પ્રશાંત દયાળ (ભાગ-23): પોપટીયાવાડમાં પોલીસે ઘુસી લતીફને પકડવાની હિમંત કરી પછી લતીફ રીતસરનો ફફડી ગયો હતો. તેને સામે મોત દેખાઈ રહ્યું હતું. ગુજરાતમાં ઝડપથી રાજકિય સ્થિતિ બદલાઇ રહી હતી. રાધીકા જીમખાના હત્યાકાંડ અને ત્યાર બાદ સાંસદ રઉફવલીઉલ્લાહની હત્યાને કારણે ચીમનભાઈ પટેલ સરકાર ચારે તરફથી ભીંસમાં મુકાઈ ગઈ હતી. આ સ્થિતિમાં હવે જાહેરમાં લતીફને મદદ કરવાની કોઈની હિમંત ન્હોતી. પોલીસ અધિકારીઓને ગૃહમંત્રી સી. ડી. પટેલનું પીઠબળ મળતા હવે તેઓ પણ લતીફના સામ્રાજ્યને ખતમ કરવાના મુડમાં હતા. લતીફ સમજી ગયો હતો કે ભારત તેના માટે સલામત નથી કારણ કે જે નેતાઓ લતીફની આગળ પાછળ ફરતાં હતાં તે જ નેતાઓ હવે લતીફનો ફોન લેવા માટે તૈયાર ન્હોતા. શરીફખાન પકડાયો ત્યાર બાદ ફરાર થયેલો લતીફ પહેલા નેપાળ અને ત્યાર બાદ પાકિસ્તાન જતો રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
સિનિયર અને પ્રમાણિક પોલીસ અધિકારીઓને ખબર હતી કે આ સમયે જો તેઓ અસરકારક કામગીરી નહીં કરે તો લતીફને ફરી ઉભો થતાં વાર લાગશે નહીં. તેને જડમુળમાંથી ખતમ કરી નાખવો જોઈએ તેના માટે લતીફ પકડાવવો જરૂરી હતો. લતીફ ભારતની બહાર હોય તે સંજોગોમાં તેમની કામગીરી મુશ્કેલ હતી. પરંતુ કેટલાંક આઈપીએસ અધિકારીઓએ લતીફના ઈસ્યુને વ્યક્તિગત ઈસ્યુ બનાવી દીધો હતો. તેમને જાણકારી મળી હતી કે લતીફ નેપાળમાં છે. આ સંજોગોમાં ભારતની બહાર જવા માટે અનેક નિયમનો તેમને સામનો કરવાનો હતો. પહેલા રાજ્ય સરકાર અને બાદમાં કેન્દ્ર સરકારની મંજુરી લેવાની હતી. બંન્ને સરકારો ત્યારે જ મંજુરી આપે કે જ્યારે કાગળ ઉપર ભારત બહાર જવાના પુરતા કારણો હોય. બીજુ ભય સ્થાન એવુ પણ હતું કે લતીફને ભલે કોઈ જાહેરમાં મદદ કરતા ન્હોતા પણ હજી ખાનગીમાં તેની સાથે સંપર્ક રાખનારાઓ સરકારમાં બેઠા હતાં. તેથી કાગળ ઉપર વાત લેવામાં આવે તો લતીફ સુધી તેની જાણકારી જતી રહેવાની પુરી શક્યતા રહેલી હતી.
એવુ કહેવાય છે કે ગુજરાતના બે આઈપીએસ અધિકારીઓને જાણકારી મળી કે લતીફ નેપાળમાં એક ચોક્કસ સ્થળે આશ્રય લઈ રહ્યો છે. આ માહિતીને અંગે આ બંન્ને અધિકારીઓએ પોતાના સિનિયરને પણ જાણ કરી નહીં અને બંન્ને અલગ અલગ દિવસે વિવિધ કારણ આપી રજા ઉપર જતાં રહ્યાં હતાં. જો કે રજા તેમનું બહાનું હતું. ખરેખર આ બંન્ને આઈપીએસ અધિકારીઓ રજા લઈ સીધા નેપાળ પહોંચી ગયા હતાં, પણ આ પોલીસ અધિકારીઓની બદનસીબ અને લતીફનું નસીબ કામ કરી ગયું. કોઈક કારણસર લતીફ તેમનાથી બચી નિકળી ગયો. જો કે લતીફ પહેલા કરતાં પણ વધુ ડરી ગયો હતો. કારણ તે નેપાળ છે તે માહિતી પણ આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી અન તેઓ નેપાળ સુધી આવી ગયા હતાં. હવે લતીફન નેપાળ પણ સલામત લાગ્યુ નહીં અને ત્યાંથી તેણે સીધો પાકિસ્તાનનો રસ્તો પકડી લીધો જ્યાં તેનો ગોડ ફાધર દાઉદ ઈબ્રાહીમ હતો.
જો કે ચીમનભાઈ પટેલ વહિવટ અને માહિતી રાખવામાં હોશીયાર હતાં. દિવાળી પછી આઈપીએસ અધિકારીઓની શુભેચ્છા મીટિંગમાં તેમણે ડીજીપીને સંબોધી કહ્યુ હતું તમારા આઈપીએસ અધિકારીઓને ગુજરાતનો નકશો બતાડી, ગુજરાતની હદ કેટલી છે તેની જાણકારી આપો. તેમને ઈશારો રજા ઉપર ઉતરી લતીફ માટે નેપાળ જઈ આવનાર આ બંન્ને આઈપીએસ અધિકારી તરફ હતો અને બંન્ને અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર હતાં. જો કે તેમના ચહેરા ઉપરનો ભાવ જાણે તેઓ કંઈ જાણતા જ નથી તેવો હતો.
પાકિસ્તાન પહોંચી ગયેલા લતીફને કોઈ અજાણ્યો ડર લાગી રહ્યો હતો. તેને લાગી રહ્યુ હતું કે તેણે પાકિસ્તાન આવી કોઈ ભુલ કરી છે. તેની અને દાઉદ વચ્ચે ખાસ્સુ અંતર હતું. દાઉદે આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ સાથે હાથ મીલાવ્યો હતો પણ લતીફના મનમાં આ પ્રકારની કોઈ કલ્પના ન્હોતી. તેને થઈ રહ્યં હતું કે જો તે પાકિસ્તાન રહેશે તો હજી ઘણા ખોટા કામ તેના હાથે દાઉદ કરાવશે. તેને ભારત પાછા આવવુ હતું પણ તેને પાંચ આઈપીએસ અધિકારીનો ડર લાગી રહ્યો હતો. જેમાં એ. કે. સુરોલીયા, એ. કે. સિંગ, આશીષ ભાટીયા, પી. કે. ઝા અને સતીષ વર્માનો સમાવેશ થતો હતો. કોઈએ લતીફને કહ્યુ હતું આ પાંચ આઈપીએસ અધિકારીઓએ નક્કી કર્યુ છે કે તેઓ તેને ગોળી મારશે.
લતીફ ભારત આવી શરણાગતી સ્વીકારવા તૈયાર હતો. એટલે તેણે પોતાના વચેટીયા દ્વારા ચીમનભાઈ પટેલ સામે શરત મુકી કે તે ભારત આવશે પણ આ પાંચ અધિકારીઓ ક્યારેય તેની પૂછપરછ શુદ્ધા કરશે નહીં અને તેની સામેના તમામ પોલીસ કેસ કોઈ એક જ એજન્સીને સોંપી દેવામાં આવશે.પણ લતીફથી દાઝેલા ચીમનભાઈ પટેલ હવે પોતાનું રાજકિય જીવન દાવ ઉપર લગાડવા તૈયાર ન્હોતાં. બીજી સમસ્યા એવી પણ હતી કે ગૃહમંત્રી તો સી. ડી. પટેલ હતાં અને તે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની વાત માનશે જ તેવી કોઈ ખાતરી ન્હોતી. તેથી લતીફની શરણે આવવાની શરતો ફગાવી દેવામાં આવી. કદાચ હવે લતીફ તેમની માટે ઉપયોગ કરી લીધા બાદ પેપર નેપકીનની જેમ ડસ્ટબીનમાં ફેંકી દેવાને લાયક થઈ ગયો હતો.
Latif Series Part 23- http://www.meranews.com/news-detail/Latif-fleed-from-Ahmedabad-and-reached-Pakistan
No comments:
Post a Comment