Adv

G Adv

Monday, 27 February 2017

‘ગુજરાત પોલીસમાં તાકાત છે કે તે લતીફને દુનિયાનાં પાતાળમાંથી પણ શોધી કાઢશે’

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ: (ભાગ-33) સામાન્ય દારૂને બાટલી વેચનાર પહેલા બુટલેગર થયો અને પછી ગેંગસ્ટર થયો અને ક્યારે તે ત્રાસવાદનો હાથો બની ગયો તેની તેને પોતાને પણ ખબર રહી નહીં. ભારત છોડી  તે પાકિસ્તાનમાં સંતાયો હતો. જ્યાં તેના બીજા સાથી રસુલપાટી અને શરીફખાન પણ તેની સાથે હતાં પણ કોણ જાણે તેનો પાકિસ્તાનમાં કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો. તેને મનમાં ક્યાંકને ક્યાંક એવુ લાગી રહ્યું હતું કે જો તે પાકિસ્તાનમાં રહ્યો તો હવે તેના હાથે વધુ અનર્થો થશે. પોતાને ડૉન સમજતો લતીફ સમજી ગયો હતો કે તે તો કોઈના હાથ કઠપુતળી છે. તેનો દોર તો કોઈ બીજાના હાથમાં છે. એટલે તે પોતાના દેશ ભારત અને પોતાના શહેરમાં અમદાવાદ પાછો ફરવા ઉતાવળીયો થયો હતો. ગુજરાતની રાજકિય સ્થિતિ બદલાઈ હતી.  ચિમનભાઈ પટેલનાં મૃત્યુ પછી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતાં. લતીફે પાકિસ્તાનમાં બેસી ફરી કોઈના મારફતે તેમનો સંપર્ક કરી ભારત આવવાની તૈયારી દર્શાવી હતી. જો કે તેણે શરણે આવવાની જે શરતો મુકી હતી તે માનવાનો છબલીદાસ મહેતાએ ઈન્કાર કરી દીધો હતો. 

લતીફને ડર હતો કે જે તે ભારત આવી ગયો તો આઈપીએસ ઓફિસર  એ. કે. સુરોલીય, પી કે ઝા, સતીષ વર્મા, એ. કે. સિંગ અને આશીષ ભાટીયાને અડફેટે ચઢી ગયો તો તે તેને ગોળી મારી દેશે. તેથી તેની પહેલા શરત એવી હતી કે આ પાંચ પોલીસ અધિકારીઓ ક્યારેય તેની પૂછપરછ કરશે નહીં, તેમજ લતીફ સામે અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ગુનાઓ નોંધાયેલા હતાં. આ દરમિયાન તેને વિવિધ એજન્સીઓમાં માર પણ પડશે અને તેનું એન્કાઉન્ટર પણ થઈ જશે તેવો ડર હતો. તેથી તેની બીજી શરત એવી હતી કે તેના તમામ કેસ એક જ એજન્સીમાં ટ્રાન્સફર કરી કોઈ એક જ એજન્સી મારફતે તેની સામેની તપાસ કરવામાં આવે. સ્વભાવે શાંત અને સૌમ્ય ગણાતા મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ સ્પષ્ટ શબ્દોમાં આવી શરત માનવાનો ઈન્કાર કરતા કહ્યું, ગુજરાત પોલીસમાં તાકાત છે કે તે તને દુનિયાના પાતાળમાંથી પણ શોધી કાઢશે. 

કોંગ્રેસ સરકાર હવે LATIF અને તેની ગેંગ સામે આકરા પગલાં ભરી રહી હતી પણ જે કંઈ લતીફ સામે થઈ રહ્યું હતું તે તો બંધ બારણે હતું અને કેટલાંક ઉચ્ચ અધિકારીઓ અને કેટલાંક મંત્રીઓ જ જાણતા હતાં. પરંતુ પ્રજામાં તો ઉંડે સુધી તે વાત ઉતરી ગઈ હતી કે અમદાવાદમાં ગુજરાતમાં કોંગ્રેસના કારણે મુસ્લિમોનું તૃષ્ટીકરણ થયું અને હિન્દુઓને સહન કરવું પડ્યું હતું. બીજી તરફ પોલીસે તોફાન અટકાવવા માટે સાચા ખોટા જોયા વગર મુસ્લિમોને પણ જેલમાં નાખવાની શરૂઆત કરી હતી તેના કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ કોંગ્રેસથી નારાજ થઈ તેનાથી દુર જઈ રહ્યો હતો. જે વાતથી કોંગ્રેસી નેતાઓ સાવ અજાણ હતા. છબીલદાસ મહેતા સનીષ્ઠ રાજકારણી હોવા છતાં કોંગ્રેસના થઈ રહેલા પતનને અટકાવી શકવામાં નિષ્ફળ ગયા હતા. 

1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામે હતી. ભાજપ હવે પહેલી વખત એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યુ હતું, તેમની પાસે કોઈ નક્કર વિકાસની વાત તો ન્હોતી, પણ તેમની પાસે LATIF હતો. ફરી વખત વિધાનસભાની ચૂંટણીમાં નેતા અશોક ભટ્ટ સહિત ભાજપી નેતાઓ લતીફના સર્જન માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી રહ્યા હતાં. ગાળ લતીફને આપતા હતા પણ બોલ્યા વગરના શબ્દોમાં આખી મુસ્લિમ કોમને ગાળો આપવામાં આવી રહી હતી. હિન્દુઓ લતીફના નામે ભયભીત હતાં. તેમને લાગી રહ્યુ હતું કે આખી પરિસ્થિતિમાં તેમનો કોઈ તારણહાર હોય તો તે ભાજપ જ છે. ભાજપ તેમને લતીફ અને મુસ્લિમોના આતંકથી બચાવી શકે છે.  પહેલી વિધાનસભાની ચૂંટણી હતી જેમાં ભાજપે પ્રજાના જનમાનસમાં જે ઉતાર્યુ હતું તેનો લીટમેસ ટેસ્ટ હતો. 

કોંગ્રેસ એટલે મુસ્લિમોની પાર્ટી અને ભાજપ એટલે હિન્દુઓના તારણહાર આ ફોર્મ્યુલા કામ કરી ગઈ. વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ત્યારે એક પછી એક બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થવા લાગ્યા અને ભાજપનો 121 બેઠકોની જંગી બહુમતી સાથે વિજય થયો. હિન્દુ પ્રજા ખુબ ખુશ હતી, તેમને મન કોંગ્રેસની હાર કરતા તેઓ કોંગ્રેસની હારને મુસ્લિમોની હાર માની રહ્યા હતાં. જો કે હજી પ્રજાનું ધ્યાન હિન્દુ-મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ કરાવી શકનાર ભાજપના વોટર સાયન્ટિસ્ટ નરેન્દ્ર મોદી તરફ ગયુ ન્હોતું. માત્ર પાંચ વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદીએ રામજન્મભુમીનો મુદ્દો ચગાવી  અને લતીફ વિરોધી પ્રચાર કરી કોંગ્રસેના સુપડા સાફ કરી નાખ્યા હતાં. આ તેમનો પહેલો પ્રયોગ હતો જેમાં તેમને સફળતા મળી હતી. ભાજપની સરકાર આવી હોવાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ જેવા હિન્દુ સંગઠનો તાકાતવર બની ગયા હતા. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પક્ષના નેતા તરીકે કેશુભાઈ પટેલની પસંદગી થતાં ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલે સત્તાનું સુકાન સંભાળ્યુ હતું. 

લતીફને જાહેરમાં ગાળો આપતા અનેક નેતાઓ સાથે લતીફને વ્યક્તિગત સંબંધો હતાં. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થતાં ફરી પાકિસ્તાનમાં બેઠેલા લતીફને આશા જન્મી હતી અને તેમણે પોતાના ભાજપી મિત્રોની મદદ લઈ ફરી એક વખત શરણે આવવાની તૈયારી બતાડી હતી. ગામડામાં જ ઉછરેલા અને દેશી ગણાતા કેશુભાઈ પટેલનું શિક્ષણ ઓછુ હતું પણ સત્તાના ગણતરનું ભાથુ મોટુ હતું. તેમણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર લતીફની વાત લઈ આવેલા નેતાને કહી દીધુ આજે નહીં અને ક્યારેય નહીં લતીફ શરતો સાથે શરણે આવે તે વાત હરગીજ માન્ય નથી પોલીસ અને કાયદો પોતાનું કામ કરશે. લતીફ ફરી એક વખત નિરાશ થયો હતો. બીજી તરફ ભાજપને પહેલી વખત એકલા હાથે સત્તા સંભાળવાનો મોકો મળ્યો હતો. સત્તાનો તેમને અનુભવ ન્હોતો, સાથે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી થયા તેની સાથે અનેક નેતાઓ નારાજ હતાં. જેમાં શંકરસસિંહ વાઘેલા પણ એક હતા. જો કે આ મુદ્દે તેઓ જાહેરમાં કઈ બોલતા ન્હોતા, પણ અંદરથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ હતી. 

Latif Series Part 33 http://www.meranews.com/news-detail/Latif-series-CM-Chhabildas-mehta-said-Gujarat-police-would-caught-Lafit

No comments:

Post a Comment