પ્રશાંત દયાળ (ભાગ-32): મધ્યપ્રદેશના ઝરણીયા ગામના કુવામાં ઉતરેલા માણસોએ અચાનક સાહેબ કહીને પાડેલી બુમને કારણે કુવાની બહાર ઉભા રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ એક ક્ષણ માટે ધ્રુજી ગયા. રાતના અંધારા અને નિરવ શાંતિને કારણે સાહેબ નામની બુમ પણ ડરામણી લાગતી હતી. બુમ સાંભળતા તમામ અધિકારીઓએ પોતાના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ એકસાથે કૂવાની અંદર તરફ ફેંકયો અને જોતા જ તેઓ ચમકી ગયા. તેમણે જોયુ તો કુવાની અંદર જે માણસ હતો તેના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં એ. કે. 56 રાયફલ હતી. જો કે રાયફલ પ્લાસ્ટીક બેગમાં બાંધેલી હોવા છતાં બહારથી તેના આકાર ઉપરથી તે રાયફલ હોવાનો અંદાજ આવી જતો હતો. આ દ્રશ્ય જોઈ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓના ચહેરા ઉપર એકસો વોલ્ટના બલ્બ જેવો ચમકારો આવી ગયો. જો કે બીજી જ ક્ષણે તમામ અધિકારીઓએ કુવામાં ઉતરેલી વ્યક્તિને દબાતા અવાજે કહ્યુ બુમ પાડીશ નહીં. ત્યાર બાદ કુવાની અંદરથી એક પછી એક રાયફલ્સ દોરડા વડે બાંધી બહાર કાઢવામાં આવી રહી હતી, પણ કુવાના ભુર્ગભ જળ ખુબ ઉપર હતા જેના કારણે કલાક બે કલાકમાં પાણીનું સ્તર કૂવામાં વધી રહ્યુ હતું. હવે કુવાની અંદર કામ કરી રહેલી વ્યક્તિનાં કમર સુધી પાણી વધવા લાગ્યુ હતું એટલે આજ પુરતુ ઓપરેશન અટકાવી અંદર રહેલી વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવી કારણ હવે તેના જીવનું પણ જોખમ હતું. પહેલા દિવસે આઠ-નવ રાયફલ્સ નિકળી હતી. અત્યંત આધુનિક રાયફલ્સ લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉજ્જૈન આવવા રવાના થઈ કારણ ક્રાઈમ બ્રાન્ચનો ઉતારો ઉજ્જૈનની એક હોટલમાં હતો જો કે હોટલના સ્ટાફ અને વેઈટરને ખબર ન્હોતી કે આ બધા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ છે.
હોટલમાં ઉતરેલા પોલીસ અધિકારીઓ આખો દિવસ હોટલમાં સુઈ રહેતા હતા અને રાત પડે ઝરણીયા જતા હતાં. રોજ રાતે કૂવામાંથી પાણી ઉલેચી રાયફલ્સ બહાર કાઢતા અને વહેલી સવારે હોટલમાં પાછા આવી જતાં હતાં. આવું લગભગ એકાદ અઠવાડીયું ચાલ્યું હશે. હોટલના મેનેજર અને સ્ટાફને શંકા જવા લાગી હતી, કારણ આ મુસાફરો દિવસે હોટલમાં રહેતા અને રાતે નિકળી જતા હતાં અને વહેલી સવારે પાછા આવી જતાં હતાં. આ મુસાફરો કોણ છે અને શું કરી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો હવે ઉદભવી રહ્યા હતાં. એક દિવસ હોટલનો એક વેઈટર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની રૂમમા ચ્હા આપવા આવ્યો અને તે અંદર દ્રશ્ય જોઈ રીતસરનો ડરી ગયો હતો જો કે ત્યારે તો તેણે પોતાનો ડર બતાડ્યો નહીં પણ બહાર આવી તેણે મેનેજરને અંદર જે જોયુ તેની માહિતી આપી હતી. મેનેજર પણ ધ્રુજી ગયો તેણે તરત ફોનનું રિસિવર ઉપાડ્યું અને પોલીસને જાણકારી આપી કે તેમની હોટલમાં આતંકવાદી મોટા પ્રમાણમાં હથિયાર સાથે આવ્યા છે.
એક અઠવાડીયા દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝરણીયાના કુવામાંથી 30 કરતાં વધુ એ. કે. 56 રાયફલ્સ કાઢી હતી પણ લાંબો સમય સુધી તે પાણીમાં પડી રહી હોવાને કારણે કેટલીક રાયફલ્સને કાટ પણ લાગી ગયો હતો એટલે તે રાયફલ્સને પ્લાસ્ટીક બેગમાંથી બહાર કાઢી સાફ કરી તેમને બેડ ઉપર લાઈનસર ગોઠવી હતી. પણ આ જોઈ વેઈટરે માની લીધુ હતું કે આ બધા આતંકવાદી છે. હજી સવારના હોટલ ઉપર આવેલા અધિકારીઓ ફ્રેસ થવાની તૈયારીમાં હતા ત્યારે તેમના કાને મેગાફોન દ્વારા થઈ રહેલી જાહેરાતનો અવાજ સંભળાયો. આપ કો હમને ચારો તરફ સે ઘેર લીયા હૈ, હથિયાર છોડ દો ઔર બહાર આ જાઓ. અચાનક થઈ રહેલી જાહેરાત સાંભળી ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીઓ અર્ધ ખુલ્લીની બહાર જોયું તો તે ચોંકી ગયા. મધ્યપ્રદેશ પોલીસના હથિયાર સજ્જ જવાનોએ પોતાની રાયફલ હોટલ તરફ રાખી હોટલને ઘેરી લીધી હતી. તેમની આગેવાની કરી રહેલા પોલીસ અધિકારી મેગા ફોન દ્વારા ચેતવણી આપી રહ્યાં હતા. મામલો ગંભીર બની ગયો હતો. પહેલા તો ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ ખાનગી કપડામાં હતાં તે વાત કરવા અને પોતાની ઓળખ આપવા માટે પણ બહાર આવે અને ત્યારે મધ્યપ્રદેશ પોલીસ આતંકવાદી સમજી ગોળી ચલાવવા લાગે તો કંઈ પણ થઈ શકે. બીજી બાબત એવી હતી કે માની લો કે ધારીએ છીએ તેવુ કઈ પણ ના થાય તો જે હથિયારો પકડાયા તે લઈ જવામાં મધ્યપ્રદેશ પોલીસ અને અમદાવાદ પોલીસ વચ્ચે હદનો પ્રશ્ન ઉભો થાય અને મધ્યપ્રદેશ પોલીસ આખા ઓપરેશનની ક્રેડીટ પોતે લઈ જાય તેવી પણ સંભવાના હતી. બધા ડરી ગયા હતાં પણ ત્યારે યાદ આવ્યું કે એક ડીવાયએસપીની બેગમાં ગુજરાત પોલીસને યુનિફોર્મ છે, તેમણે યુનિફોર્મ પહેરી હોટલની બહાર નિકળવુ જોઈએ અને બીજી યોજના એવી નક્કી થઈ કે જ્યારે અમદાવાદ પોલીસના અધિકારી યુનિફોર્મ પહેરી બહાર નિકળે ત્યારે સબઈન્સપેકટર તરૂણ બારોટ તમામ રાયફલ્સ લઈ હોટલના પાછળના રસ્તેથી નિકળી અમદાવાદ જતા રહે. પાંચ-સાત મીનિટની માનસિક કસરત બાદ બધા તૈયાર થઈ ગયા.
એક ડી.વાય.એસ.પી. પોલીસ યુનિફોર્મ પહેરી હાથ ઉંચા રાખી બહાર નિકળ્યા. મધ્યપ્રદેશ પોલીસ પહેલા તો ચમકી ગઈ. તેમને તો આતંકવાદીની માહિતી હતી પણ આ વ્યક્તિ તો પોલીસ યુનિફોર્મમાં હતી, ડીવાયએસપી મધ્ય પ્રદેશ પોલીસને ખાતરી થાય તે માટે હાથ ઉંચા રાખી આગળ વધ્યા અને સલામત અંતરે ઉભા રહી તેમણે ઉજ્જૈન પોલીસના અધિકારીઓને પોતાની ઓળખ આપી હતી. તેમ છતાં ઉજ્જૈન પોલીસના એક જવાને તેમની ઝડતી લીધી અને તેમની પાસે કોઈ હથિયાર નથી તેની ખાતરી કરી લીધી. જો કે હજી ઉજ્જૈન પોલીસના મનમાં ઘણા પ્રશ્નો હતાં. તેઓ અમદાવાદ પોલીસના અધિકારીને વિવિધ પ્રશ્નો પુછી રહ્યા હતાં ત્યારે સમય જોઈ સબઈન્સપેક્ટર તરૂણ બારોટ અને તેમના માણસો ચુપચાપ પાછળના દરવાજે કૂવામાંથી કાઢેલી રાયફલ્સ લઈ વાહનમાં ગોઠવાઈ નિકળી ગયા હતા.
આ દરમિયાન ઉજ્જૈન પોલીસના કેટલાક અધિકારીઓ હોટલમાં દાખલ થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અમદાવાદ પોલીસ તો હોટલમાંથી નિકળી ગઈ છે. તેનો અર્થ તેમની પાસે ચોક્કસ કંઈક એવું હોવું જોઈએ જે તે છુપાવવા માગે છે. એટલે અમદાવાદ તરફ દોડી રહેલી તરૂણ બારોટની કારનો પીછો ઉજ્જૈન પોલીસે શરૂ કર્યો. આમ પોલીસની પાછળ પોલીસ પડી હોય તેવો આ પહેલો કિસ્સો હતો. જો કે અમદાવાદ પોલીસનો જે કોન્સટેબલ કાર ચલાવી રહ્યો હતો તે જીવ સટોસટ કાર ચલાવી દાહોદ થઈ ગુજરાતની હદમાં દાખલ થયો અને મધ્યપ્રદેશ પોલીસ ગુજરાતની સરહદે આવી રોકાઈ ગઈ.
No comments:
Post a Comment