Adv

G Adv

Friday, 24 February 2017

પાટીદાર ગૃહમંત્રીની પત્નીએ બે હાથ જોડી કહ્યું ‘સાહેબ આ માણસ આવો જ છે’

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-27): મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ અને ગૃહમંત્રી સી. ડી. પટેલ વચ્ચેના મતભેદો વધી રહ્યા હતાં. ચિમનભાઈ પટેલના ખાસ એવા રામાનાથા ગઢવી જેવા ખાસ માણસને ત્યાં પણ દરોડો પડાવી સી. ડી. પટેલે હથિયાર અને કરોડો રૂપિયા રોકડા પકડ્યા હતાં. LATIF કેસમાં પણ પોલીસ અધિકારીઓ સાથે તે સીધી વાત કરતા અને પોલીસ અધિકારીઓ પણ ગૃહમંત્રીને જ બધી જાણ કરતા હતાં. અનેક બાબતો તો મુખ્યમંત્રીને અખબાર વાંચી ખબર પડતી હતી. મંત્રી થતાં પહેલા વ્યવસાયે વકીલ એવા સી. ડી. પટેલ વકીલ હતા ત્યારે તેમના અસીલ તરીકે દક્ષિણ ગુજરાતના અનેક દાણચોરો પણ હતાં પણ ગૃહમંત્રી થયા પછી તેમણે પોતાના જૂના વ્યવસાયને માનસિક રીતે પણ તિલાંજલિ આપી હતી. સી. ડી. પટેલ ગૃહમંત્રી તરીકે જે નિર્ણય લઈ રહ્યાં હતાં તે ખોટા છે અથવા તેમના ઈરાદાઓમાં ખોટ છે તેવું ચિમનભાઈ પટેલ કહી શકતા ન્હોતા પણ પોલીસની બદલીઓથી લઈ ગૃહ ખાતાના નાના મોટા તમામ નિર્ણય તેઓ પોતાની મનસુફી ઉપર લઈ રહ્યા હતાં. ઘણી વખત તો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવતી ભલામણ પણ તે રાજકીય લાભ જોયા વગર માત્ર મેરિટના આધારે તેનો નિર્ણય કરતા હતા. ચિમનભાઈના અંદત મિત્રો અને વ્યવસાયિક ભાગીદારો જે રાજ્યના સુબા હોય તેવો વ્યવહાર કરતા હતાં તેમની દુકાનો સી. ડી. પટેલે બંધ કરાવી દીધી હતી. 

રાજકિય વર્તુળ અને ગૃહ વિભાગમાં પણ સ્પષ્ટ રીતે બધાને ખબર હતી કે ગૃહ વિભાગમાં માત્ર સી. ડી. પટેલનો જ આદેશ ચાલે છે.  એક સવારે રોજ પ્રમાણે વહેલા ઉઠવાની ટેવવાળા ચિમનભાઈ પટેલે સી. ડી. પટેલને ફોન કરી ચ્હા પીવા માટે બોલાવ્યા. નવસારી પાસેના જલાલપુર જેવા નાના ગામમાંથી આવતા સી. ડી. પટેલ સવારનો સમય હોવાને કારણે પોતાના સરકારી બંગલમાંથી ચાલતા મુખ્યમંત્રીના બંગલા ઉપર પહોંચી ગયા. ત્યારે ચિમનભાઈ પટેલ ડાઈનિંગ ટેબલ ઉપર બેસી સી. ડી. પટેલની રાહ જોતા અખબાર વાંચી રહ્યા હતાં. સી. ડી. પટેલને જોતા ચિમનભાઈ પટેલના ચહેરા ઉપર રોનક આવી, ઉભા થઈ તેમણે સી. ડી. પટેલનું અભિવાદન કર્યુ. ત્યાં સી. એમ. બંગલાનો નોકર ચ્હા અને નાસ્તો લઈ આવ્યો. સી ડી પટેલને ચિમનભાઈ પટેલનું આ રીતે બોલાવવું સહજ લાગ્યુ હતું, કારણ કે ચિમનભાઈ આ રીતે ઘણી વખત પોતાના મંત્રીઓ અને અધિકારીઓને ચ્હા માટે બોલાવી મહત્વના નિર્ણય લઈ લેતા હતાં. 

ચ્હા પીતા પીતા ચિમનભાઈએ વાતની શરૂઆત કરતાં કહ્યું સી. ડી. આજથી ગૃહ વિભાગ હું મારી પાસે જ રાખું છું.  ચિમનભાઈ સી. ડી. પટેલને સી. ડી. કહીને જ સંબોધતા હતાં. સી ડી પટેલે ચિમનભાઈ પટેલની વાત સાંભળી કહ્યુ સચિવાલયના નિયમ પ્રમાણે તો મુખ્યમંત્રી તમામ ખાતાઓનો ધણી હોય છે. ચિમનભાઈ હસવા લાગ્યા તેમણે કહ્યું સી. ડી. તમારે નાણા, ઉદ્યોગ, શહેરી વિકાસ અથવા તમે કહો તે ખાતુ આપીશ પણ ગૃહ વિભાગ તમારી પાસે હવે નહીં રહે. સી. ડી. પટેલે ચ્હાનો કપ ટેબલ ઉપર મુકતાં કહ્યું મને વિધાનસભાના નિયમોની ખબર છે. મુખ્યમંત્રીનો અધિકાર છે કે ક્યા મંત્રીને ક્યુ ખાતુ ફાળવે અને ફળવાયેલા ખાતાઓને બદલવાનો પણ તેને પુરો અધિકાર છે. પરંતુ મારી પાસેથી ગૃહ ખાતુ કેમ લઈ લેવામાં આવે છે તે જાણવાનો મારો અધિકાર છે. જો કે તે અંગે ચિમનભાઈ પટેલ કોઈ કારણ આપી શકે તેમ ન્હોતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ. સી. ડી. પટેલે જતી વખતે એટલું જ કહ્યુ જો મારો નેતા મને હટાવવાનું કારણ આપી શકતો નથી તો હું તેને મારો નેતા માનતો નથી. 

ચિમનભાઈ પટેલ સી. ડી. પટેલનો સ્વભાવ જાણતા હતાં. બંન્ને વચ્ચે મનમેળ ન્હોતો પણ સી. ડી. પટેલ માણસ તરીકે સોના જેવા સો ટચનો છે તેની તેમને ખબર હતી. ચિમનભાઈ પટેલ થોડીવાર પછી સચિવાલય જવા માટે નિકળ્યા ત્યારે અનાયાસે તેમની નજર સી. ડી. પટેલના બંગલા તરફ ગઈ.  તેમણે જોયુ તો સી. ડી. પટેલની સરકારી કાર સહિત તેમને ફાળવવામાં આવેલી ખાલી કાર તેમના કેમ્પસમાંથી જઈ રહી હતી. ચિમનભાઈ તરત પોતાની કાર રોકી સી. ડી. પટેલનાં બંગલમાં દાખલ થયા. ત્યાં જઈ તેમણે જોયુ તો સી. ડી. પટેલ ઘરવખરી સહિતનો સામાન બાંધી રહ્યાં હતાં.  ચિમનભાઈએ આશ્ચર્ય સાથે પુછ્યું સી. ડી. શુ કરી રહ્યા છો? અચાનક આવેલા ચિમનભાઈને જોઈ સી. ડી. એ તેમની સામે જોતા કહ્યું સારું થયું તમે આવી ગયા. સી.ડી. પટેલે ટીપોઈ તરફ પડેલા કવર તરફ ઈશારો કરતાં કહ્યું તમને મળવા જ આવતો હતો.  આ મારુ રાજીનામું છે. સી. ડી. ઉભા થયા અને બંધ કવર લઈ ચિમનભાઈના હાથમાં મુક્યું. ચિમનભાઈ સ્તબ્ધ થઈ ગયા.  સી ડી નારાજ થશે, ગુસ્સો કરશે તેવી ચિમનભાઇને કલ્પના હતી પણ કોઈ રાજકારણી મંત્રી પદને ઠોકર મારી જતો રહે તેવી કલ્પના તેમને ન્હોતી. 

ચિમનભાઈએ તરત સી. ડી. પટેલની પત્ની તરફ જોયુ, તે પણ બેગ પેક કરી રહ્યાં હતાં. ચિમનભાઈએ સી. ડી. ની પત્નીને કહ્યુ બહેન તું તો આને કંઈ સમજાવ આવું તો કઈ થાય?  આટલું બોલતા ચિમનભાઈનો અવાજ ગળગળો થઈ ગયો અને આંખોમાં પાણી આવી ગયું. સી. ડી. પટેલની પત્નીએ ચિમનભાઈ સામે જોતા કહ્યું “સાહેબ આ માણસ આવો જ છે, આટલા વર્ષોથી સાથે રહું છું.” તેમણે ચિમનભાઈને બે હાથ જોડી કહ્યુ “સાહેબ આ નહી માને અમને હવે જવા દો.” ચિમનભાઈ પાસે કોઈ શબ્દ જ રહ્યા નહીં. સી ડી પટેલ ગૃહમંત્રી હતાં પણ તેમના બંગલામાં તેમને ખાસ કોઈ સામાન જ ન્હોતો. બે બેગ લઈ સી. ડી. પટેલ બંગલાની બહાર નિકળ્યા, તેમની પોતાની માલિકીની ફિયાટ કાર હતી. તેમાં સામાન મુક્યો અને સેલ્ફ ડ્રાઈવ કરી પોતાની પત્ની સાથે પોતાના ગામ જલાલપુર જવા રવાના થયા. ચિમનભાઈ તેમને જોતા જ રહ્યાં. જ્યારે માણસ રાજકારણમાં રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય ત્યારે એક એવો પણ માણસ હતો જે પોતાના સિદ્ધાંતો ખાતર સત્તાને હડસેલી જતો રહ્યો હતો. 

બીજી તરફ એક મોટી ઘટના થવા જઈ રહી હતી.  સાબરમતી સેન્ટ્રલ જેલથી એક પોલીસવાન નિકળી તેમા એક સબઈન્સપેક્ટર અને દસ પોલીસવાળા હતાં. જેમાં પાંચ પોલીસવાળા પાસે રાઇફલ હતી. જ્યારે હાથકડી બાંધેલા શરીફખાનની આસપાસ બે પોલીસવાળા બેઠેલા હતાં. તે દિવસે કોર્ટની મુદત હતી તેના કારણે જાપ્તા પાર્ટી પુરા બંદોબસ્ત સાથે શરીફખાનને અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં લઈ આવવા નિકળી હતી. જો કે ત્યારે લતીફ ગેંગના માણસો જાપ્તા પાર્ટી આવે તે પહેલા કોર્ટના પ્રાગંણમાં ફરતા જોવા મળ્યાં હતાં. 

Latif Series Part 27- http://www.meranews.com/news-detail/Latif-series-Home-Minister-C-D-Patel-wife-joined-her-hands-and-said-sir-this-man-is-like-this-only

No comments:

Post a Comment