Adv

G Adv

Friday, 24 February 2017

હેન્ડસમ ગેંગસ્ટર શરીફખાનને કોર્ટમાં લવાયો પણ ત્યાં જે થયું તે ઇતિહાસ બનવાનો હતો

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-28): ઇ.સ. 1993-94ની એ સવારનો સમય હતો, પોલીસવાન રોજ પ્રમાણે મીરઝાપુર મેટ્રોપોલીટન કોર્ટમાં આવી ઉભી રહી. વાન ઉભી રહેતા પહેલા બે પોલીસવાળા નીચે ઉતર્યા, તેમણે ચારે તરફ નજર કરી પણ તેમને બધુ વ્યવસ્થીત લાગ્યું. થોડી જ વારમાં તેમની પાછળ 30 વર્ષનો હેન્ડસમ શરીફખાન વાનમાંથી બહાર આવ્યો, તેના હાથમાં હાથકડીઓ હતી અને બાવડા દોરડાથી બાંધેલા હતાં. શરીફની પાછળ સબઈન્સપેક્ટર ઉતર્યા અને પછી હથિયારધારી જવાનો પણ બહાર આવ્યા. પોલીસ રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો, પણ કોર્ટના નિયમ પ્રમાણે તેને દર 14 દિવસે કોર્ટમાં રજુ કરવામાં આવતો હતો. શરીફને વાનમાંથી ઉતરતો જોઈ કેટલાકના ચહેરા ઉપર રોનક આવી, તે બધા LATIF ગેંગના ટપોરીઓ હતા, પણ શરીફને લઈ આવેલા પોલીસવાળાના ચહેરા ઉપર ખાસ ગંભીરતા ન્હોતી. શરીફને પકડવા માટે કેટલી મહેનત અને જીવ બાજી ઉપર લગાવી દેવો પડ્યો હતો તેની કલ્પના તેમને ન્હોતી. તેમને મન તો રોજ જેલમાંથી તેઓ બીજા કેદીઓને લઈ કોર્ટમાં આવે છે તેવુ રોજનું જ કામ હતું. 

થોડીવારમાં હિમંત કરી કોર્ટમાં ચક્કર મારી રહેલા લતીફના ટપોરીએ પોલીસ પાસે આવી શરીફખાન સાથે વાત કરવાની શરૂ કરી. પોલીસ એટલી બે ધ્યાન હતી કે પહેલા તો તેમણે શરીફ સાથે વાત કરી રહેલા ટપોરીઓને દુર ખસેડી દેવાના હતાં, પણ તેવુ પણ ના કર્યુ અને બીજી બાબત એવી હતી કે શરીફખાન ટપોરીઓ સાથે શુ વાત કરી રહ્યો છે તે સાંભળવાની પણ તસ્દી લીધી નહીં. મુળ પઠાણકુળનો શરીફખાન દેખાવે આકર્ષક લાગતો હતો. ખાસ કરી કોર્ટની મહિલા વકીલો તેને ધ્યાનથી જોતી હતી. આ જ શરીફખાન છે તેવી જેમને ખબર હતી તેઓ શરીફને ધ્યાનથી જોતા હતાં કારણ કે તેમણે અખબારમાં શરીફખાનને પકડવા માટે ગીથા જોહરીએ કેટલી મહેનત કરી હતી  તે સમાચાર અખબારમાં વાંચ્યા હતાં. આ દરમિયાન ત્યાં એક સ્કૂટર આવ્યુ, તે એક પોલીસવાળો હતો, તેણે યુનિફોર્મ ન્હોતો પહેર્યો, તે સ્કૂટર પાર્ક કરી બધા પોલીસવાળાને મળી હાથ મીલવવા લાગ્યો. તેણે એક ત્રાસી નજરે શરીફખાન સામે જોયુ, શરીફે પણ તેની સામે જોયુ. પોલીસવાળાને મળી તે પોલીસવાળો ત્યા હાજર એક પીએસઆઈ સાથે હાથ મીલાવ્યો. આ પીએસઆઇ રીટાયરમેન્ટના આરે ઉભેલા સબઈન્સપેક્ટર મરાઠી હતા અને મરાઠીમાં મોટા ભાઈને દાદા તરીકે સંબોધતા હોય છે. 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા ત્યારે ઘણા મરાઠીભાષીએ ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યુ હતું અને જેમાંથી ઘણા ગુજરાત પોલીસમાં જોડાયા હતાં. તેના કારણે મરાઠી ના હોય તેવી પણ  પોતાની ઉમંર કરતી મોટી વ્યક્તિઓ દાદા કહેવાનો પોલીસમાં જુનો રિવાજ છે. 

સબઈન્સપેક્ટર દાદાએ સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસવાળા સાથે હાથ મીલાવ્યો. કારણ તેઓ તેને ઓળખતા હતાં. થોડી આડી અવળી વાત કરી  પેલા પોલીસવાળાએ પુછ્યું દાદા ક્યા લેંગે? દાદાએ કંઈ પણ લેવાનો સૌજન્યપુર્વક ઈન્કાર કર્યો, તો પણ પેલાએ આગ્રહ કરતા કહ્યુ અરે દાદા એસા થોડા ચલતાએ આપ મેરે ઈલાકે મેં આયે હો, ચ્હા-ઠંડા કુછ તો લેના પડેગા.. દાદા હા કે ના કહે તે પહેલા જ પેલા પોલીસવાળાએ કોર્ટમાં ચક્કર મારી રહેલા એક ટપોરીને બુમ પાડી બોલાવ્યો અને કહ્યુ જા સબ કે લીયે ઠંડા લેકે આ.. પેલો ટપોરી દોડતો ગયો અને પાંચ સાત મીનિટમાં બીજા એક છોકરા સાથે ઠંડાપીણાની બોટલો ઉંચકી પાછો આવ્યો. પેલો પોલીસવાળો ખુદ એક પછી એક બોટલો ખોલી પોલીસવાળાને આપતો ગયો, શરીફને પણ તેણે ઠંડાની બોટલ ધરી પણ શરીફખાને ના પાડી, આમ કરતાં કરતાં અડધો કલાક પસાર થઈ ગયો. હજી શરીફને કોર્ટમાં રજુ કરવાના સમયની વાર હતી. 

ત્યાં પેલા પોલીસવાળાએ સબઈન્સપેક્ટર દાદાને એક તરફ બોલાવ્યા અને તેમના કાન પાસે મોઢુ લઈ જઈ કંઈક કહ્યુ, તરત દાદાનો ચહેરો બદલાઈ ગયો, તેમના ચહેરા ઉપર અણગમો આવી ગયો, પેલાએ ફરી વિનંતી કરી પણ દાદાએ કંઈ બોલાવ્યા વગર ચહેરા ઉપર નારાજગી બતાડી. પેલા પોલીસવાળાએ વિનંતી કરી હતી કે શરીફ ઘણા દિવસથી જેલમાં છે, તેણે પોતાના પરિવાર સાથે વાત કરી નથી તો તેને એક ફોન કરવા દો તો સારુ. સબ ઇન્સપેકટર દાદા તેના માટે રાજી ન્હોતા, પણ એક પોલીસવાળો જ વિનંતી કરી રહ્યો હતો માટે તેઓ તેના ઉપર ગુસ્સે થયા. પેલો બહુ કાકલુદી કરતો રહ્યો એટલે દાદાએ પોતાની સાથે રહેલા હેડ કોન્સટેબલને મળી લેવાનું કહ્યુ, પેલા પોલીસવાળાના ચહેરા ઉપર રોનક આવી, તે હેડ કોન્સટેબલ પાસે ગયો તેણે તે જ વાત હેડ કોન્સટેબલને પણ કરી, એટલે તરત હેડ કોન્સટેબલે દાદા સામે જોયુ. તેમણે હા પણ પાડી નહીં અને ના પણ કહી નહીં  છતાં તેમનો ચહેરો કહેતો કઈ વાંધો નહીં ફોન કરવા દો. 

ત્યારે હજી મોબાઈલ ફોનનો યુગ શરૂ થયો ન્હોતો, ફોન કરવો હોય તો પબ્લિક બુથ ઉપરથી ફોન કરવો પડે તેમ હતો. હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસવાળા શરીફને બાવડેથી પકડી કોર્ટની બહાર આવ્યા. એક ઓટોરીક્ષા રોકી. સાથે પેલો પોલીસવાળો પણ હતો. ફોન કરવા માટે મીરઝાપુર કોર્ટથી અડધો કિલોમીટર દુર આવેલી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ સુધી જવાનું હતું. રીક્ષા ઉભી રહેતા પહેલા એક પોલીસવાળો બેઠો, પછી શરીફ બેઠો તેના હાથમાં હાથકડી બાંધેલી હતી, પછી હેડ કોન્સટેબલ બેઠો એટલે શરીફ વચ્ચે હતો. રીક્ષા શરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસવાળા હેડ કોન્સટેબલને બંધ મુઠ્ઠીમાં કઈક આપ્યું. હેડ કોન્સ્ટેબલે પેલા પોલીસવાળાને એક સ્મીત આપ્યુ અને બંધ મુઠ્ઠી જ રાખી પેન્ટનાં ખીસ્સામાં હાથ નાખ્યો, તેમાં પાંચ સો રૂપિયા હતાં. 

અહિંયા સબઈન્સપેક્ટર દાદાના ચહેરા ઉપર ચિંતા દેખાવા લાગી હતી. સ્કૂટર લઈ આવેલો પોલીસવાળો દાદાનો આભાર માની ત્યાંથી જતો રહ્યો હતો, પણ હજી શરીફને લઈ ગયેલા પોલીસવાળા પાછા આવ્યા ન્હોતા, ત્યાં અચાનક એક રીક્ષા આવી, દાદાનું ધ્યાન રીક્ષા તરફ ગયુ તેમને ફાળ પડી. કારણ બંન્ને પોલીસવાળા એકલા હતા, તેમની સાથે શરીફ ન્હોતો, દાદા રીક્ષા તરફ દોડ્યા, પેલા રીક્ષામાંથી ઉતરે તે પહેલા દાદાએ પુછ્યું શરીફ કયાં છે? પેલા બંન્નેના ચહેરા ઉપર પરસેવો હતો. તેમણે કહ્યુ દાદા તે ભાગી છુટ્યો છે. દાદાના પેટનો ગોળો ચઢી ગયો, ભાગી ગયો .. કેવી રીતે...કયાંથી તેવા અનેક પ્રશ્નો એક સાથે ઉઠ્યા. દાદાએ બાકીના પોલીસવાળાને મોટા સાદે બુમ પાડી બોલાવ્યા અને બધા દોડતા સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ તરફ દોડવા લાગ્યા.લોકોને કંઈક અજગુજતુ બન્યુ હોવાની ખબર પડી પણ શુ થયુ છે તેનો અંદાજ ન્હોતો. બધા જ પબ્લીક ટેલીફોન બુથ ઉપર પહોંચ્યા દાદાએ ત્યાં જઈ પુછ્યું કે શુ બન્યું? ત્યારે પેલા પોલીસવાળાએ માંડીને વાત કરી તે આ પ્રમાણે હતી. 

સ્કૂલની સામે આવેલા રવિ નામના સ્ટોરમાં તેઓ ફોન કરવા માટે ગયા. શરીફના હાથમાં હાથ કડી હતી, તેણે રિસીવર ઉપાડી ફોન ડાયલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ હાથ બાંધેલા હોવાને કારણે તે ફોન કરી શકતો ન્હોતો. તેણે વિનંતી કરી કે તેનો એક હાથ છોડી દેવામાં આવે તો ફોન થઈ શકે, માટે તેનો એક હાથ છોડી દીધો. તે ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે બંન્ને પોલીસવાળા દુકાનના દરવાજામાં જ ઉભા હતા, ત્યાં તેમણે પાછળ વળીને જોયુ તો શરીફ ત્યાં ન્હોતો. જો કે તે મુખ્ય દરવાજામાંથી તો નિકળ્યો ન્હોતો તો ગયો ક્યા? તેની પહેલા તો ખબર પડી નહીં. પણ દુકાનદારના કહેવા પ્રમાણે ફોન પુરો થતાં તે દુકાનની પાછળ તરફ જવાય તેવો પણ એક રસ્તો હતો ત્યાંથી નિકળી ગયો. તેણે જતી વખતે કરાડીભરી નજરે દુકાનદાર સામે જોયુ એટલે તે ડરી ગયેલા દુકાનદારે શરીફ જઈ રહ્યો હતો ત્યારે મોંઢુ બંધ રાખ્યું. દુકાનનો પાછળનો ભાગ શાહપુર મટન માર્કેટ તરફ ખુલતો હતો, ત્યાંથી શરીફ જતો રહ્યો હતો. તમામ પોલીસવાળા શાહપુર મટન માર્કેટ તરફ દોડ્યા પણ શરીફનો કોઈ પત્તો લાગ્યો નહીં. 

Latif Series Part 28 - http://www.meranews.com/news-detail/Latif-series-gangster-Sharif-Khan-was-presented-in-court

No comments:

Post a Comment