પ્રશાંત દયાળ (ભાગ-44): ગૃહ સચિવ રામરખીયાણીએ લતીફને જેલની બહાર કાઢવાની મંજુરી આપ્યા પછી ક્રાઈમ બ્રાન્ચનો લતીફને બહાર કાઢવાનો અર્ધો માર્ગ મોકળો થયો હતો, પણ લતીફના પરિવારને પોલીસની કાર્યવાહી અંગે શંકા જતી હતી. તેમણે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ સહિત તમામ સંભવિત એજન્સીઓને ફેકસ કરવાની શરૂઆત કરી હતી. લતીફના પરિવારે શંકા વ્યક્ત કરી હતી કે ક્રાઈમ બ્રાન્ચ તેને બહાર લાવી કહેવાતી અથડામણમાં તેનું બનાવટી એન્કાઉન્ટર કરી નાખશે. આવુ ખાલી લતીફનો પરિવાર જ માનતો હતો તેવુ ન્હોતુ, જેલમાં રહેલો ખુદ લતીફ પણ માની રહ્યો હતો કે હવે તેનો અંત નજીક આવ્યો છે. લોકોને ડરાવતો અને રડાવતો લતીફ ધ્રુજી ગયો હતો, પણ તે ગેંગનો ભાઈ હોવાને કારણે તે પોતાના આંસુ રોકી રહ્યો હતો. ગૃહ સચિવની મંજુરી મળતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સીધા કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે પોતાની પાસે રહેલા પુરાવા અને ગૃહ વિભાગ તરફથી મળેલી મંજુરી રજુ કરી લતીફને પોલીસ કસ્ટડીમાં સોંપવા માટેની માગણી કરી હતી. થોડીક મીનિટ સુધી બંન્ને પક્ષકારોએ પોતાની દલીલ કોર્ટ સામે મુકી હતી. લતીફ પક્ષે હાજર વકિલની દલીલ હતી કે લતીફને જેલની બહાર લાવ્યા વગર પણ પોલીસ જેલમાં જઈ તેને પૂછપરછ કરી શકે છે.
કોર્ટે તમામ આધાર પુરાવા ધ્યાનમાં લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચની અરજી માન્ય રાખી અને જેલમાં રહેલા લતીફને પોલીસ કસ્ટડીમાં લેવાની મંજુરી આપી હતી. કોર્ટમાંથી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સીધી સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જેલ ઉપર પહોંચે તે પહેલા લતીફને ક્રાઈમ બ્રાન્ચ તેને જેલ ઉપર લેવા આવી રહી છે, તેની જાણકારી મળી ગઈ હતી. તે ખુબ જ બેચેન હતો, તે ઉભો થયો અને બેરેકમાં રહેલા ગેંગના એક એક સભ્યોને ગળે વળગી અલવીદા કહી રહ્યો હતો. જાણે આ તેમની વચ્ચેની છેલ્લી મુલાકાત હતી. તે ડૉન હતો પણ આજે તેને મૃત્યુનો ડર લાગી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ જેલ ઉપર પહોંચી તેમણે પોતાની પાસે રહેલા કોર્ટ ઓર્ડરને જેલ અધિકારીને સુપ્રત કર્યા. જેલની કાર્યવાહી પુરી થતાં સાંજના પાંચ વાગી ગયા હતાં. પોલીસ અધિકારીઓ લતીફને લઈ જેલના લોંખડી દરવાજા બહાર નિકળ્યા ત્યારે તે એક ક્ષણ ઉભો રહ્યો અને તેણે ખુલ્લા આકાશ તરફ જોયુ, ખબર નહીં ત્યારે તે શુ વિચારતો હતો.
લતીફને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ કાફલો અમદાવાદની ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ જવા નિકળ્યો. પોલીસના ત્રણ વાહનો કતારબદ્ધ ચાલતા હતાં. વચ્ચેની પોલીસ વાનમાં લતીફ બેઠો હતો, તેની બંન્ને તરફ પોલીસવાળા બેઠા હતા, તે લતીફ સામે જોઈ રહ્યા હતા, પણ લતીફની નજર બારી બહાર હતી. જાણે તે છેલ્લી વખત પોતાના શહેરને જોઈ લેવા માગતો હતો, તે ખુબ જ શાંત હતો, પોલીસવાનમાં કોઈ પણ કોઈની સાથે કંઈ પણ વાત કરતા ન્હોતા. પોલીસનો કાફલો આરટીઓ સર્કલ થઈ સુભાષબ્રીજ તરફ આગળ વધ્યો, રસ્તો બરાબર હતો, ત્યાંથી દિલ્હી દરવાજા થઈ શહેરની મધ્યમાંથી ક્રાઈમ બ્રાન્ચ જવાનું હતું પણ પોલીસ કમિશનર કચેરી વટાવ્યા પછી એકાદ કિલોમીટર પછી બધા વાહનો જમણી તરફ યુ ટર્ન લઈ વળ્યા, લતીફ સમજ્યો નહીં, તે શહેરની ભુગોળથી વાકેફ હતો, તેને આમ કેમ થઇ રહ્યું છે તેની ખબર પડી નહીં, તેણે પોલીસવાળા સામે પ્રશ્નાર્થ નજરે જોયુ, પણ કોઈ કંઈ બોલ્યુ નહીં એટલે તેણે બારીની બહાર જોયુ તો પોલીસના વાહનો એક કેમ્પસમાં દાખલ થયા તેની ઉપર સરકારી ગેસ્ટ હાઉસ તેવુ લખેલુ હતું. લતીફના ધબકારા વધી ગયા. તેને સરકારી ગેસ્ટ હાઉસમાં કેમ લાવ્યા તેની ખબર પડી નહીં.
પણ કેમ્પસમાં દાખલ થતાં વાહનો અટક્યા અને તેની સાથે રહેલા પોલીસવાળાએ તેને નીચે ઉતરવાની સુચના આપી, તે બહાર આવ્યો તેણે જોયુ તો સરકારી ગેસ્ટ હાઉસના મોટા બિલ્ડિંગ બહાર પોલીસની લાલ લાઈટવાળી બે-ત્રણ કાર પડી હતી. જો કે કાર કોની હતી તેની તેને ખબર ન્હોતી, પણ કોઈ ઉચ્ચ અધિકારી હતા એટલુ તેને સમજાઈ ગયુ. તે પોલીસવાળા સાથે ચાલવા લાગ્યો અને એક રૂમમાં પોલીસવાળા લઈ ગયા, ત્યાં એક અધિકારી યુનિફોર્મમાં હતા અને બીજા સિવિલ કપડામાં હતાં. લતીફ તેમની સામે જોવા લાગ્યો. જો કે લતીફ યુનિફોર્મવાળા અધિકારીને ઓળખી ગયો, તે અમદાવાદના પોલીસ કમિશનર પી. નામુદ્રીપાદ હતા, જ્યારે બીજા કોણ હતા, તેની તેને ખબર ન્હોતી, પણ તે ગૃહ સચિવ રામ રખીયાણી હતાં. જે પોલીસવાળા લતીફને રૂમમાં લઈ આવ્યો તેણે લતીફને નીચે બેસવાનો ઈશારો કર્યો. એક સમયના ડૉનના ચહેરા ઉપર લાચારી હતી, તે ચુપચાપ પલાઠીવાળી નીચે બેસી ગયો. પોલીસ કમિશનર નામુદ્રીપાદે પોલીસ વાળા સામે જોયુ, તે સમજી ગયો , તે સર કહી તરત રૂમમાંથી બહાર નિકળ્યો, જતા તેણે રૂમમાં દરવાજો આડો કર્યો.
હવે રૂમમાં પોલીસ કમિશનર, ગૃહ સચિવ અને લતીફ સિવાય કોઈ ન્હોતુ. આ બંન્ને અધિકારીઓ લતીફ સાથે એક કલાક વાત કરી પણ હજી કોઈને ખબર નથી કે તેઓ લતીફને કઈ બાબત પુછવા માગતા હતા અથવા એવા ક્યા રહસ્યો લતીફ પાસે હતા જેની તેમને જાણકારી જોઈતી હતી. આ બંન્ને અધિકારીઓ જાણતા હતાં કે હવે લતીફ તેમની સામે કંઈ ખોટુ બોલશે નહીં અને છુપાવશે નહીં. એક કલાક સુધી તેમણે લતીફ સાથે વાત કરી હતી. એક કલાક પછી પોલીસ કમિશનર અને ગૃહ સચિવ રૂમની બહાર નિકળ્યા. કમિશનરે બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીને સુચના આપી કે લતીફને લઈ જાવ, લતીફ રૂમની બહાર નિકળ્યા ત્યારે અંધારૂ થઈ ગયુ હતું, ઠંડી પોતાનું પણ કામ કરી રહી હતી, સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી, પોલીસના કાફલો દિલ્હી દરવાજા થઈ સાંજના ટ્રાફિક વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ જવા રવાના થયો. રસ્તામાં એક નાના ચાર ચાર રસ્તા આવે છે જેને દિલ્હી ચકલા કહેવામાં આવે છે. તે ચાર રસ્તા ઉપર વાહનોના ટ્રાફિકને કારણે થોડા ધીમા પડ્યા ત્યારે લતીફે ડાબી તરફ રસ્તા સામે જોયુ તે રસ્તો તેના ઘર અને અડ્ડા પોપટીયાવાડ તરફ જતો. આ રસ્તો તે નાનપણથી હમણાં સુધી હજારો વખત પસાર થયો હતો પણ આજે તે આવી રીતે પોતાના ઘર તરફ જતા રસ્તાને કેમ જોઈ રહ્યો હતો તેની કોઈને ખબર ન્હોતી.
પોલીસના વાહનો સાત વાગ્યાના સુમારે ક્રાઈમ બ્રાન્ચના દરવાજામાં દાખલ થયા ત્યારે લતીફને પોલીસ વાનની લોંખડની જાળીમાંથી જોયુ કે તેનો મોટો ભાઈ તેને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચ આવ્યો હતો અને તે તેની રાહ જોતો હતો.
Latif Series Part 44 - http://www.meranews.com/news-detail/Latif-series-Don-Latif-met-last-time-with-his-accomplice-in-central-Jail
No comments:
Post a Comment