પ્રશાંત દયાળ (ભાગ-38): ગુજરાત વિધાનસભાથી રાજયપાલ ભવન સુધી બધુ સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યું હતું, પણ મોટા ભાગના નેતાઓ અને પત્રકારો માની રહ્યા હતા કે સુરેશ મહેતાની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવવો, વિધાનસભામાં તોફાન થવું કે પત્રકારો ઉપર લાઠીચાર્જ થવો તે અકસ્માતે થયેલી ઘટના છે, સુરેશ મહેતાએ રાજયપાલ કૃષ્ણપાલસિંહ સામે વિધાનસભામાં પોતાની બહુમતી હોવાનો દાવો યથાવત રાખી, વિધાનસભામાં જે કંઈ બન્યું તે અંગે નારાજગી વ્યકત કરી હતી, બીજી તરફ શંકરસિંહે વિધાનસભાના અધ્યક્ષ ચંદુડાભી ભાજપ સરકાર અલ્પમતમાં આવી હોવાના નિર્ણય તરફ ધ્યાન દોર્યું હતું, અને ત્રીજા પક્ષકાર તરીકે પત્રકારોએ તેમની ઉપર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યુ હતું, પણ અહીં પત્રકારોને હાથો બનાવવામાં આવી રહ્યા છે તેની જાણ તેમને ન્હોતી.
પત્રકારો રાજયપાલ ભવનમાં ગુસ્સામાં હતા. તેમણે આવેદનપત્ર આપવા માટે એક કાગળ ઉપર સહી કરવાની શરૂઆત કરી હતી, પણ જયારે રાજયપાલ સુધી આવેદનપત્ર પહોંચ્યુ તેમાં કેટલાક કાગળો બદલાઈ ગયા અને જે નવા કાગળો જોડી દેવામાં આવ્યા હતા, તેમાં પત્રકારો એવું માની રહ્યા છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે તે મતલબનું લખાણ હતું. બસ રાજયપાલ કૃષ્ણપાલસિંહને આટલી જરૂર હતી. તેમણે તરત પત્રકારોની વાતને માધ્યમ બનાવી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા યોગ્ય નથી, તેને મુખ્ય આધાર બનાવી, ગુજરાત વિધાનસભાને સુક્ષુપ્ત અવસ્થામાં મુકી દીધી હતી, હવે શંકરસિંહ માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.
જો કે દિલીપ પરીખના દાવા પ્રમાણે તેમની પાસે 45 ધારાસભ્યો હતા, પણ ખરેખર તે વાત પણ સાચી ન્હોતી, હજી બે-ત્રણ ધારાસભ્યો ઓછા પડતા હતા. જો દિલીપ પરીખનો દાવો ખોટો પડે તે તમામ ધારાસભ્યો સામે પક્ષાંતર ધારો લાગુ પડે તેમ હતો, પણ બાપુ તે ધંધામાં માહિર હતા. થોડાક લોકો સાથે ખરીદ વેચાણ શરૂ થયુ અને 45નો આંકડો પુરો થયો, તેમ છતાં સરકાર તો બની શકે તેમ ન્હોતી, શંકરસિંહે કોંગ્રેસ સાથે વાટાધાટો શરૂ કરી, કોંગ્રેસ માટે તો કોઈ પણ ભોગે ભાજપની સરકાર ન બને તેમાં જ રસ હતો, જે અગામી દિવસોમાં કોંગ્રેસ અને શંકરસિંહને ભારે પડવાની હતી, પણ બંન્નેની સત્તા લાલસા હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રબોધ રાવળ હતા, તેમણે હાઈકમાન્ડ સાથે વાત કરી શંકરસિંહ વાઘેલા સરકાર બનાવતા હોય તો ટેકો આપવા માટે મનાવી લીધા અને શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેજા હેઠળ નવો પક્ષ બનાવ્યો કોંગ્રેસના ટેકાથી પોતે મુખ્યમંત્રી બની ગયા હતા. મુળ ભાજપ ગોત્રના આ ત્રીજા મુખ્યમંત્રી હતા.
શંકરસિંહ પણ કોંગ્રેસના રસ્તે જ આગળ વધી રહ્યા હતા, સત્તા માટે તે કોઈની પણ સાથે સંબંધ રાખતા અને સત્તા માટે કઈ પણ કરી શકતા હતા, ત્યારે શંકરસિંહને ભેટો જુહાપુરા સગીરઅહેમદ સાથે થયો, તે સમયનો તે જુહાપુરાનો બીલ્ડર અને વગદાર ગણાતો હતો, બાપુએ તેને પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં સામેલ કરી દીધો, સગીરને અમદાવાદમાં સાચા ખોટા તમામ ધંધા કરનાર લોકો સાથે સારા સંબંધ હતા, જેમાં સગીરનો સંબંધ જેલમાં રહેલા LATIF સાથે પણ હતો. લતીફને જયારે પણ પૈસાની જરૂર હોય ત્યારે લતીફના માણસો સગીર પાસે જતા અને સગીર તેમને પૈસા આપી દેતો હતો. એવું પણ કહેવાય છે કે સગીર જે પૈસા આપતો તે લતીફનું જ રોકાણ હતું અને સગીર લતીફના પૈસા બજારમાં ફરતા રાખવાનું કામ કરતો હતો, જયારે જયારે લતીફને પૈસાની જરૂર હોય ત્યારે તે તેમાંથી પુરી કરતો હતો, પરંતુ ઘણી વખત એવું પણ બનતુ હતું કે બજારમાં તંગી હોય ત્યારે લતીફને કયાંથી પૈસા આપવા તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હતો. પણ લતીફને ના પાડી શકાય તેમ ન્હોતી.
સગીર સિવાય પણ લતીફે અન્ય મુસ્લિમ બીલ્ડર અને વેપારીઓ પાસે માણસો મોકલી પૈસા લેવાની શરૂઆત કરી હતી, આ મુદ્દે બધા જ નારાજ હતા, અંદર અંદર તેઓ આ અંગે ખુલીને બોલતા હતા, પણ લતીફને ના પાડવાની તેમની હિંમત ન્હોતી. જો કે હવે સગીરઅહેમદનો કેસ જુદો હતો, તેને સીધો મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા સાથે સંબંધ હતો, તે મુખ્યમંત્રીના સમારંભમાં સ્ટેજ ઉપર પણ બેસવા લાગ્યો હતો, સગીરનો વટ પડવા લાગ્યો હતો. સગીર મુખ્યમંત્રી સાથે હોવાને કારણે જે પોલીસ અધિકારી સગીર સાથે પહેલા વાત પણ કરતા ન્હોતો, તે સામે ચાલી સગીરને મળવા જતા હતા. આ બધી સ્થિતિમાં સગીર પણ હવે એવું લાગવા લાગ્યું હતું કે તેણે લતીફથી ડરવાની જરૂર નથી. તેને મુખ્યમંત્રી ઓળખે છે, તેને અમદાવાદના પોલીસ અધિકારીઓ સાથે સંબંધ છે, એટલે લતીફ હવે તેનું કાંઈ બગાડી શકે તેમ નથી.
સગીરની હિંમત ખુલવા લાગી હતી, સમાજમાં તેને હવે ભાઈ તરીકે સંબોધવા લાગ્યા હતા, તે પણ પોતાની એક અલગ દુનિયા બનાવવા માગતો હતો, તેને પણ વધુ પૈસા કમાવવા હતા. એટલે હવે નિયમિત પૈસા લેવા આવતા લતીફના માણસો સાથે રકમના મુદ્દે અથવા પૈસા નથી તેવું કારણ આપી ચકમક થવા લાગી હતી. જેલમાં બેઠેલા લતીફને પણ સગીરની હિંમતે વિચાર કરતો મુકી દીધો હતો, આમ તો સ્વભાવે વેપારી લતીફ તરત કંઈ બગાડે તેમ ન્હોતો, પહેલા તેણે સગીરને સમજાઈ જોવાનો પ્રયત્ન કર્યો પણ સગીર માનવા લાગ્યો કે તે હમણાં ઢીલો પડયો તો પૈસા આપવાનો ક્રમ ચાલુ જ રહેશે. એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં લતીફને હવે એક પણ પૈસો મળશે નહીં તેવું કહી દીધુ હતું. જયારે જેલમાં બેઠેલા લતીફને ખબર પડી કે સગીરે પૈસાની ના પાડી દીધી છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો.
આ આખી ઘટનાની બે–ત્રણ બાજુ હતી, જેમાં LATIF માટે કામ કરતા તેના માણસોને પહેલા તો ખબર પડી કે સગીર હવે લતીફનું માનતો નથી, આ ઉપરાંત જેલની અંદર રહેલા તેના સાથીઓને ખબર પડે કે હવે બહારની દુનિયામાં લતીફનું વર્ચસ્વ રહ્યુ નથી, તો જેલમાં તેનો મોભો ઓછો થઈ જાય અને સૌથી મહત્વની વાત જો બજારમાં આ વાત આવી જાય કે સગીરે લતીફને પૈસા આપવાનું બંધ કરી દીધુ, તો ધીરે ધીરે બીજા પણ પૈસા આપવાનું બંધ કરી દેશે. લતીફનું પોતાનું સામ્રાજય પત્તાના મહેલની જેમ ધરાશાઈ થતું દેખાયું અને તેણે સગીરને સંદેશો મોકલ્યો તો હવે મરવા માટે તૈયાર રહેજે.
Latif Series Part 38 - http://www.meranews.com/news-detail/Latif-told-a-man-closed-to-Shankarsinh-be-ready-to-die
No comments:
Post a Comment