
1993માં આવેલા હથિયારોને બે વર્ષ થઈ ગયા હતા પણ હજી તેની ભાળ મળતી ન્હોતી. ત્યારે અમદાવાદ પોલીસ માટે ચમત્કાર થયો હોય તેવી જાણકારી મળી. એક બાતમીદારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી આપી કે તમે અમદાવાદમાં હથિયારો શોધવાની ખોટી મહેનત કરી રહ્યા છો. કારણ કે હથિયારો અમદાવાદમાં હોય તો તમને મળેને? આ સાંભળી પોલીસ અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. બાતમીદારની માહિતી અનુસાર હથિયારોનો તમામ જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે આવેલા ઝરણીયા ગામના કુવામાં ફેંકી દેવામાં આવ્યો છે. પહેલા તો પોલીસને બાતમીદારની આ માહિતી સાચી લાગી નહીં છતાં બે વર્ષથી કાંઈ ઓછી મહેનત કરી ન્હોતી. ફરી એક વખત ચાન્સ લેવામાં વાંધો ન્હોતો. પોલીસની એક પાર્ટી ઝરણીયા ગામ જવા ઉપડી જેમાં સબઈન્સપેકટર તરૂણ બારોટ ( Tarun Barot )પણ સામેલ હતાં. તમામ પોલીસ અધિકારીઓ ખાનગી કપડામાં અને ખાનગી વાહનોમાં હતાં કારણ આ ઓપરેશન મધ્યપ્રદેશ પોલીસની જાણ બહાર કરવાનું હતું. ગુજરાત પોલીસના અનુભવ પ્રમાણે જ્યારે ગુજરાત બહાર તેમના ઓપરેશન સ્થાનિક પોલીસને જાણ કરી કરવામાં આવે ત્યારે અનેક વખત ઓપરેશનની માહિતી લીક પણ થઈ હતી અને ઓપરેશન ફેઈલ પણ થયા છે. ચોરની જેમ અમદાવાદ પોલીસની ટીમ મધ્યપ્રદેશમાં દાખલ થઈ હતી.
મધ્યપ્રદેશનું ઝરણીયા ગામે બાતમીદાર સાથે અમદાવાદ પોલીસ પહોંચી. ત્યાં જઈ બાતમીદારે કુવો બતાડ્યો એટલે પોલીસને લાગ્યુ કે બસ હવે હાથ વેંતમાં હથિયારો મળી જશે. તેમણે કુવામાં જોયુ તો પાણી સિવાય કઈ ન્હોતુ. પોલીસે બાતમીદાર સામે જોયુ, બાતમીદારે ગળા ઉપર હાથ મુકતા કહ્યુ ખુદા કી કસમ, અગર અસલા (હથિયાર) નહીં મીલા તો ગલા કાટ લેના, ઈસી કુવે મેં શૌહરાબઉદ્દીનને હી હથિયાર ફેંકે હૈ. પોલીસ અધિકારીઓ એકબીજા તરફ જોવા લાગ્યા પણ દિવસના સમયે કામ થાય તેમ ન્હોતુ, કારણ સ્થાનિકો સહિત મધ્યપ્રદેશ પોલીસને વાતની ભનક લાગી જાય તેમ હતી. આ ઉપરાંત પાણી હોવાને કારણે પાણી કાઢવાનો પંપ પણ ગોઠવવા પડે તેમ હતા. તેના કારણે પાણીના પંપ મુકવા અને રાત પડવાની રાહ જોવાની હતી. સાથે કુવામાં ઉતરી કામ કરી શકે તેવા માણસોની પણ જરૂર હતી. પોલીસને પંપ, કુવામાં ઉતરનાર માણસો અને રાતનો ઈંતઝાર કરવા સિવાય કોઈ ચારો ન્હોતો.
બાતમીદાર જે શૌહરાબઉદ્દીનની વાત કરી રહ્યો હતો, તે રાજસ્થાનનો એક ટપોરી હતો પણ ટપોરીગીરી કરતા શૌહરાબ તરફ પોલીસે બહુ ધ્યાન આપ્યુ નહીં, તેના કારણે તે પણ ટપોરીગીરી કરતા કરતા ક્યારે મોટો ગેંગસ્ટર બની ગયો તેની તેમને ખબર પડી નહીં. તે હતો મુળ મધ્યપ્રદેશનો પણ તેણે પોતાનું કાર્યક્ષેત્ર રાજસ્થાનમાં વધાર્યુ હતું. રાજસ્થાનમાં મારબલની પુષ્કળ ખાણો આવેલી છે. સામાન્ય રીતે વેપારીઓ ગુંડા તત્વોથી દૂર રહી પોતાનો બિઝનેશ સારો ચાલતો રહે તે માટે ક્યારેક આવા તત્વો સામે લડી લેવાને બદલે પૈસા આપીને મામલો પતાવી દેવામાં માનતા હોય છે. ત્યાંના સ્થાનિક ગેંગસ્ટર્સ મારબલના વેપારીઓને ધમકી આપી મહિને દહાડે લાખો રૂપિયાની ખંડણી વસુલ કરતા હતાં. જેમાં શૌહરાબે પણ ઝંપલાવ્યુ હતું. શૌહરાબનો રાજસ્થાનનો એક સાથી તુલસી પ્રજાપતિ પણ હતો, તે મુળ રાજસ્થાનનો હતો તેના કારણે તેના સ્થાનિક સંપર્કો પણ હતાં. શૌહરાબ અને તુલસીની મુલાકાત જેલમાં થઈ હતી. તુલસી પાસે પૈસા કમાવવાની યોજનાઓ હતી પણ હિમંત ન્હોતી. જ્યારે શૌહરાબ પાસે માત્ર હિમંત હતી. આમ તુલસીની બુદ્ધિ અને શૌહરાબની હિંમત ભેગી થઈ અને તેમણે પોતાની અલગ ગેંગ બનાવી પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી.
જો કે ત્યારે રાજસ્થાનમાં ગેંગસ્ટર હમીદલાલનો જમાનો હતો. હમીદ પોતાના તળાવમાં કોઈ નવો મગર આવે તે ચલાવી લેવા માગતો ન્હોતો. બંન્ને આમને સામને આવી ગયા પણ એક દિવસ શૌહરાબે ભરબજારમાં હમીદની હત્યા કરી નાખી તેના કારણે ચારે તરફ શૌહરાબનું નામ થઈ ગયું અને જે વેપારીઓ હમીદલાલાને પૈસા આપતા હતા તે બધા હવે શૌહરાબને પૈસા આપવા લાગ્યા હતા અને અમદાવાદ પોલીસ આ જ શૌહરાબઉદ્દીનના ગામમાં આવી હતી કારણ શૌહરાબે કુવામાં લતીફના હથિયારોનો જથ્થો સંતાડ્યો હતો.
રાત પડતા અમદાવાદ પોલીસ પાણી ઉલેચવાના પંપ અને ટોર્ચ લઈ કુવા ઉપર પહોંચી અને પાણી ઉલેચવાની શરૂઆત કરી હતી. ખાસ્સુ પાણી નિકળી જતા કુવાના થોડાક તળ દેખાવવા લાગ્યા હતાં એટલે સાથે આવેલા માણસો દોરડાના સહારે કુવામાં ઉતર્યા હતાં. ટોર્ચ હોવા છતાં ખાસ્સુ અંધારૂ હતું. તેમ છતાં કુવામાં ઉતરેલા માણસોએ થોડાક વધેલા પાણીમાં ઉભડક પગે બેસી પાણીમાં હાથ નાખ્યો અને તેમણે જોરથી બુમ પાડી સાહેબ....
Latif Series Part 31 - http://www.meranews.com/news-detail/Latif-series-Tarun-Barot-and-his-team-entered-in-Madhya-Pradesh
No comments:
Post a Comment