યો તો અગાઉથી જ હતાં. સાબરમતી જેલની અંદર પણ લતીફભાઈનો દરબાર ભરાવવા લાગ્યો. ફેર માત્ર એટલો હતો કે તે પહેલા પોપટીયાવાડમાં દરબાર ભરતો હવે તેના બદલે સાબરમતી જેલમાં દરબાર ભરાતો હતો. લતીફ જેલમાં રહીને પણ કેટલો ખુંખાર થઈ શકે છે તેની કોઈને કલ્પના ન્હોતી. સુરેશ મહેતાની સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહી હતી કારણ કે શંકરસિંહ તેમને શાંતિથી બેસવા દે તેમ ન્હોતા. 

Latif Series Part 36 - http://www.meranews.com/news-detail/Latif-series-Latif-was-caught-Shankersinh-Vaghela-played-trump-card

No comments:

Post a Comment