પ્રશાંત દયાળ (ભાગ-34): કોઈ પણ ક્રિમિનલ પોલીસ અને પોલિટિશિયનની મદદ વગર મોટો થઈ શકતો નથી. પોલીસને પૈસાની લાલચ હોય અને પોલિટિશિયનને ક્રિમીનલમાં પોતાનો સ્વાર્થ દેખાતો હોય ત્યારે તેનો ભરપુર ઉપયોગ થાય છે. લતીફ તેનું ઉત્તમ ઉદાહરણ હતો. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની તે પહેલા ભાજપને અંદાજ આવી ગયો હતો કે તેમની સરકાર થવા જઈ રહી છે. તેના કારણે ભાજપનો મુખ્યમંત્રી કોણ હશે તેના પેતરા શરૂ થઈ ગયા હતાં. જ્યારે ગુજરાતમાં જનસંઘની કોઈ છીંકણી પણ સુંધતુ ન્હોતુ ત્યારે શંકરસિંહ બાપુ પોતાની રાજદૂત મોટરસાયકલ ઉપર ગામે ગામ ફરી જનસંઘ માટે કામ કરતા હતાં. તેવી જ રીતે કેશુભાઈ પણ અદ્દલ ગામડાનો દેશી માણસ હતાં, તેમને જોતા ગામડાના માણસને પોતાનો લાગવા માંડે, તેવો નેતા હતાં.
1980માં જયારે ભાજપની સ્થાપના થઈ ત્યારે ત્યારે સવાલ ઉભો થયો કે ભાજપનું પ્રદેશ કાર્યાલય ક્યાં હોઈ શકે? ત્યારે ભાજપ પાસે પૈસા પણ ન્હોતા. શંકરસિંહ અને કેશુભાઈએ વિચાર કર્યો કે શહેરની મધ્યમાં હોય તો સારૂ એટલે હાલમાં અમદાવાદમાં એલીસબ્રીજ પોલીસ સ્ટેશન છે તેની બરોબર બાજુમાં એક દુકાનમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય ભાડાની દુકાનમાં શરૂ કરવામાં આવ્યું. મહિને પંદરસો રૂપિયા ભાડુ હતું, પણ તે સમયમાં ભાજપના નેતાઓને દર મહિને પંદરસો રૂપિયા ક્યાંથી લાવવા તે પ્રશ્ન પણ સતાવતો હતો. માંડ માંડ છ મહિના ભાડાની દુકાનમાં કાર્યાલય ચલાવ્યુ પણ લાગ્યુ કે પંદર સો રૂપિયા પણ આપણે મહિને લાવી શકતા નથી એટલે ભાડાની દુકાન ખાલી કરી ખાડીયામાં તેના કરતા સસ્તા ભાડે જગ્યા મળતી હતી એટલે કાર્યાલય ત્યાં લઈ ગયા. આમ ભાજપને ગુજરાતમાં ઉભો કરવામાં કેશુભાઈ અને શંકરસિંહ મહત્વના બે સ્તંભ હતા. પરંતુ 1987માં પ્રચારકમાંથી ભાજપના મહામંત્રી થઈ આવેલા નરેન્દ્ર મોદીને બહુ જલદી સમજાઈ ગયું હતું કે ભાજપમાં મહત્વકાંક્ષી અને પોતાનો મુકાબલો કરી શકે તેવો કોઈ નેતા હોય તો શંકરસિંહ વાઘેલા છે અને શંકરસિંહ બાપુને પણ સમજાઈ ગયુ હતું કે ભાજપમાં એક હરિફાઈ અને હાઈટેક પ્રચારકની એન્ટ્રી થઈ છે. બંન્નેના અહમ અને તાકાત વાંર-વાંર ટકરાતી હતી.
નરેન્દ્ર મોદીને ખબર હતી કે જો ભાજપને સત્તા મળી અને શંકરસિંહ મુખ્યમંત્રી થયા તો આપણી પિપુડી વાગશે નહીં અને આપણી દુકાન બંધ કરી ફરી પાછા હેડગેવાર ભવન જવુ પડશે. ભાજપમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીને પણ એશોઆરામની ટેવ પડી ગઈ હતી. શંકરસિંહે સત્તા મળે તો પોતે જ મુખ્યમંત્રી થશે તેવુ માની તૈયારી શરૂ કરી હતી પણ નરેન્દ્ર મોદી એક ચાલ રમ્યા. તેમણે ભાજપ હાઈકમાન્ડને મનાવી લીધુ અને એવુ નક્કી થયુ કે જે સંસદ સભ્ય હશે તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં અને મુખ્યમંત્રી પણ ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ નક્કી થશે. શંકરસિંહ ત્યારે સંસદ સભ્ય હતાં. તેના કારણે પહેલા જ ઝાટકે બાપુની ઈચ્છાઓ ઉપર મોદીએ પાણી ફેરવી નાખતા બાપુ વિધાનસભ્ય પણ થઈ શકે નહીં તેવી સ્થિતિ નિર્માણ થઈ.
બાપુ પણ ખેલાડી હતાં. તેમણે પણ એક રમત શરૂ કરી, તેમની યોજના લાંબી હતી. સંસદીય બોર્ડમાં ઉમેદવાર નક્કી કરવાની તૈયારી ચાલતી હતી ત્યારે બાપુ થોડા થોડા સમયે ઉભા થઈ બહાર જતા અને જેમને ટિકિટ આપવાનું નક્કી થયુ છે તેમને જઈ ફોન કરી કહેતા કે નરેન્દ્ર તારી ટિકિટ કાપવાનું કહેતો હતો, પણ મેં તારા જ નામનો આગ્રહ રાખ્યો હતો, તારી ટિકિટ ફાઈનલ છે ચિંતા કરતો નહીં. ત્યાર બાદ બાપુનો માણસ પેલા ઉમેદવારને ત્યાં જઈ જરૂરી આર્થિક મદદ પણ કરી આવતો હતો.આમ બાપુએ 60 કરતા વધુ ઉમેદવારને ચૂંટણી લડતા પહેલા પોતાની તરફ કરી લીધા હતાં.
ચૂંટણી થઈ અને સત્તા મળી, કેશુભાઈ મુખ્યમંત્રી હતા, પણ સત્તાનું સુકાન તો નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડીયા પાસે હતું. આઈએએસ અધિકારીઓ સાથે મોદી અને આઈપીએસ સાથે તોગડીયા જ તમામ વાત કરતા હતા. ભાજપના ધારાસભ્યો જ્યારે કોઈ કામ અર્થે જતા ત્યારે નરેન્દ્ર મોદી આવા કામ લઈ આવવા નહીં તેમ કહી કાઢી મુકતા હતા. આ સ્થિતિ બાપુની તરફ સરકી રહી હતી. કેશુભાઈ સરકાર સામે તીવ્ર રોષ અંદરથી વધી રહ્યો હતો, જેને બાપુ પવન ફૂંકી રહ્યા હતા. ત્યારે કેશુભાઈ પટેલનો અમેરીકા પ્રવાસ નક્કી થયો. અમેરીકામાં રહેતા ગુજરાતીઓ અને ભાજપીઓ ખુશ હતા. તેમનું આમંત્રણ હતું કે કેશુભાઈ અમેરીકા આવે અને કેશુભાઈ કાર્યકારી મુખ્યમંત્રીનો હવાલો અશોક ભટ્ટને સોંપી અમેરીકાના પ્રવાસે ગયા હતા. બાપુએ મોકો જોઈ બળવો પોકાર્યો અને ભાજપના 48 ધારાસભ્યોને પહેલા પોતાના ગાંધીનગર પાસેના ગામ વાસણીયા લઈ ગયા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીધા મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા. તેમની માગણી હતી કે કેશુભાઈ પટેલને હટાવવામાં આવે.
આટલા વર્ષો બાદ ભાજપને સત્તા મળી હતી અને શિસ્તબધ્ધ ગણાતી ભાજપની આબરૂના લીરા ઉડી ગયા હતાં. 1996માં હજી ભાજપ સરકારને માંડ છ મહિના જ થયા હતા. પણ ભાજપમાં આતંરિક બળવો થતાં કેશુભાઈને પોતાનો પ્રવાસ ટૂંકાવી ભારત પાછા ફરવાની સુચના આપવામાં આવી, પણ ભાજપને ગયેલી આબરૂને કેવી રીતે બચાવી શકાય તેવો મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે કરાંચીમાં બેઠેલા અબ્દુલ લતીફને ભાજપના એક નેતાનો ફોન આવ્યો અને તેમની વચ્ચે શુ નક્કી થયુ તેની કોઈને ખબર નથી. પણ ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને જાણકારી મળી કે લતીફ દિલ્હીના ચાંદનીચોક વિસ્તારમાં આવ્યો છે અને એક ચોક્કસ નંબર ઉપરથી પોતાના ઘરે ફોન કરે છે. ત્યારે ગુજરાત પોલીસ પાસે ફોન ટેપીગના એટલા સારા સાધનો પણ ન્હોતો એટલે પોલીસ અધિકારીઓ પોતે ટેલીફોન એક્સચેન્જમાં બેસી નક્કી કરેલા ફોનને હેડ ફોન લગાડી સાંભળતા હતા. ગુજરાત એટીએસના વડા તરીકે આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા હતાં. તેમણે ડીવાયએસપી એ. કે. જાડેજાને લતીફના ફોન સાંભળવાની જવાબદારી સોંપી હતી.
Latif Series Part 34 - http://www.meranews.com/news-detail/Latif-series-Narendra-Modi-Shankar-Singh-Vaghela-were-out-to-finish-each-other
No comments:
Post a Comment