પ્રશાંત દયાળ (ભાગ-30): નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યાર બાદ દિવસના પંદરથી અઠાર કલાક કામ કરતા હતાં તેવી જ રીતે ઇ.સ. 1993-94નાં સમયમાં ચિમનભાઈ પટેલ પણ વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરતા હતાં. ઘણા દિવસો આઇ.એ.એસ. અધિકારીઓ સાથેની તેમની મીટિંગનો દોર રાતના બે વાગ્યા સુધી ચાલતો હતો. કેટલીક વખત એવું બનતુ હતું કે તેઓ મીટિંગમાં હોય ત્યારે તેમને યાદ આવે કે તેમના જનસંપર્ક અધિકારી જગદીશ ઠક્કર બહાર બેઠા હશે. એટલે તેઓ મીટિંગમાંથી બહાર આવી કહે અરે જગદીશ આજે જરા મોડું થઈ ગયું, હજી મને વાર લાગશે તું ઘરે જવા નિકળ. એટલે જગદીશ ઠક્કર કહે સારૂ સાહેબ કાલે કેટલા વાગુ આવું? એટલે ચિમનભાઈ કહે વહેલા આવવાની જરૂર નથી સવારે સાત વાગ્યા સુધીમાં આવી જાય તો પણ ચાલશે. રાતના બે વાગ્યે પણ મીટિંગ ચાલતી હોય અને સવારે ચિમનભાઈ જેને મોડું ગણતા હતાં તે સવારનો સાતનો સમય હતો અને બીજા દિવસે જ્યારે જગદીશ ઠક્કર સીએમ બંગલે પહોંચે ત્યારે ચિમનભાઈ તૈયાર થઈ કામ કરતા હોય.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ હતી, ચિમનભાઈ પટેલ કોંગ્રેસમાં ભળી ગયા હોવા છતાં કોંગ્રેસનો એક મોટો વર્ગ ચિમનભાઈ પટેલને કારણે રાજી ન્હોતો. જેમાં માધવસિંહ સોંલકી પણ હતા, ત્યારે માધવસિંહનું કદ રાષ્ટ્રીય સ્તરે પણ ખુબ મોટું હતું. માધવસિંહ મુળ કોંગ્રેસીઓને ટિકિટ આપવામાં આવે તેવું કહેતા હતાં. જ્યારે ચિમનભાઈ પટેલ પોતાના જુના જનતાદળને મહત્વ મળે તેવું ઈચ્છતા હતાં. ચિમનભાઈ તેમના સ્વભાવ પ્રમાણે ખુબ તણાવમાં રહેવા લાગ્યા હતાં. તબીયત પણ ખરાબ હતી અને આરામ પણ કરતા ન્હોતા. તા. 17 ફેબ્રુઆરી 1994ની સવારે તેમની તબીયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તરત સીએમ બંગલે ડૉક્ટર્સ દોડી આવ્યા અને તપાસી તેમને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો પણ સારવાર મળે તે પહેલા તેમનું અવસાન થઈ ગયું. ચિમનભાઈ પટેલનું અવસાન થયા બાદ તેમના અગ્નિસંસ્કાર પહેલા નવા મુખ્યમંત્રી કોણ થશે તેની ચર્ચા અને લોબિઇંગ શરૂ થઈ ગયું હતું.
ચિમનભાઈ પટેલના અવસાન પછી હવે મુખ્યમંત્રી કોણ થશે તેનું મોટુ ધમાસાણ થયું. અમદાવાદના ખાનપુરમાં ચિમનભાઈ પટેલની શોકાંજલિ સભામાં ચિમનભાઈ પટેલનાં પત્ની ઉર્મિલાબહેન પટેલે પોતે મુખ્યમંત્રી થવા તૈયાર છે તેવો દાવો રજુ કરતાં કોંગ્રેસ અનેક જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. ખરેખર જેઓ મુખ્યમંત્રી થઈ શકે તેવા હતા તે સી. ડી. પટેલ થોડા મહિના પહેલા જ મંત્રીપદ છોડી જતાં રહ્યાં હતાં. આખરે કેટલાંક દિવસોની કવાયત બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીનો કળશ છબીલદાસ મહેતાના શિરે મુક્યો હતો. સ્વભાવે સામ્યવાદી વિચાર ધરાવતા અને નાણા વિભાગનો હવાલો સંભાળતા છબીલદાસ લો પ્રોફાઈલ અને જમીની નેતા હતાં. કોઈ પ્રકારના વિવાદથી પોતાને દુર રાખતા છબીલદાસને મુખ્યમંત્રીનું સળગતું ઘર સંભાળવાનો સમય આવ્યો હતો કારણ ત્યારે કોંગ્રેસ બહુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી.
જો કે છબીલદાસ કોંગ્રેસમાં હોવા છતાં તેમને કોંગ્રેસમાં સામેલ ગુનેગારો અને ગુનેગારો સાથે સંબંધ રાખતા કોઈપણ નેતા સાથે ઘનિષ્ઠતા ન્હોતી. તેના કારણે પોતાના કામમાં આગળ વધવાની પોલીસને વધુ મોકળાશ મળી હતી. છબીલદાસ મુખ્યમંત્રી થતાં ક્રાઈમ બ્રાન્ચે પહેલુ રાજકિય ઓપરેશન પાર પાડ્યું હતું, તે ગજ્જુખાન પઠાણનું હતું. ચિમનભાઈ પટેલના અંગત ગણાતા અને લતીફ ગેંગના સંખ્યાબંધ લોકો સાથે સંકળાયેલા શાહઆલમ વિસ્તારના ગજ્જુખાન કોપોર્રેટર પણ હતો. ચિમનભાઈ પટેલની સરકારમાં તે ધારે તેવું કરી શકતો હતો. તે ઈચ્છે ત્યારે મુખ્યમંત્રીની ચેમ્બરમાં મીટિંગની રાહ જોતા આઇ.એ.એસ. અને આઈપીએસ બેઠા હોય તો પણ ગજ્જુખાનને ચિમનભાઈ પટેલ પ્રાધાન્ય આપતા હતાં. આ બધી બાબત આઈપીએસ અધિકારીઓને ખટકતી હતી કારણ તેઓ ગજ્જુખાનની પ્રવૃત્તીઓ જાણતા હતાં પણ સિસ્ટમ સામે તેઓ લાચાર હતાં પરંતુ હવે ચિમનભાઈ પટેલ રહ્યા ન્હોતા.
ક્રાઈમ બ્રાન્ચના બે સ્થળે રીમાન્ડ રૂમ ચાલતા હતાં. એક અમદાવાદની ગાયકવાડ હવેલી અને બીજો અમદાવાદથી ચાલીસ કિલોમીટર દુર ખેડા પોલીસ હેડક્વાર્ટર હતું. આખો દિવસ શાંત રહેતી ક્રાઈમ બ્રાન્ચમાં રાતનાં દસ વાગે એટલે કામગીરી શરૂ થતી હતી. ક્રાઈમ બ્રાન્ચની ઊંચી દિવાલોની પાછળ શું થઈ રહ્યું છે તેની કોઈને ખબર પડતી ન્હોતી, પણ રાત પડે અને ઓ બાપા રે મરી ગયો... સાબ મેને કુછ નહીં કિયા, અલ્લાહ કી કસમ... સબ બોલ દુંગા સાબ બસ કરો... જેવી ચીસોથી ક્રાઈમ બ્રાન્ચની દિવાલો પણ ધ્રુજી જતી હતી. રોજ સવાર પડે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર અને શહેર બહાર પચાસ-સાઈઠ ગુનેગારોને ઉપાડી લાવતી હતી અને રાત પડે એટલે ડીસીપી એ. કે. સુરોલિયા સહિતના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ આવતા હતાં. આવુ રોજ વહેલી સવાર સુધી ચાલતુ હતું. પકડાયેલા કેટલાંક લોકઅપમાં જતા હતાં જ્યારે કેટલાંકને ઘરે જવાની રજા મળતી હતી.
ક્રાઈમ બ્રાન્ચ માટે હજી મહત્વનો સવાલ હતો કે નારોલથી જે ટ્રક હથિયાર ભરી દરિયાપુરમાં આવી તે ક્યાં ગઈ હતી? કારણ હજી સુધી એક પણ હથિયાર અને હેન્ડગ્રેન્ડ પોલીસને મળ્યાં ન્હોતા. એકડે એકથી શરૂઆત કરવાની હતી, નારોલથી હથિયારની ટ્રક શહેરમાં કોણ લઈ આવ્યું તેવો પ્રશ્ન ઊભો થયો ત્યારે પહેલું નામ આવ્યું ગજ્જુખાન પઠાણનું. સુરોલિયાએ પોતાના અધિકારીઓની સામે જોયું અને તેઓ સમજી ગયા. ગજ્જુખાન એક રાજકિય નેતા પણ હતો, તેને ખબર હતી કે ભાગી જવાનો કોઈ અર્થ નથી. પોલીસનું તેડું આવતા તે પોતે ક્રાઈમ બ્રાન્ચ સામે આવી ગયો. ડીસીપી એ. કે. સુરોલિયાનો તાપ બહુ હતો. તેઓ બોલે ઓછું અને કામ વધારે કરે. ગજ્જુખાનને ક્રાઈમ બ્રાન્ચ આવ્યાના એક દિવસ પછી તેણે અધિકારીઓને પુછ્યું મને શું કામ બોલાવ્યો છે? અધિકારીઓએ કહ્યું અમને ખબર નથી, ડીસીપી સાહેબની સુચના છે. પણ ગજ્જુખાનને પ્રશ્ન થતો હતો કે ડીસીપી તો મને કઈ પુછતાં નથી. ક્રાઈમ બ્રાન્ચ આવતા પહેલા ગજ્જુખાને સંખ્યાબદ્ધ નેતાઓને ફોન કરી ડીસીપી સુરોલિયાને પોતાની ભલામણ કરવા માટે વિનંતી કરી હતી, પણ હવે સમિકરણો અને રાજકિય માહોલ બદલાયો હતો. એક પણ નેતાએ ગજ્જુખાન માટે એક પણ ફોન કર્યો ન્હોતો. મુખ્યમંત્રી છબીલદાસ પોલીસની કોઈ કામગીરીમાં દખલ કરવા માગતા ન્હોતા.
રોજ રાત પડે એટલે દસ વાગ્યાના સુમારે એ. કે. સુરોલિયા ક્રાઈમ બ્રાન્ચ આવે. પોતાની ઓફિસમાં ફાઈલ લઈ બેસે એટલે એક પોલીસવાળો ગજ્જુખાનને લઈ સુરોલિયાની ચેમ્બરમાં આવે. એક ગુનેગારને જેમ ઉભડક પગે નીચે બેસાડે તેમ ગજ્જુખાનને ચેમ્બરના એક ખુણામાં બેસી જવાની સુચના આપે. એક સમય જે મુખ્યમંત્રીની ચેમ્બરમાં રોકટોક વગર જઈ શકતો હતો તે ગજ્જુખાન એક ડીસીપીની ચેમ્બરમાં ઉભડક પગે બેસતો હતો. સુરોલિયા તેની સાથે કોઈ વાત કરે નહીં એક પણ પ્રશ્ન પુછે નહીં. દરેક ફાઈલ પુરી થાય ત્યારે ગજ્જુને થાય કે હવે ડીસીપી તેને પ્રશ્ન પુછશે અથવા સર્વિસ (માર પડશે) કરશે, પણ તેવું કઈ થાય નહીં. ગજ્જુખાનનો જીવ તાળવે ચોટી રહે. ક્રાઈમ બ્રાન્ચ આવતા પહેલા ગજ્જુએ સાંભળ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચમાં ક્યા ક્યા પ્રકારની થર્ડ ડિગ્રી આપવામાં આવે છે. આવુ ચાર-પાંચ રાત ચાલ્યુ, રાતે સુવા ન મળે અને દિવસે ડરના માર્યા ઉંઘ આવે નહીં. એક રાતે રોજ પ્રમાણે ગજ્જુખાનને લઈ પોલીસવાળો સુરોલિયાની ચેમ્બરમાં દાખલ થયો. થોડીક ક્ષણો પસાર થઈ હશે ત્યારે ગજ્જુએ હિમંત કરી કહ્યુ સર આપ કહો તો મેં સબ બોલને કો તૈયાર હું. સુરોલિયાએ તેની સામે જોયું. તેમના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો. તેમણે પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ બંધ કરી અને ગજ્જુ સામે જોયું. તે બધુ બોલવા લાગ્યો, સુરોલિયા તેને સાંભળતા રહ્યાં. ગજ્જુ જે બોલી રહ્યો હતો તે બધુ સાચુ જ હતું, જે સુરોલિયા જાણતા હતા પણ તેમને ગજ્જુખાનના મોંઢે તે સાંભળવુ હતું.
સવાર સુધી ગજ્જુ પહેલાથી છેલ્લાં સુધી બધું કહેતો ગયો. સવારે સુરોલિયાએ ગજ્જુખાન સામે કેટલાક કાગળો મુક્યા. ગજ્જુ એટલો ડરેલો હતો કે તેણે કાગળમાં શું લખ્યુ છે તે વાંચ્યુ પણ નહીં અને તેની ઉપર સહી કરી દીધી. વાત દરિયાપુર સુધી પહોંચેલા સ્ફોટકો અને હથિયારોની હતી પણ દરિયાપુરમાંથી હથિયારો ક્યાં ગયા તે શોધવાનું હજી બાકી હતું.
Latif Series Part 30 : http://www.meranews.com/news-detail/Chimanbhai-demise-at-night-screaming-sounds-were-coming-from-crime-branch
No comments:
Post a Comment