Adv

G Adv

Friday, 24 February 2017

લતીફ પાકિસ્તાનમાં હતો પણ અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા લોહીથી ખરડાઇ ગઇ

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-24): પોલીસ લતીફની પાછળ લાગેલી હતી ત્યારે પોલીસના ધ્યાન બહાર ગયુ કે લતીફ ફરાર છે અને શરીફખાન પકડાઈ ગયો હોવા છતાં તેની ગેંગના મોટા ભાગના સભ્યો હજી બહાર છે. જો કે લતીફ અને શરીફની ગેરહાજરીમાં તેમનો ખંડણી ઉઘરાવવાનો ધંધો લગભગ ઠપ્પ થઈ ગયો હતો. છતાં દરિયાપુર સહિતના વિસ્તારમાં ચાલતા તેમનાં આર્થિક ધંધાઓ અકબંધ હતાં. કોઈ પણ ગેંગને તોડી પાડવા માટે તેમને આર્થિક રીતે પણ ખતમ કરવા પડે તેવુ પોલીસ અધિકારીઓને ધ્યાનમાં આવ્યુંનહીં. તેના કારણે ફરાર લતીફને જરૂર હોય ત્યારે ગેંગ તરફથી પૈસા મળી રહેતા હતા, સાથે ગેંગના સભ્યોનો કારોબાર પણ યથાવત ચાલતો હતો. 

અમદાવાદ પોલીસનું ધ્યાન એક સાથે અનેક બાબતો ઉપર હતું. જેમાં LATIF ને શોધવાં ઉપરાંત ગોસાબારા ખાતે ઉતરેલા હથિયારો અને સ્ફોટક પદાર્થો જે લતીફ સુધી પહોંચી ગયા હોવાની જાણકારી હતી પણ તે પોલીસને મળી રહ્યા ન્હોતા. લતીફની ગેરહાજરીમાં થોડુ કામ આસાન તો જરૂર થયુ હતું. હવે પોલીસને કેટલીક મહત્વની માહિતીઓ મળી રહી હતી પણ કાયમ જે માહિતી પોલીસ સુધી પહોંચતી તેના એક ડગલાં આગળ ગેંગ ચાલી જતી હતી. તેના કારણે જ્યાં હથિયાર હોવાની માહિતી મળતી ત્યાં પોલીસ પહોંચે ત્યારે ત્યાંથી જથ્થો સગેવગે થઈ જતો હતો. પોલીસને શહેરમાં કંઈક અજુગતુ બનશે તેવી ભીતી હતી પણ ચોક્કસ શું થશે તેનો અંદાજ આવી રહ્યો ન્હોતો. શહેરમાં શાંતિ હતી પણ તે બિહામણી શાંતિ હતી. પોલીસના ગુપ્તચરો કામે લાગ્યા હતાં પણ શું થવાનું છે તેની કોઈ ઠોસ માહિતી મળી રહી ન્હોતી. 

મને બરાબર યાદ છે 1993ની રથયાત્રા નિકળી ત્યારે દર વર્ષના ક્રમની જેમ હું રિપોર્ટીંગ માટે દરિયાપુર જઈ રહ્યો હતો. રથયાત્રા પ્રેમ દરવાજામાં દાખલ થાય પછીનો તંબુ ચોકી સુધીનો વિસ્તાર સંવેદનશીલ ગણાય અને ત્યાર બાદ શાહપુર અડ્ડા તરીકે ઓળખાતી જગ્યા પણ સંવેદનશીલ ગણાય. આ બંન્ને વિસ્તારમાં મોટી સંખ્યામાં સશસ્ત્ર પોલીસ અને પેરામીલેટરી ફોર્સ ઉતારી દેવામાં આવ્યો હતો. પ્રેમ દરવાજામાંથી યાત્રા જેવી અંદર દાખલ થાય તેની સાથે યાત્રામાં સામેલ ઉશ્કેરણીજનક સુત્રો પોકારતા હતાં. આવું દર વર્ષે થતું તેના કારણે પોલીસ ઉતાવળે આ વિસ્તારમાંથી યાત્રા સલામત પસાર થઈ જાય તેવા પ્રયત્નમાં રહેતી હતી. યાત્રા પ્રેમ દરવાજામાં દાખલ થઈ છે તેવી જાણકારી મળતા પોપટીયાવાડ તરફ જતાં પહેલા લીમડા ચોક આવે ત્યાં જવા હું પત્રકાર મિત્રો સાથે રવાના થયો પણ હજી લીમડા ચોક પહોંચુ તે પહેલા જોયુ તો યાત્રામાં નાસભાગ શરૂ થઈ ગઈ. યાત્રા ઉપર દરિયાપુરમાંથી હુમલો થઈ ગયો, મોટા પથ્થરો, ગોળીબાર અને બોટલો ફેકાવવા લાગી, યાત્રાની સૌથી આગળ રહેતા હાથીઓ પણ ડરના માર્યા દોડવા લાગ્યા હતા. 

બીજી તરફ યાત્રામાં સામેલ ટ્રકો પણ કેટલીક તૈયારી સાથે આવી હોય તેવું લાગ્યું.  યાત્રામાં ટ્રકોમાંથી પણ મુસ્લિમોના ઘરો ઉપર પથ્થરો અને બોટલો ફેંકાવા લાગી. એકદમ આંધાધુંધી ફેલાઈ ગઈ.  સ્ત્રીઓ અને બાળકો ચીસો પાડવા લાગ્યા, લીમડાચોક જે પોલીસ જવાનો હાજર હતાં તેમણે તોફાનીઓને કાબુમાં લેવા માટે ટીયરગેસ છોડવાની શરૂઆત કરી. જેના કારણે ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો અને આંખોમાં બળતરા શરૂ થઈ. બે ફુટના અંતરે પણ કોઈ કોઈને જોઈ શકતુ ન્હોતુ. જેમાં સૌથી વધુ તકલીફ પેરામિલેટરી ફોર્સને પડી કારણ તેઓ તો સ્થાનિક ભુગોળથી પણ માહિતગાર ન્હોતાં. સીઆરપીએફના એક ઈન્સપેક્ટર ટોળા પાછળ દોડી રહ્યા હતાં ત્યારે ટીયરગેસના ધુમાડામાં કોઈ તેમની અત્યંત નજીક આવી એક ગોળી પોલીસ ઈન્સપેક્ટરની છાતીમાં ધરબી ગયું અને ઈન્સપેક્ટરની હત્યા થઈ. પોલીસ જલદી જલદી યાત્રાને દોડાવી રહી હતી. ગોળીબાર અને પથ્થરમારા વચ્ચે રથ શાહપુર પહોંચ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી અને રથ ઉપર સળગતા કોથળા ફેંકાવવા લાગ્યા. રથ ખેચનારા રથ મુકી ભાગી ગયા અને એક ટોળું રથને શાહપુરમાં ખેંચી ગયું. શાહપુરમાં લતીફના ખાસ અબ્દુલ વહાબનો દબદબો હતો. 

રથની જવાબદારી સંભાળી રહેલા આઈપીએસ અધિકારી વી. વી. રબારી અને ડીવાયએસપી અમથાભાઈ દેસાઈ કોઈ પણ ભોગે રથને બહાર લાવી જગન્નાથ મંદિર સુધી પહોંચાડવા માગતા હતાં. પોલીસ અધિકારીઓ શાહપુરના દૈવી પુજક ભાઈઓને લઈ આવ્યા અને ચાલુ તોફાનમાં પોલીસ રક્ષણ વચ્ચે બીનવારસી પડી રહેલા રથને પોલીસ રક્ષણ વચ્ચે મોડી રાતે જગન્નાથ મંદિર સુધી પહોંચાડી આવ્યા હતાં. જો કે રથયાત્રા ઉપર હુમલો થયો તેવા સમાચાર વાયુવેગે અમદાવાદમાં ફેલાઈ જતા ચારે તરફ તોફાન ફાટી નિકળ્યા હતાં.  હજી થોડા મહિના પહેલા શાંત થયેલું અમદાવાદ ફરી એક વખત તોફાનની ભરેડમાં ફસાઈ ગયુ હતું. ચીમનભાઈ પટેલના શાસનમાં બીજી વખત કોમી તોફાન ફાટી નિકળ્યા હતા જે વાત તેમની સરકાર માટે શરમજનક હતી.  હવે તો તેઓ પણ ઈચ્છી રહ્યાં હતા કે તોફાન શાંત થાય પણ સ્થિતિ તેમના નિયંત્રણ બહાર જતી રહી હતી. 

Latif Series Part 24 - http://www.meranews.com/news-detail/Latif-was-in-Pakistan-but-Rath-Yatra-of-Jagannathji-became-bloody

No comments:

Post a Comment