પ્રશાંત દયાળ (ભાગ-22): પોલીસ કંટ્રોલ રૂમની સુચના મળતા અમદાવાદ પોલીસના તમામ વાહનો દરિયાપુર તરફ દોડવા લાગ્યા પણ કંટ્રોલ રૂમને મેસેજ આપવાને અડધો કલાક પસાર થઈ ગયો હોવા છતાં કોઈ મદદ પોપટીવાડ સુધી પહોંચી નહીં. ત્યાં ખાનભાઈઓને પકડી ઉભી રહેલા જોહરી અને જાડેજા માટે એક એક મીનિટ ભારે પડી રહી હતી. ત્યારે મદદ આવવામાં કેમ મોડુ થઈ રહ્યું હતું તેની ખબર પડતી ન્હોતી. અમદાવાદ શહેરમાં કુલ 18 પોલીસ સ્ટેશન હતાં. કંટ્રોલરૂમના સંદેશા પ્રમાણે અમદાવાદના તમામ પોલીસ ઈન્સપેક્ટર્સ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દરિયાપુર સુધી તો આવ્યા હતાં, પણ તમામ વાહનો દરિયાપુરના મુખ્ય રસ્તા ઉપર આવેલી તંબુ ચોકી પાસે ઉભા રહી ગયા હતાં. તેઓ કંટ્રોલ રૂમને વળતો સંદેશો આપતા હતા કે તેઓ દરિયાપુર પહોંચી ગયા છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ, વાહનો અને હથિયારો હોવા છતાં કોઈ પોલીસ ઈન્સપેક્ટર પોપટીયાવાડ તરફ જવાની હિમંત કરતા ન્હોતા. માત્ર અડધો કિલોમીટરના અંતરે ઉભા હતાં.
બીજી તરફ ડીવાયએસપી જાડેજા કંટ્રોલ રૂમને સતત ફોન કરી ફોર્સ મોકલી આપો તેવો આદેશ અને વિનંતી કરી રહ્યા હતાં. કારણ હવે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો. કંટ્રોલ રૂમના અધિકારીઓ સ્થિતિને સમજી શકતા ન્હોતા. કારણ તેમણે શહેરના તમામ પોલીસ ઈન્સપેક્ટર્સને દરિયાપુર રવાના કર્યા હતાં. ઈન્સપેકટર્સ પણ દરિયાપુરમાં હાજર હોવાનો વાયરલેસ મેસેજ આપતા હતાં તો પછી જાડેજા કેમ એવુ કહી રહ્યા હતા કે ફોર્સ હજી આવ્યો નથી. તેના કારણે કંટ્રોલરૂમ પણ સતત તમામ પોલીસ વ્હીકલને વાંરવાંર પોપટીયાવાડની અંદર જવાની સુચના આપી રહ્યો હતો. વાયરલેસ સેટ ઉપર ધમાસાણ ચાલી રહ્યુ હતું. ડીસીપી એ. કે. સુરોલીયા કોઈ કામ માટે ઓફિસની બહાર નિકળ્યા અને પોતાની જીપ્સી કારમાં ગોઠવાયા તે જ વખતે તેમણે કંટ્રોલરૂમ દ્વારા પોલીસ ઈન્સપેક્ટર્સને આપવામાં આવે રહેલી સુચના પોતાની જીપ્સીના વાયરલેસ સેટ ઉપર સાંભળી. તેમને આ પ્રકારનો સંદેશો સાંભળી આશ્ચર્ય થયું. તેમણે જીપ્સીમાં રેડિયો ઓપરેટર સામે જોયુ. તેણે જવાબ આપ્યો, સર કંટ્રોલરૂમ રીપીટ મેસેજ આપી રહ્યું છે અને ઈન્સપેકટર્સને પોપટીયાવાડ જવાની સુચના આપે. જોહરી મેડમ ત્યાં ઘેરાઈ ગયા છે.
એ. કે. સુરોલીયાને આખી સ્થિતિ સમજી જવામાં વખત લાગ્યો નહીં. એક તરફ તેમની પોતાની નમાલી પોલીસ ઉપર ગુસ્સો પણ આવ્યો. બીજી તરફ પોતાની જીવની બાજી લગાડનાર ત્રણ સાથી પોલીસ અધિકારીઓને મદદ માટે પહોંચી જવુ જોઈએ તેવું તેમણે નક્કી કરી લીધું. તેમણે જીપ્સીના ડ્રાઈવરને વિલંબ કર્યા વગર કહ્યું પોપટીયાવાડ લઈ જાવ અને તેમની જીપ્સી લતીફના ઘર તરફ દોડવા લાગી. પોપટીયાવાડ જવા માટે રસ્તામાં તંબુ ચોકી આવે. સુરોલીયાની જીપ્સી તંબુ ચોકી પાસેથી પોપટીયાવાડ જવા નિકળી ત્યારે તેમણે જોયું કે પોલીસ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે બહાર હાજર હોવા છતાં અંદર જવાની હિમંત કરતા નથી, પણ આ સમય કોઈને કંઈ કહેવાનો ન્હોતો. સુરોલીયા કંઈ પણ કહેવા રોકાયા વગર પોપટીયાવાડ તરફ ઘસી ગયા. ત્યારે અંદરથી ચીચીયારીઓ અને બુમો સંભળાઈ રહી હતી.
સુરોલીયાની જીપ્સીમાં પણ એક રેડિયો ઓપરેટર અને એક ગન મેન સિવાય કોઈ ન્હોતું. છતાં તેમણે પણ હિમંત કરી હતી. દુરથી ગલીમાં પોલીસ જીપ્સી આવતી જોઈ જોહરીના જીવમાં જીવ આવ્યો આખરે મદદ તો આવી ખરી પણ માત્ર સુરોલીયા એકલા હતાં. જીપ્સીના ડ્રાઈવરે ટોળાને ડરાવવા માટે સ્પીડ વધારી અને ટોળુ થોડીક ક્ષણ માટે એક તરફ થઈ ગયું. જેવી જીપ્સી જોહરી પાસે ઉભી રહી હતી સુરોલીયાએ ઝડપથી બેસી જવાની સુચના આપતા પાછળની સીટમાં જોહરી, જાડેજા અને પટેલ ખાન બંધુઓના લમણે રીવોલ્વર મુકી બેસી ગયાં. ફરી ડ્રાઈવરે એક્સિલરેટર દબાવ્યું. લતીફના માણસોને લાગ્યુ કે તેમનું નાક કપાયું, લતીફના ઘરે આવી પોલીસ કોઈને કેવી રીતે પકડી જાય. જીપ્સી હજી ગતી પકડે તે પહેલા ઉપરના માળેથી એક હેન્ડગ્રેનેડ જીપ્સી ઉપર ઝીંકાયો. જો કે સદનસીબે તે ગ્રેનેડ જીપ્સીના પાછળના દરવાજે લાગેલા સ્પેયર વ્હીલ ઉપર પડ્યો અને ડ્રાઈવરે દરિયાપુર તરફ બહાર નિકળવાને બદલે જીપ્સી કાલુપુર તરફના રસ્તા મારી મુકી હતી. આ અમદાવાદ પોલીસનું પોપટીયાવાડમાં થયેલુ પહેલું ઓપરેશન હતું અને તે પણ મહિલા આઈપીએસ ઓફિસર ગીથા જોહરી દ્વારા પાર પાડવામાં આવ્યુ હતું. જોહરીની ટીમનું કામ કાબીલે તારીફ હતું. તેમ જ ડીસીપી એ. કે. સુરોલીયાએ પણ પોતાના સાથીઓને હિમંતપુર્વક મદદ કરી હતી. લતીફના ગઢમાં જઈ તેમાં ગાબડું પાડવાની આ અમદાવાદ પોલીસની પહેલી શરૂઆત હતી.
LATIF ભાગી છુટવામાં સફળ રહ્યો હતો પણ તેનો શાર્પશુટર શરીફ અને તેનો ભાઈ જાવેદ પકડાઈ ગયા તે મોટી સફળતા હતી. દરિયાપુરમાંથી નિકળી શરીફખાનને સીધો શાહીબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો કારણ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેને રાખવામાં જોખમ હતું. પોતાની બંદુક અને નિશાનામાં માહિર શરીફખાને ઘણાના જીવ લીધા અને ઘણાને ડરાવ્યા હતાં. પરંતુ આજે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક લેડી ‘સિંઘમ’ પોલીસ અધિકારી ગીથા જોહરી તેની સામે ખુરશી નાખી તેનું ઈટ્રોગેશન કરી રહ્યા હતાં અને શરીફખાનને દિવસે તારા દેખાવા લાગ્યા હતાં.
Latif Series Part 22 - http://www.meranews.com/news-detail/DCP-Suroliya-Gypsy-came-out-of-Popatiyavad-and-a-bomb-thrown
No comments:
Post a Comment