Adv

G Adv

Monday, 6 March 2017

લતીફનો આતંક ઓસરતો હતો પણ શંકરસિંહના આતંકથી નરેન્દ્ર મોદી ધ્રુજતા હતાં

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-39): લતીફ પોતાની તાકાત અને ગેંગ ઉપર હજી મુસ્તાક હતો, પણ તેને કલ્પના ન્હોતી કે તે ભારત છોડી ભાગ્યો અને પકડાયો તેના ત્રણ-ચાર વર્ષમાં પોપટીયાવાડમાં ઘણુ બદલાઈ ગયું હતું. એક જમાનો હતો જયારે મોટા પોલીસ અધિકારીઓ પણ પોપટીયાવાડમાં જતા ડરતા હતા. દરિયાપુરના પોલીસ ઈન્સપેકટર પણ પોપટીયાવાડમાં જતા પહેલા સ્ટેટ રીર્ઝવ પોલીસ ફોર્સની કંપની બોલાવતા હતા, અને લતીફના ગુંડાઓ દરિયાપુર પોલીસ સ્ટેશન ઉપર બોમ્બ ફેંકી શકતા હતા, તે બધુ બદલાઈ ગયુ હતું. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એ કે સુરોલીયાની ટીમે જે કામગીરી કરી હતી, તેના કારણે પહેલી વખત પોપટીવાડમાં પોલીસનો ખૌફ કોને કહેવાય તેની ખબર પડી હતી. પૈસા ખાતર અથવા લતીફભાઈની આભામાં આવી ભાઈ બનવા નિકળેલા અનેક યુવાનો જેલમાં ધકેલાઈ ગયા હતા. જેના કારણે હવે અમદાવાદ પોલીસનો અતિ સામાન્ય કોન્સટેબલ પણ રોકટોક વગર બીન્દાસ પોપટીયાવાડમાં જઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. 

રથયાત્રા હવે શાંતિપુર્ણ રીતે પસાર થવા લાગી હતી, જો કે હજી બંન્ને કોમના લોકોમાં એકબીજા માટે કટુતા તો ચોક્કસ હતી, એટલે રથયાત્રા પ્રેમદરવાજામાંથી દરિયાપુરમાં દાખલ થાય ત્યારે કોઈ બનાવ બને નહીં તેની તકેદારી બંન્ને કોમના નેતાઓ લેવા લાગ્યા હતા. રથયાત્રામાં મોટી પોલીસ ફોર્સ હોવાને કારણે યાત્રામાં સામેલ ટ્રકમાં સવાર યુવાનોને જોર ચડતું અને દરિયાપુર લીમડા ચોક જયાંથી પોપપટીયાવાડ જવાનો રસ્તો છે ત્યાં ટ્રક પસાર થાય ત્યારે ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર પણ થતાં, પણ સ્થાનિક મુસ્લીમોએ તેનો રસ્તો શોધી કાઢયો હતો, પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધીના બસ્સો મીટરના રસ્તા ઉપર મોટી સાઉન્ડ સીસ્ટમ મુકી દેવામાં આવતી હતી જેની ઉપર ઊચા અવાજે દેશ ભકિતના ગીતો મુકવાની શરૂઆત થઈ હતી. જેથી કરી ટ્રકમાં સામેલ હિન્દુ યુવાનો સુત્રોચ્ચાર કરે તો પણ તે કોઈ સાંભળી શકે નહીં. આ જ ગાળામાં રથયાત્રામાં એક વ્હીસલ સ્કવોડ પણ શરૂ કરવામાં આવ્યા હતા, જેમા ચાલીસ પચાસ પોલીસવાળા હતા, જેમનું કામ માત્ર સતત વ્હીસલ વગાડવાનું હતું, વ્હીસલના અવાજમાં સુત્રોચ્ચાર દબાઈ જતો હતો. 

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબઈન્સપેકટર તરૂણ બારોટને આઉટ ટર્ન પ્રમોશન આપી પોલીસ ઈન્સપેકટર બનાવી દેવામાં આવ્યા હતા, ઘટના કઈક એવી હતી કે અમદાવાદના વેજલપુર વિસ્તારના પરેશ એપાર્ટમેન્ટમાં ખાલીસ્તાન લીબ્રેશન ફ્રન્ટના ત્રાસવાદીઓ હથિયારોનો મોટો જથ્થો લાવ્યા છે, તેવી માહિતી સબઈન્સપેકટર તરૂણ બારોટને મળી હતી. જેના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતા આરડીએકસ અને મોટા પ્રમાણમાં એ કે 47 રાયફલો મળી આવી હતી. જો કે હથિયાર લાવનાર ત્રાસવાદી લાલસિંગ પોલીસ આવે તે પહેલા ફરાર થઈ ગયો હતો. આ જથ્થો ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પકડાયો હતો, તરૂણ બારોટની આ કામગીરીના ભાગ રૂપે તરૂણ બારોટને વનસ્ટેપ પ્રમોશન આપવું જોઈએ તે દરખાસ્ત થઈ હતી. જો કે તે દરખાસ્તને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે બહાલી મળી હતી. 

અમદાવાદ યથાવત થવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું પણ ગાંધીનગરમાં હજી સ્થિતિ ડામાડોળ હતી. શંકરસિંહ મુખ્યમંત્રી થયા પછી ગુજરાત કોંગ્રેસમાં ફેરફાર થયો અને ચિમનભાઈ પટેલની સરકાર છોડીને નિકળેલા સી. ડી. પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ થયા હતા, તેમને શંકરસિંહની સરકાર ચલાવવાની પદ્ધતિ જરા પણ રાસ આવતી ન્હોતી, તેમનો વ્યક્તિગત મત હતો કે શંકરસિંહની સરકારને ટેકો આપી કોંગ્રેસે ભુલ કરી છે અને તેની કિંમત કોંગ્રેસ ચુકવવી પડશે. બીજી તરફ શંકરસિંહના સ્વભાવ પ્રમાણે તેમને કોઈ પણ પ્રકારના નિયંત્રણો ગમતા ન્હોતો, તેમને પણ સી. ડી. પટેલ સાથે છત્રીસનો આંકડો હતો. શંકરસિંહ ધારાસભ્ય નહીં હોવાને કારણે તેમને ધારાસભ્ય તરીકે ચુટાવવાનું હતું, એટલે તેમણે પેટા ચૂંટણી માટે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી સોંલકી પાસે રાજીનામુ આપી ધારાસભ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. શંકરસિંહ ચૂંટણી હારે તે માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું અને બાપુને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડિયા ખુદ રાધનપુરમાં ડેરા તંબુ નાખી બેઠા હતા. પણ શંકરસિંહ માટે પણ જીવન મરણનો પ્રસંગ હતો. તેમણે બનાસકાંઠાના ડીએસપી એ કે પંડયાને પોતાના વિરોધીઓને ખતમ કરવાની સુચના આપી હતી. બાપુએ ગુજરાતભરમાંથી ગુંડાઓને ફોજ એક એક બુથ ઉપર મુકી દીધી હતી, બાકી હતું તો લો એન્ડ ઓર્ડર આઈજીપી ચિતરંજનસિંગ પણ રાધનપુર આવી ગયા હતા. ચૂંટણીની આગળની રાતે તેમણે ભાજપના તમામ પોલીંગ એજન્ટોને પકડી પુરી દીધા હતા. ચૂંટણીના દિવસે ભાજપના નેતાઓને પકડી પકડી મારવામાં આવતા હતા, આ વાત બહાર જાય નહીં તે માટે રાધનપુરમાં આવેલા પત્રકારોની પણ સારી પેઠે ધોલાઈ કરી નાખવામાં આવી હતી. એક દિવસ માટે રાધનપુર ગુજરાતનો નહીં પણ બિહારનો કોઈ વિસ્તાર હોય તેવો માહોલ થઈ ગયો. નરેન્દ્ર મોદી, અશોક ભટ્ટ અને પ્રવિણ તોગડીયાને પણ બાપુના આતંકની કલ્પના ન્હોતી, તેઓ રીતસર ધ્રુજતા હતાં અને પત્રકારોને વિનંતી કરતા હતા તેમણે આ મુદ્દે કંઈક કરવું જોઈએ. જો કે પરિણામ આવે તે પહેલા સ્પષ્ટ થઈ ગયું શંકરસિંહ ચૂંટણી જીતવાના છે અને તેવું જ થયું. 

આ બાજુ લતીફના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી, તે પોતે હજી અસ્પષ્ટ હતો, તેને લાગી રહ્યુ હતું કે હવે લોકોએ તેનાથી ડરવાનું બંધ કરી દીધુ છે. 

Latif Series Part 39 - http://www.meranews.com/news-detail/Modi-was-more-scared-of-Vaghela-terror-than-Latif

No comments:

Post a Comment