પ્રશાંત દયાળ (ભાગ-11): લતીફના મનની શંકા સાચી પડી, દાઉદ ઈબ્રાહીમ સાથે દોસ્તી કરી લેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ રહ્યો ન્હોતો, તેના કારણે દોસ્તી તો કરી પણ દાઉદ તેની વફાદારીની ચકાસણી કરશે અને દોસ્તીની કિમંત માંગશે તેવી લતીફની ધારણા બહુ જલદી સાચી પડી. થોડાક જ દિવસ પછી દાઉદનો આવ્યો. તેણે ડેવીડ પરદેશીનું કામ તમામ કરવાની સુચના આપી. દાઉદના મુંબઈમાં પણ ઘણા દુશ્મનો હતાં. જેમાં અરૂણ ગવલી પણ એક હતો. આમ તો દાઉદ અને ગવલીના ધંધા વચ્ચે ખાસ અંતર ન્હોતુ, પણ બંન્ને પોતાની કોમ માટે કામ કરનારા એક સરખા ગુંડાઓ હતા. દાઉદ અને ગવલી વચ્ચે પણ બરાબરની ટક્કર હતી. તેઓ બંન્ને એકબીજાને ખતમ કરી તેમના સામ્રાજ્ય હડપ કરી જવા માગતા હતાં.
અરૂણ ગવલી હિન્દુ ગુંડો હતો અને તે દેશસેવાના નામે હિન્દુઓને મુર્ખ બનાવી રહ્યો હતો. અરૂણ ગવલી પણ દાઉદની પાછળ બરાબર લાગેલો હતો. તેણે દાઉદની હત્યા માટે ભાડુતી હત્યારાઓ રોક્યા હતાં અને તે પૈકી એકનું નામ હતું ડેવીડ પરદેશી. ડેવીડની બંદુક એક વખત ચાલે એટલે તે બરાબર નિશાન ઉપર જ હોય તેવું કહેવાતું હતું. ડેવીડ તે જમાનાનો મુંબઈનો શાર્પ શુટર હતો. તે જેનું કામ લે તેનું કામ તમામ કરતો હતો, પણ દાઉદ પણ જમાનાનો ખાધેલો હતો. તેની ગવલી ગેંગમાં ચાલતી ચહલ-પહલ ઉપર નજર રહેતી હતી. ગવલી ગેંગમાં રહેલા તેના બાતમીદારે દાઉદને માહિતી આપી હતી કે ડેવીડે તેને ખતમ કરવાની સોપારી લીધી છે. આ સાંભળી દાઉદ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના માણસોને ડેવીડ પરદેશીની માહિતી એકત્ર કરવાની સુચના આપી હતી અને બહુ જલદી માહિતી મળી કે ડેવીડ અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારની આમ્રપાલી હોટલમાં રોકાયો છે. દાઉદે તરત ડેવીડ અમદાવાદ આમ્રપાલી હોટલમાં આવ્યાની ટેલીફોનથી સુચના લતીફને આપી તેનું કામ તમામ કરી દેવા જણાવ્યું. દાઉદ દ્વારા લતીફને આપવામાં આવેલું આ પહેલું કામ હતું. લતીફે પોતાની વફાદારી સાબીત કરવાની હતી.
જો કે દાઉદના મનમાં પણ શંકા હતી કે લતીફ તેનું કામ બરાબર પાર પાડશે કે નહીં. તેથી તેણે લતીફને કહ્યું કે, તેના માણસો ડેવીડનું કામ કરે તે પહેલા તે તેનો અવાજ સાંભળવા માગે છે અને તેના છેલ્લાં શબ્દો તેના કાને પડવા જોઈએ. આખી ઘટના કોઈ હિન્દી ફિલ્મના પ્લોટ કરતાં પણ એક પગથીયું આગળ જઈ રહી હતી. દાઉદ એક સાથે અનેક કામ કરી રહ્યો હતો. તે પોતાની સોપારી લેનાર ડેવીડને મરતાં પહેલા ધમકાવવા માગતો હતો અને અંડરવર્લ્ડને એક મેસેજ પણ આપવા માગતો હતો.
દાઉદની સુચના મળતા લતીફની ગેંગના માણસો થોડીક જ મિનિટમાં હોટલ આમ્રપાલી પહોંચી ગયા. તેમની પાસે પુરતી માહિતી હતી કે ડેવીડ પરદેશી ક્યા રૂમમાં રોકાયો છે. જો કે તેઓ હોટલમાં દાખલ થતાં પહેલા હોટલની બહાર થોડીવાર માટે રોકાયા અને ત્યાર જ ડેવીડના રૂમના ઈન્ટરકોલ ઉપર એક ફોન આવ્યો. ફોન રિસ્પેશન કાઉન્ટર ઉપરથી હતો, મેનેજરે લાઈન કનેક્ટ કરતા ડેવીડના સામા છેડે લતીફ હતો, લતીફનો અવાજ સાંભળતા ડેવીડના ગાત્રો થીજી ગયા કારણ તેને દાઉદ અને લતીફ વચ્ચે થયેલી મિત્રતાની માહિતી મળી ગઈ હતી. લતીફનો ફોન પોતાના રૂમ સુધી પહોંચી જવો તે એ વાતનો સ્પષ્ટ ઇશારો હતો કે દાઉદ પણ જાણે છે કે તે અમદાવાદમાં આવી ગયો છે. લતીફે ડેવીડ સાથે ઔપચારીક વાત કરી અને એક જ મિનિટમાં કોન્ફરન્સ કોલ દ્વારા ત્રીજી વ્યક્તિ પણ જોડાઈ અને તે મુંબઈમાં બેઠેલો દાઉદ હતો.
દાઉદ ઈબ્રાહીમ લાઈન ઉપર આવતા ડેવીડના હાથ પગ ઠંડા થઈ ગયા. દાઉદ અને ડેવીડ વચ્ચે શું વાત થઈ તે લતીફ સિવાય કોઈને ખબર ન્હોતી, પણ ડેવીડ દાઉદને ધ્રજતા ધ્રુજતા જવાબ આપી રહ્યો હતો તે જ વખતે અચાનક ડેવીડના રૂમનો દરવાજો ખુલ્યો અને બે યુવકો રૂમમાં દાખલ થયા. ડેવીડને જે વાતનો ડર હતો તે એક ક્ષણમાં સાચો પડ્યો. ડેવીડની સામે ઊભા રહેલા બંન્ને શુટરોએ પોતાની પેન્ટમાં ખોંસી રાખેલી રીવોલ્વર બહાર કાઢી અને ત્રણ ફુટના અંતરેથી બે-બે ગોળી ડેવીડના છાતીમાં ધરબી દીધી હતી. અમદાવાદથી 500 કિલોમીટર દુર બેઠેલા દાઉદે ડેવીડની છેલ્લી ચીસ સાંભળી અને તેની સાથે ફોન ડિસકનેક્ટ થઈ ગયો. દાઉદે લીધેલી લતીફની પહેલી પરિક્ષામાં લતીફને 100 માંથી 100 માર્ક મળ્યા હતાં. પણ હવે લતીફનો જે ખૌફ વધી રહ્યો હતો તેનો દાઉદ પુરો લાભ લેવાનો હતો. દાઉદે લતીફને મુંબઈ મળવા આવવાની સુચના આપી અને લતીફ મુંબઈ પહોંચ્યો હતો.
લતીફે દાઉદને ત્યાં જઈ પહેલી વખત જોયું કે ખરા અર્થમાં જેને ગેંગ કહેવાય તે તો દાઉદ પાસે હતી અને દાઉદ પોતાની ગેંગને એક કોર્પોરેટ કંપનીની જેમ ચલાવતો હતો, ત્યાં દરેક કામ માટે અલગ અલગ એક્સપર્ટ હતાં અને તે તમામ એક્સપર્ટને ઊંચા પગારે નોકરી રાખતો હતો. ત્યાં લતીફની દાઉદનાં ઘણા ગેંગ મેમ્બર્સ સાથે દાઉદે ઓળખાણ કરાવી તેમાં એક ગોરો અને પડછંદ યુવક પણ હતો તેનું નામ શરીફખાન હતું. તેને ગેંગમાં બધા એસ.કે. તરીકે સંબોધતા હતાં. લતીફને દાઉદની ગેંગ જોઈ વિચાર આવ્યો કે તેની ગેંગ પણ દાઉદ ઈબ્રાહીમ ગેંગ જેવી જ હોવી જોઈએ.
Latif Series Part 11 - http://www.meranews.com/news-detail/Dawood-Ibrahim-heard-the-last-shriek-of-David-and-call-disconnected
No comments:
Post a Comment