Adv

G Adv

Thursday, 23 February 2017

IPSની હાજરીમાં લતીફે કર્યું સાંસદનાં મર્ડરનું પ્લાનિંગ: રઉફ રાજીવ ગાંધીને આપવાનાં હતાં પુરાવા

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-18): દરેક વખતે લતીફ પોલીસને અંધારામાં રાખી પોતાના કારનામાને અંજામ આપતો હતો તેવું ન્હોતુ. કેટલાય કામ એવા હતા કે પોલીસને આગોતરી જાણ કરીને તે ગુનો આચરતો અને પોલીસ તપાસ અને ધરપકડનું નાટક કરતી હતી. આ વખતે પણ આવું જ કઈ થવા જઈ રહ્યું હતું. કોંગ્રેસના સાંસદ રઉફવલીઉલ્લાહની હત્યા કરવી કોઈ નાની વાત ન્હોતી. તેના કારણે નાના અથવા સ્થાનિક પોલીસ અધિકારીને લતીફના સંભવીત ક્રાઈમ અંગે જાણ ન્હોતી, પણ અમદાવાદના બહુ ટોચના અધિકારીને રઉફની હત્યા થવાની છે તે વાતની જાણકારી હતી. વાત માત્ર જાણકારી પુરતી સીમિત હોત તો પણ ઓછી ગંભીર બાબત હતી, પણ વાત તેના કરતાં પણ આગળની હતી. રઉફની હત્યા કરતા પહેલા લતીફ ગેંગના માણસોની એક મીટિંગ મળી હતી. જેમાં હત્યા કોણ કરશે, ક્યાં કરશે અને હત્યા બાદ ગેંગસ્ટર ક્યાં આશ્રય લેશે વગેરે અનેક બાબતો આ મીટિંગમાં નક્કી થઈ હતી. આ મીટિંગની સુચક બાબત એવી હતી કે જેમના શીરે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હતી તેવા અમદાવાદના એક સિનિયર આઈપીએસ આ મીટિંગમાં હાજર હતા. 

સ્વભાવિક હતું આ આઈપીએસ અધિકારીને ત્યાં હત્યાના પ્લાનીંગ માટે મળેલી મીટિંગમાં હાજર રહેવા ગાંધીનગરથી સુચના હતી. એક વખત રઉફ ઉપર હાથ નાખવામાં આવે અને તે બચી જાય તો મોટી આફત લતીફ અને ચીમનભાઈ પટેલની સરકાર ઉપર આવી શકે તેમ હતી. તેના કારણે કઈ કાચુ કપાય નહીં તેની તકેદારી રાખવા માટે આ આઈપીએસ અધિકારી આ બેઠકમાં હાજર રહ્યા હતા. કાયદાની મજાક તો એવી થઈ રહી હતી કે એક તરફ રાધીકા જીમખાના હત્યાકાંડમાં નવ લોકોની હત્યાનો આરોપ લતીફ ગેંગ ઉપર હતો, જે પોલીસના ચોપડે ફરાર હતો, પણ તે જ આરોપીઓ હવે એક નવી હત્યાને અંજામ આપવા જઈ રહ્યા હતા અને ત્યારે શહેર પોલીસના એક ઉચ્ચ અધિકારી હાજર હોવા છતાં તે આરોપીઓ બીન્દાસ રીતે આઈપીએસ સામે ખુરશી નાખી બેસતા હતાં. 

આ મિટીગમાં રઉફની હત્યાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. હત્યા બાદ કેવા પ્રકારના પ્રત્યાઘાત પડશે અને પોલીસની કાર્યવાહી કેવી હશે તેની જાણકારી પણ ગેંગના સભ્યોને આઈપીએસ અધિકારી દ્વારા આપી દેવામાં આવી હતી. હત્યાનું જે સ્થળ પસંદ થયું હતું તે અમદાવાદના માદલપુર વિસ્તારમાં આવેલા રેલવે બ્રીજ પાસે મધુબન બીલ્ડીંગ હતું. રઉફવલીઉલ્લાહ મધુબન બિલ્ડિંગમાં લગભગ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ આવતા હતાં. આ બિલ્ડિંગમાં ડેરીડેન આઈસક્રીમના માલિક હરીશભાઈની ઓફિસ હતી. તેમની ઓફિસમાં ઈલેક્ટોનિક ટાઈપ રાઈટર હતું. તે જમાનામાં ઈલેક્ટ્રોનીક ટાઈપ રાઈટર બહુ કિમંતી ગણાતા અને અમદાવાદની શ્રીમંત વ્યક્તિઓ આ ટાઈપ રાઈટર વસાવી શકતા હતા અને રઉફ લગભગ રોજ આવા આ ટાઈપ રાઈટર ઉપર બેસી પત્રો ટાઈપ કરતા હતાં. 

અગાઉ કહ્યું તેમ રઉફ બોલતા પહેલા કોઈ પણ બાબતનો અભ્યાસ કરતા હતા અને તેઓ હરીશભાઈને ઓફિસમાં તો પત્ર ટાઈપ કરવા આવતા હતા, પણ પ્રશ્ન એવો હતો કે પત્ર કોને લખતા હતા? પણ રઉફ કોને પત્ર લખતા તેની જાણકારી ચોક્કસ વ્યકિતઓને હત્યા અને રઉફના પત્રો મોટી રાજકિય ઉથલપાથલ લાવી શકે તેમ હતા. 

રઉફવલીઉલ્લાહ વડાપ્રધાન રાજીવ ગાંધીને પત્રો લખી રહ્યા હતાં. ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકારમાં જોડાયા પછી કોંગ્રેસની આબરૂ બગડી રહી છે તેવું તેઓ માની રહ્યા હતા. આ તેમનો માત્ર આરોપ ન્હોતો, પણ તેઓ તેમની તમામ વાત આધાર-પુરાવાઓ સાથે ટાંકી પત્રમાં રાજીવને જણાવતા હતાં. સ્થિતિ એવી નિર્માણ થઈ રહી હતી કે જો રાજીવ રઉફની વાત માની જાય તો ચીમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસને ટેકો પાછો ખેંચી લેવામાં આવે અને સરકાર પડી જાય. 1974માં નવ નિર્માણ આંદોલન પછી ચીમનભાઈ પટેલ સરકારનું પતન થયું અને ત્યાર બાદ ફરી સરકાર બનાવવા માટે ચીમનભાઈએ પુરા પોણા બે દાયકા મહેનત કરી હતી અને રઉફ તેમનો ખેલ બગાડી રહ્યાં હોય તેવું તેમને લાગી રહ્યું હતું. 

હત્યાના દિવસે સામાન્ય રીતે બનતું તેવું જ થયું. રઉફ પોતાના મિત્ર અને કોંગ્રેસી નેતા પ્રદિપ દવે ઉર્ફે બકાભાઈ સાથે તેમની કારમાં બપોરના સુમારે મધુબન બિલ્ડિંગ આવ્યા અને પ્રદિપભાઈ અને રઉફ સાથે હરીશભાઈની ઓફિસમાં ગયા. રઉફ પોતાની ટેવ પ્રમાણે ઈલેક્ટ્રોનિક ટાઈપ રાઈટર મશીન ઉપર બેસી પત્ર લખવા લાગ્યા. હરીશભાઈની ઓફિસનો સ્ટાફ પણ રઉફને ઓળખતો હતો તેના કારણે હરીશભાઈની ગેરહાજરીમાં પણ રઉફનો માન મરતબો જળવાઈ જતો. સામાન્ય સંજોગોમાં રઉફ એકાદ કલાક જેટલું કામ કરતા પણ કેમ ખબર નહીં તે દિવસે પંદર વીસ મિનિટમાં રઉફ ઊભા થયા અને પ્રદિપભાઈને કહ્યું ચાલો નિકળીએ, પ્રદિપભાઈને કાચની બારી બહાર જોતા કહ્યું સાહેબ આઈસક્રીમ ખાઈ નિકળીએ, રઉફની ખાસ ઈચ્છા ન્હોતી, તેમ છતાં તેમણે હા પાડી અને આઈસક્રીમ આવ્યા બાદ બંન્ને આઈસક્રીમ ખાઈ મધુબન બિલ્ડિંગમાંથી નીચે જવા ઉતર્યા. 

નીચે આવ્યા પછી પ્રદિપભાઈ ડ્રાઈવીંગ સીટ તરફ ગયા અને રઉફ સામેની સીટ તરફ ગયા. પ્રદિપભાઈ દરવાજો ખોલે તેની રઉફ રાહ જોઈ રહ્યા હતા ત્યારે રોડની સામે તરફ હોટલ વેસ્ટએન્ડની બહાર એક સ્કુટર પાર્ક કરી બે યુવકો ઊભા હતા તે પૈકી એક યુવક રઉફની કાર તરફ આગળ વધ્યો અને બીજા યુવકે સ્કુટરને કીક મારી સ્કુટર સ્ટાર્ટ કર્યુ. તે રઉફ તરફ આવી રહેલા યુવકના પગમાં કોઈ ઝડપ અને ઉતાવળ ન્હોતી. તે સહજતાથી રોજ ક્રોસ કરી છેક રઉફ તરફ આવ્યો ત્યારે જ રઉફનું ધ્યાન પોતાની એકદમ નજીક આવી રહેલા યુવક તરફ ગયું. રઉફે તેની સામે જોયું ત્યારે પેલા યુવકે પેન્ટમાં ખોસી રાખેલી રિવોલ્વર કાઢી અને રઉફ કઈ સમજે તે પહેલા રઉફની કાન પટ્ટી પાસે મુકી ટ્રીગર દબાવી અને ફટ અવાજ આવતા રઉફ ત્યાં જ ઢગલો થઈ ગયા. સામે તરફ રહેલા પ્રદિપભાઈએ પણ અવાજ સાંભળ્યો પણ કઈ સમજે તે પહેલા પેલો યુવક બહુ શાંતિથી રસ્તો ક્રોસ કરી સામે તરફ ગયો અને ચાલુ સ્કુટરની પાછળ બેસી ગયો અને સ્કુટર યુ ટર્ન લઈ એલીસબ્રીજ તરફ રવાના થઈ ગયું. 

રઉફ કારની પાસે જ લોહીના ખાબોચીયામાં પડેલા હતાં. પ્રદીપભાઈ બેબાકળા બની ગયા તેમણે મદદ માટે બુમો પાડી, ત્યાંથી વી. એસ. હોસ્પિટલ  બે મિનિટના અંતરે જ હતી. રઉફને બીજી કારમાં હોસ્પિટલ લઈ ગયા પણ રઉફનો શ્વાસ બંધ થઈ ગયો હતો. 

Latif Series Part 18 - http://www.meranews.com/news-detail/Latif-planted-MP-murder-in-presence-of-one-ips

No comments:

Post a Comment