પ્રશાંત દયાળ (ભાગ-21): ગીથા જોહરીને માહિતી મળી અને તેઓ પોતાની સાથેના બે અધિકારીઓ સાથે પોપટીયાવાડ લતીફના ઘર સુધી પહોંચ્યા ત્યાં સુધી અડધો કલાક થઈ ગયો હતો. જોહરીના મનમાં ચિંતા હતી કે ક્યાંક લતીફ અને તેના સાગરીતો ત્યાંથી નિકળી ન જાય. રિક્ષા બરાબર લતીફના ઘરની સામે તરફ ઉભી રહી. જોહરીએ રિક્ષામાંથી લતીફના ઘર તરફ જોયુ તો શરીફખાન, તેનો ભાઈ જાવેદ અને બીજા ગેંગસ્ટર બહાર ખુરશી નાખી બેઠા હતાં. પોળ જેવા સાંકડા રસ્તા ઉપર રિક્ષા આવી ઉભી રહે તો સ્વભાવીક રીતે કોઈનું પણ ધ્યાન રિક્ષા તરફ જવાની પુરી સંભાવના હતી. છતાં હજી લતીફ ગેંગના કોઈ માણસનું ધ્યાન રિક્ષા તરફ ગયુ ન્હોતુ, જોહરીએ ડી.વાય.એસ.પી. જાડેજા સામે જોયુ, તેઓ સમજી ગયા કે શિકાર તેમના હાથવેંત છે, પણ પોતાના ઉપર નિયંત્રણ રાખી શાંતિથી કામ પાર પાડવાનું હતું.
રિક્ષાવાળાને પૈસા ચુકવી જાણે સામાન્ય મુસાફર હોય તેમ ત્રણ પોલીસ અધિકારીઓ લતીફના ઘર તરફ આગળ વધ્યા. જોહરી એકદમ શરીફખાન પાસે પહોંચી ગયા, ત્યારે ત્યાં અચાનક કોઈ મહિલાને જોઈ બધાએ જોહરી સામે જોયુ, અને કોઈકે બુમ પાડી અરે પુલીસ આ ગઈ, શરીફખાન ઉભો થઈ ભાગવા જાય તે પહેલા જોહરીએ કમરમાં ખોંસી રાખેલી રિવોલ્વર બહાર કાઢી ચિત્તાની ઝડપે શરીફ ખાનની કોલર પકડી રિવોલ્વર શરીફ ખાનનાં માથ ઉપર મુકતા કહ્યુ “ભાગને કિ કોશિશ કી તો ગોલી માર દુંગી.
આ જ વખતે પી.એસ.આઈ. પટેલે પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી શરીફખાનના ભાઈ જાવેદના લમણે મુકી તેને પકડી લીધો. માત્ર ત્રણ જ પોલીસ અધિકારીઓ હતા અને લતીફ ગેંગના માણસો વધુ હતું, એટલે બાકીના ગેંગસ્ટર ભાગવામાં સફળ રહ્યાં હતાં.
જોહરી હવે એકદમ પોલીસ અધિકારીના રોલમાં આવી ગયા હતાં. અચાનક થયેલી દોડધામ અને પુલીસ આઈ પુલીસ આઈની બુમો વચ્ચે જોહરીએ બુમ પાડી જાડેજાને કહ્યુ જાડેજા ઘર ચેક કરો. કારણ ત્યારે લતીફ ત્યાં ન્હોતો, જાડેજાએ પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી અને એકદમ ઝડપે તેઓ પણ લતીફના ઘરમાં દાખલ થયા. આ જ સુધી કોઈ પોલીસ અધિકારીઓ લતીફના ઘરમાં ધુસવાની હિમંત કરી ન્હોતી પણ ડી.વાય.એસ.પી. એ. કે. જાડેજા કાબેલ પોલીસ અધિકારી હતા, તેઓ ગુજરાત પોલીસમાં સબઈન્સપેક્ટર તરીકે જોડાયા હતાં પણ ત્યાર બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા આપી ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. થયા હતાં. જેના કારણે તેમનો સબઈન્સપેક્ટર તરીકેનો અનુભવ પણ તેમને કામે આવ્યો હતો.
લતીફના ઘરમાં રહેલી સ્ત્રીઓ અને પુરૂષોએ જાડેજાને ઘરમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ જાડેજા પણ હવે અદ્દલ પોલીસ અધિકારી થઈ ગયા હતાં. તેમણે તમામને એક તરફ હડસેલી ઘરમાં પ્રવેશ લઈ લીધો. લતીફ ઘરમાં જ હતો, તે પહેલા બહાર જ શરીફ સાથે બેઠેલો હતો પણ કોઈ કામસર તે ઘરમાં દાખલ થયો અને જોહરી પોતાની ટીમ સાથે ત્યાં પહોચ્યા હતાં. ઘરની બહાર પોલીસના નામે થયેલો કોલાહલ અને ઘરના સભ્યોએ પોલીસને રોકવા માટે કરેલા પ્રયત્ન દરમિયાન લતીફને ઘરના ઉપરના માળે જતાં રહેવાનો સમય મળ્યો, પણ જાડેજા તેને ઉપરની તરફ જતા જોઈ ગયા હતાં. તે પણ એકદમ ઝડપે જમણા હાથમાં રિવોલ્વર સાથે ઉપરના માળ તરફ ભાગ્યા, પણ જન્મ દરિયાપુરમાં જ થયો હોવાને કારણે લતીફને પોળના એક ધાબા ઉપરથી બીજા ધાબે અને એક પતરા ઉપરથી બીજા પતરા ઉપર કેમ નાસી જવાય તેની બાળપણથી ખબર હતી. લતીફને હવે પાછળ મોત દેખાઈ ગયુ હતું. પોતાને ડૉન સમજતો લતીફ પાછળ સિંહ પડ્યો હોય અને હરણ ભાગતું હોય તે રીતે ભાગી રહ્યો હતો. જો કે ત્યારે તેને નસીબે યારી આપી અને તે જાડેજાને થાપ આપી ભાગી છુટવામાં સફળ રહ્યો.
લતીફ તો ભાગી ગયો પણ જાડેજાને ચિંતા નીચે ઉભા રહેલા ડી.સી.પી. જોહરી અને પી.એસ.આઈ. પટેલની હતી. તેઓ બંન્ને એકલા જ હતાં., જાડેજા નીચેના માળે પરત ફરી રહ્યાં હતા ત્યારે લતીફના ઘરના લેન્ડ લાઈન ફોનની રીંગ વાગી. એક ક્ષણના વિચાર પછી જાડેજાએ તરત ફોન ઉપાડી લીધો ત્યારે સામે છેડેથી કોઈએ પુછ્યું પુલીસ આ ગઈ. જાડેજાએ પુછયુ કોન બોલ રહા હે, એટલે ફોન કરનાર સમજી ગયો કે કંઈક ગરબડ છે, એટલે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. જાડેજા ફોન મુકી દોડતા નીચે તરફ આવી ઘરની બહાર આવ્યા ત્યારે માહોલ બદલાઈ ગયો હતો. જોહરી અને પટેલ શરીફ-જાવેદને માથે રિવોલ્વરના તાકીને ઉભા હતાં. જ્યારે તેમને ટોળાએ ઘેરી લીધુ હતું, ટોળુ બંન્નેને છોડી મુકોની બુમો પાડી પથ્થર મારો કરી રહ્યુ હતું. જોહરી વારંવાર પોતાની જાતને પથ્થર મારાથી બચાવવાના પ્રયત્ન સાથે ટોળાને ગોળીબાર કરવાની ચેતવણી આપી રહ્યા હતાં. પરંતુ લતીફના ઘરે પોલીસ આવી છે તેવા સમાચાર પ્રસરતા ટોળે ટોળા લતીફના ઘર તરફ તેની મદદે આવી રહ્યાં હતાં.
જોહરી સમજી ગયા કે હવે શરીફ અને જાવેદને અહિંયાથી લઈ નિકળી જવું જોઈએ પણ તેમની પાસે વાહન અને માણસો જ ન્હોતા. બહાર નિકળવા પોલીસ ફોર્સની જરૂર હતી. પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. ટોળુ કોઈ પણ રીતો ખાનભાઈઓને છોડવવાનાં મુડમાં હતું. જોહરીએ બુમ પાડી કહ્યુ જાડેજા ફોર્સ મંગાવો. વાયરલેસ તો સાથે હતો નહીં. જાડેજા લતીફના ઘરમાં ફોન કરવા પાછા આવ્યા પણ થોડીવાર પહેલા જેણે ફોન કર્યો હતો તેણે સામે છેડેથી ફોન કટ કર્યો ન્હોતો, માટે આ ફોન પણ એગેંજ થઈ ગયો હતો. જાડેજાએ તેને બહુ ધમકાવ્યો ત્યારે તેણે પોતાનું રિસિવર નીચે મુક્યું હતું. અંતે લતીફના ઘરમાંથી જાડેજા પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરવામાં સફળ થયા અને તેમણે કંટ્રોલરૂમને તાત્કાલિક પોલીસ ફોર્સ દરિયાપુર પોપટીયાવાડ મોકલી આપવાની સુચના આપી હતી. જોહરી સાથે નિકળેલી બંન્ને રિક્ષાઓ તેના નિયત પોઈન્ટ ઉપર પોપટીયાવાડ તરફ આવતા રસ્તા ઉપર ગોઠવાઈ ગઈ હતી, પણ તેમને તો ખબર જ ન્હોતી કે તેમના અધિકારીઓ અંદર ઘેરાઈ ગયા છે.
પોલીસ કંટ્રોલરૂમને જાડેજાનો ફોન આવતા થોડીવારમાં પોલીસના તમામ વાયલેસ સેટ ગુંજી ઉઠ્યા હતાં અને તમામ પોલીસના વાહનો અને પોલીસ ઈન્સપેક્ટર્સને પોપટીયાવાડ પહોચી જવાની સુચના કંટ્રોલરૂમ તરફથી મળી હતી. હજી જોહરી, જાડેજા અને પટેલ જીવ દાવ ઉપર લગાડી ટોળાનો સામનો કરી રહ્યાં હતાં.
Latif Series Part 21 - http://www.meranews.com/news-detail/DCP-Geetha-Johri-set-her-revolver-on-the-head-of-Sharif-Khan-saying-Do-not-try-to-run-away
No comments:
Post a Comment