પ્રશાંત દયાળ (ભાગ-41): કોંગ્રેસ હાઈકમાન્ડને સમજવવામાં સી ડી પટેલ સફળ થયા હતા. સી ડી પટેલ અને શંકરસિંહ વાઘેલા બંન્નેને દિલ્હીનું તેડુ આવતા, તેઓ દિલ્હી જવા રવાના થયા હતા, સી ડી પટેલ તો ટેકો પાછો ખેંચી લઈ ચૂંટણીમાં જવાની તૈયારીના મુડમાં હતા, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ તેના માટે તૈયાર ન્હોતું, તેઓ વચલો કોઈ રસ્તો કાઢવો જોઈએ તેવા મતના હતા, કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ કરી કોંગ્રેસ પ્રમુખના રાજકિય સલાહકાર અહમદ પટેલ, સી ડી પટેલના સ્વભાવથી વાકેફ હતા, તેમને ખબર હતી સી ડી પટેલ લાંબો સમય આ સ્થિતિ સહન કરી શકશે નહીં અને સી ડી પટેલ કોઈ અંતિમ પગલું ભરે તે પહેલા કોઈ નિર્ણય લેવાઈ જવો જોઈએ.
પ્રદેશ પ્રમુખ તરીકે પ્રબોધ રાવળની મુદત પુરી થતી હતી, ત્યાર બાદ પ્રમુખ તરીકે સી ડી પટેલને મુકવાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ તરફ લેવાયો ત્યારે અહમદ પટેલે સી ડીને ફોન કરી દિલ્હી આવવાની સુચના આપી હતી, સી ડી પટેલ અને અહમદ પટેલને ખુબ જ અંગત સંબંધો, અહમદ પટેલનો દિલ્હીમાં દરબાર ભરાતો હોય તો પણ સી ડી પટેલ અહમદ પટેલને તેમના હુલામણા બાબુના નામે જ સંબોધતા હતા. અહમદ પટેલનો ફોન આવતા પહેલા તો સી ડી પટેલે બાબુ મારે કોઈ દિલ્હીમાં કામ નથી તેમ કહી દિલ્હી આવવાની ના પાડી દીધી.
અહમદ પટેલની વિનંતી પછી દિલ્હી પહોંચેલા સી ડી પટેલને ખબર પડી કે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેમે સ્પષ્ટ શબ્દમાં અહમદ પટેલને કહ્યું બાબુ જો હું કોઈને પાસે ફંડ ફાળો લેવા જવાનો નથી,, મને પ્રમુખ બનાવો હોય તો પહેલા બધો વિચાર કરી લેજો. અહમદ હસવા લાગ્યા, તેમને સી ડીના સ્વભાવની ખબર હતી તેમણે કહ્યું ના કોઈની પાસે તમારે પાઈ પૈસો લેવા જવાનું નથી બસ.. અને સી ડી પ્રમુખ થયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે શંકરસિંહ પોતાનો પક્ષ મુકયો હતો અને સી ડી પટેલે પ્રમુખ તરીકે પોતાની વાત મુકી હતી, સી ડી પટેલ કોઈ પણ કિમંતે શંકરસિંહ મુખ્યમંત્રી હોય તેવી સરકારની તરફેણમાં ન્હોતા. લાંબી ચર્ચાઓના અંતે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ, બાપુ ખુબ જ નારાજ હતા, પણ તે માનવા સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો. સાંજની ફલાઈટમાં શંકરસિંહ ગાંધીનગર આવવા માટે નિકળ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી.
આ તરફ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરની ચેમ્બરમાંથી ઉતાવળે પોતાની ચેમ્બર તરફ આવેલા ઈન્સપેકટર તરૂણ બારોટે આવીને જોયું તો સગીર અને કોન્સટેબલ નિઝામ વાત કરી રહ્યા હતા, બારોટે આવતા જ નીઝામને કહ્યું નીઝામ સગીરને ચા પીવડાવી કે નહીં, સગીરે ખાલી કપ તરફ ઈશારો કરતા કહ્યું હા સાહેબ હમણાં જ પીધી, તેમ છતાં બારોટે નીઝામને કહ્યું જા યાર બે કોફી કહી દે, મારૂ માથુ ભારે થઈ ગયું છે, નીઝામે બારોટ સામે જોયું તે જુનો પોલીસવાળો હતો, તે સમજી ગયો કે બારોટ સાહેબ સગીર સાથે કોઈ વાત કરવા માગે છે, એટલે તે કોફી લેવા જવાના બહાને ત્યાંથી રવાના થયો. હવે ચેમ્બરમાં સગીર અને બારોટ બંન્ને એકલા હતા.
તરૂણ બારોટે ધીમા અવાજે વાતની શરૂઆત કરતા કહ્યુ જો સગીર મેં સુરોલીયા સાહેબને વાત કરી, તે તો બહુ ગુસ્સે થઈ ગયા, તેમણે કહ્યુ સગીર તો આપણો માણસ છે,. લતીફ કઈ રીતે તેને ધમકી આપી શકે, સગીરને આ સાંભળી સારૂ લાગ્યુ કે પોલીસવાળા તેને પોતાનો માણસ સમજે છે, અને આ વાકયને કારણે તેનામાંથી થોડી હિમંત પણ આવી હતી, જે બારોટ તરત સગીરનો ચહેરો જોઈ સમજી ગયા હતા, વાતને પકડી લેતા જ બારોટે કહ્યું સગીર... સાહેબ કહેતા હતા કે તારે એક અરજી આપી દેવી જોઈએ, અરજી સાંભળતા જ સગીર પોતાની ખુરશીમાં પાછો ખસી ગયો, તેણે કહ્યું સાહેબ લતીફ સામે અરજી આપું..?.. તમને તેનો અર્થ તો સમજાય છેને.. બારોટે તને હિમંત આપતા કહ્યું ચિંતા ન કરીશ, સાહેબે તારી સાથે એક પોલીસવાળો પણ મુકવનો કહ્યો છે. આ વાકય પુરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસમાં રહેલો એક હેડ કોન્સટેબલ ચેમ્બરમાં દાખલ થયો અને બારોટને સલામ કરતા કહ્યું ડીસીપી સાહેબે મોકલ્યો છે.
બારોટે તરત સગીરને કહ્યું જો આ તારા બોડીગાર્ડમાં રહેશે, તેની પાસે વેપન પણ હશે ચિંતા કરતો નહીં, સગીરને પરસેવો થવા લાગ્યો, બારોટે હેડકોન્સટેબલને બહાર જવાનો ઈશારો કર્યો અને તે બહાર જતા, સગીરને પાણીનો ગ્લાસ આપતા કહ્યું તું ખોટો ડરે છે.. અમે છીએ તારી સાથે કયાં સુધી લતીફનો ત્રાસ સહન કરશો. સગીર વિચાર કરવા લાગ્યો, થોડીવાર વિચાર કરીને કહ્યું સાહેબ મને અરજી લખતા નહીં આવડે, તરૂણ બારોટે તરત પોતાના રાઈટરને બોલાવી કહ્યું સગીરને અરજી લખી આપ અને અરજી લખાવવાની શરૂઆત થઈ હતી, અરજી લખાઈ ગયા બાદ સગીર ઘરે જવા નિકળ્યો ત્યારે તેની કારની બાજુની સીટમાં રીવોલ્વર સાથે હેડ કોન્સટેબલ પણ હતો. હવે સગીર કોઈ નેતા જેવો હતો, તેની સાથે સરકારી અંગરક્ષક પણ હતો. બીજી તરફ સેન્ટ્રલ જેલમાં રહેલા લતીફને સગીરના જ વિચાર આવતા હતા, ત્યારે તેની ગેંગનો એક માણસ તેને મળવા માટે સાબરમતી જેલ ઉપર આવ્યો અને તેણે ચારે તરફ નજર કરી લતીફના હાથમાં ઘડી કરેલા કાગળ મુકયો હતો. લતીફે પોતાની બેરેકમાં જઈ જયારે તે કાગળ ખોલ્યો ત્યારે ગુસ્સાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી.
No comments:
Post a Comment