પ્રશાંત દયાળ (ભાગ-42): દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે શંકરસિંહ વાઘેલા અને સી ડી પટેલ વચ્ચે થયેલી મંત્રણામાં નક્કી થયુ હતું શંકરસિંહ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપે, અને તેમના સ્થાને તેઓ ઈચ્છે તેમને મુખ્યમંત્રી પદ સોંપે તો કોંગ્રેસને કોઈ વાંધો નથી અને જો આ શરત મંજુર હોય તો કોંગ્રેસ તેમનો ટેકો ચાલુ રાખશે. બાપુના સ્વભાવ પ્રમાણે તેઓ વાતને હરગીજ મંજુર કરે નહીં, પણ તેમની પાસે કોઈ વિકલ્પ પણ ન્હોતો. અમદાવાદ આવી તેમણે જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે, અને નવા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ પદભાર સંભાળશે, ગુજરાત વેપારી મહામંડળમાંથી ભાજપમાં જોડાયેલા દિલીપ પરીખને કયારેય એવી કલ્પના ન્હોતી, કે તેઓ ધારાસભ્ય થશે અને છેક મુખ્યમંત્રી થશે, પણ કેટલાંક નસીબને બંન્ને હાથોમાં લખાવી આવે છે. ધંધુકાથી ચુંટાયેલા દિલીપ પરીખને હવે મુખ્યમંત્રી થઈ ગયા. જો કે સાલસ સ્વભાવના દિલીપ પરીખને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવા પાછળ પણ બાપુનો ચોક્કસ તર્ક હતો, જેમાં મુખ્યમંત્રી તરીકે નામ અને ફાઈલો ઉપર સહી જ દિલીપ પરીખની થવાની હતી, પણ સત્તાની બાગડોર તો બાપુના જ હાથમાં રહેવાની હતી.
સાબરમતી જેલમાં રહેલો લતીફ ખુબ જ ગુસ્સામાં હતો, તે પોતાના હાથમાં રહેલો કાગળ થોડી થોડી વારે વાંચી રહ્યો હતો, તેની સાથે બેરેકમાં રહેલા અન્ય ગેંગસ્ટરોએ પણ લતીફની બેચેનીની નોંધ લીધી હતી. તેના એક સાથીએ પુછયું ત્યારે તેણે જવાબ આપવાને બદલે તેના હાથમાં રહેલો કાગળ હાથમાં થમાવી દીધો, પેલો ગેંગસ્ટર પણ કાગળ વાંચતા ચિંતામાં પડી ગયો. તે કાગળ એટલે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં આપેલી અરજી હતી. પહેલા તો સગીરે પૈસા આપવાની ના પાડી દીધી, ત્યાં સુધી વાત બરાબર હતી, પણ તે પૈસા આપવા માગતો નથી, તેવું આ અરજી મારફતે સ્પષ્ટ કરી નાખ્યુ હતું.
આ ઉપરાંત સગીર પોલીસ સુધી જઈ લતીફની સામે ફરિયાદ આપવાની હિંમત કરી શકે તે વાત પણ લતીફ માટે અસ્હય હતી, સગીરની વધેલી હિંમતને કારણે પાંજરામાં પુરાયેલો અને ગુસ્સે થયેલો વાઘ ચક્કર મારે તેમ લતીફ બેરેકમાં ફરતા ફરતા વિચારી રહ્યો હતો. પણ મહત્વનો સવાલ હતો કે સગીરઅહમદે ક્રાઈમ બ્રાન્ચમાં તેની સામે આપેલી અરજી ખુદ લતીફ સુધી કેવી રીતે પહોંચી ગઈ, શું લતીફ તરફ સહાનુભુતી રાખનાર અધિકારીઓ હજી પણ પોલીસમાં હતા, ના ખરેખર તેવું ન્હોતુ, પણ ક્રાઈમ બ્રાન્ચની યોજના પ્રમાણે જ બધુ થઈ રહ્યું હતું, ક્રાઈમ બ્રાન્ચમાંથી જાણે કોઈ લતીફને મદદ કરવા માગે છે તેવો ડોળ કરવામાં આવી રહ્યો હતો અને ઈરાદાપુર્વક લતીફ સુધી તે અરજીની કોપી મોકલવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચને અંદાજ હતો કે લતીફ આ અરજી વાંચી ગુસ્સે થશે અને કોઈ ભુલ કરી બેસશે. જેમ સિંહને બોલાવવા માટે મારણ બાંધવુ પડે તેમ સગીરની અરજીનો મારણ તરીકે પોલીસે ઉપયોગ કર્યો હતો અને પોલીસ અધિકારીઓ ઈચ્છી રહ્યા હતા તેવુ જ થઈ રહ્યુ હતું, લતીફ જાણતો ન્હોતો કે તે પોલીસની ટ્રેપમાં આવી ગયો છે.
સગીરઅહેમદ સાથે હવે ચોવીસ કલાક પોલીસનો એક હથિયારબંધ જવાન રહેતો હતો, પહેલા લોકોએ તેને અનેક વખત મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે સ્ટેજ ઉપર બેઠેલો જોયો હતો હવે તેની સાથે પોલીસ જવાન રહેતો હોવાને કારણે તેને તેના સમાજ, મીત્રો અને વિસ્તારમાં વટ પડી ગયો હતો, જો કે લોકો જાણતા ન્હોતા કે તેણે લતીફ સામે કરેલી ફરિયાદને કારણે તેને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે, લોકો માનતા હતા કે સગીરભાઈ હવે નેતા અને વીઆઈપી થઈ ગયા હોવાને કારણે તેમને પોલીસ રક્ષણ મળ્યું છે. પોલીસની હાજરીની કારણે ખુદ સગીરનો પણ આત્મવિશ્વાસ વધી ગયો હતો, તેની ઓફિસમાં ધંધા માટે આવતા લોકો પણ પોલીસને હાજરી જોઈ સગીર સાથે ફટાફટ ધંધો કરી નાખતા હતા, તેઓ માનતા તેમનો કોઈ બહુ મોટા વેપારી સાથે નાતો બંધાયો છે.
લગભગ ત્રણ મહિના થયા હશે, સગીર એક લગ્ન પ્રસંગે દાણીલીમડા વિસ્તારમાં આવ્યો હતો, સગીરને હવે લગ્ન પ્રસંગે હાજરી આપવા જરૂર આવજો તેવા આમંત્રણો પણ મળતા હતા, રાતના આઠ વાગ્યા હશે, સગીર પોતાના પોલીસ રક્ષક સાથે લગ્નમાં આવ્યો, લગ્નમાં વરવધુને આર્શીવાદ આપ્યા અને ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સગીર પોતાની કાર ખુદ ચલાવતો હતો, સગીર પાર્કિગમાં પોતાની કાર લેવા માટે ગયો જો કે તેનો પોલીસ રક્ષક માત્ર દસ ફુટના અંતરે જ ઊભો હતો, તે સગીરને બરાબર જોઈ શકતો હતો. સગીર જેવો કારના દરવાજા પાસે પહોંચ્યે ત્યારે એક બાઈક ઉપર બે યુવકો આવ્યા, પોલીસે તેને જોયા પણ ખરા, પણ તે લગ્નમાં જ આવ્યા છે તેવું તેણે માની લીધું, એકદમ બાઈકની પાછળ બેઠેલા યુવકે પોતાની પાસે રીવોલ્વર બહાર કાઢી ફટ-ફટ બે રાઉન્ડ સગીરની પીઠમાં ઠોંકી દીધા, પોલીસવાળાનું ધ્યાન અચાનક થયેલા અવાજને કારણે સગીર તરફ ગયું તેણે જોયું તો સગીર ત્યાં ઢગલો થઈ ગયો હતો.
પોલીસવાળો તે તરફ દોડયો, પણ તે પહેલા તો તે બાઈક સવાર જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ અલોપ થઈ ગયા, તરત પોલીસે મદદ માટે લગ્નમાં આવેલા લોકોને બુમ પાડી બોલાવ્યા, કારણ તેની પહેલી પ્રાથમિકતા હતી કે સગીરને દવાખાને લઈ જવામાં આવે, સગીરનો શ્વાસ હજી ચાલતો હતો, તરત લોકો દોડી આવ્યા અને સગીરને કારમાં નાખી દવાખાને લઈ ગયા, પણ ત્યાં સુધી શ્વાસ તુટી ગયો હતો. જયારે સગીર ઉપર ગોળીબાર થયો અને સગીરનું મૃત્યુ થયું તેવા સમાચાર ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યા ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા હતા… ક્રાઈમ બ્રાન્ચમાં નિરવ શાંતિ હતી.
Latif Series Part 42 - http://www.meranews.com/news-detail/Latif-series-police-tried-that-idea-and-got-success
No comments:
Post a Comment