Pages

Friday, 24 February 2017

તરુણ બારોટે મુંબઇમાં દૂધવાળો બની ફ્લેટનો દરવાજો ખખડાવ્યો, સામે હતો આંખો ચોળતો ગેંગસ્ટર

 Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-26): હવે પોલીસને કોઈ નેતા ફોન કરશે નહી તેવી ખાતરી મળતાં ડીસીપી એ. કે. સુરોલીયા પોતાની ટીમ સાથે મેદાનમાં ઉતરી ગયા. તોફાનાઓને જે ભાષામાં ખબર પડતી હતી તે જ ભાષામાં પોલીસ વાત કરવા લાગી. દંડા અને બંદુકનો ઉપયોગ શરૂ થયો, ક્યાંક બળનો વધુ પડતો પણ પ્રયોગ થઈ ગયો. ગુંડાઓને પકડી પકડી પોલીસ જેલમાં મોકલવા લાગી હતી. શહેર શાંત થવા લાગ્યુ હતું. સામાન્ય છુટક ઘટનાઓ બનતી હતી. તોફાનોમાં હિન્દુઓને નુકશાન થઈ રહ્યુ છે તેના માટે કોંગ્રેસ જવાબદાર છે તેવુ હિન્દુઓ માનતા હતાં પણ પોલીસે બળ પ્રયોગની શરૂઆત કરી તેની સાથે મુસ્લિમોએ પણ કોંગ્રેસ ઉપર મુસ્લિમ વિરોધી હોવાનો આક્ષેપ શરૂ કર્યો હતો. 

ત્યારે જે કાયદો અસ્તિત્વમાં હતો તેને ટાડા એક્ટ તરીકે ઓળખાતો હતો. જેમાં દેશભરમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરનારા સામે દેશમાં ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી થતી હતી. ટાડા એક્ટ હેઠળ પોલીસને વિશાળ સત્તાઓ હતી. સામાન્ય કાયદા પ્રમાણે પોલીસ સામે નોંધવામાં આવેલુ નિવેદન કોર્ટમાં માન્ય હોતુ નથી. પરંતુ ટાડા એક્ટ હેઠળ ડીએસપી કક્ષાના અધિકારી સામે નોંઘવામાં આવેલુ નિવેદન કોર્ટમાં માન્ય હતું. ત્યારે પોલીસ ઉપર એવા આક્ષેપો થવા લાગ્યા કે પોલીસ બળપૂર્વક ડીએસપી સામે નિવેદન નોંધી નિર્દોષ મુસ્લિમોને નિશાન બનાવી રહી છે. આ વાતના સમર્થનમાં મુસ્લિમ સંગઠનોએ કેટલાંક આંકડા રજુ કર્યા હતાં. જેમાં કાશ્મીરમાં ટાડા હેઠળ 75 હજાર કેસ નોંધાયા હતાં ત્યારે કાશ્મીરમાં તો ઉગ્રવાદ ચરમસીમાએ હતો, પણ કાશ્મીર પછી ટાડાનો સૌથી વધુ ઉપયોગ ગુજરાતમાં થયો હતો. ગુજરાતમાં 48 હજાર વ્યક્તિઓ સામે પોલીસ ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. 

ઘણી જગ્યાએ નિર્દોષ મુસ્લિમો પણ દંડાયા પણ બીજી તરફ અમદાવાદ પોલીસે લતીફના એક એક ગુંડાઓને પકડી તેમની હેસીયત બતાડવાની શરૂઆત કરી. લતીફની ગેંગમાં 100 કરતાં વધુ મોટા ગુંડાઓ હતાં. હવે તમામને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગાયકવાડ હવેલીમાં લાવવામાં આવે તો કદાચ તે જગ્યા નાની પડે તેમ હતી. તેના કારણે હંગામી ધોરણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં લોકઅપ અને રીમાન્ડ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ એક્શનમાં આવી છે તેવી ખબર પડતાં લતીફના ગુંડાઓમાં નાસભાગ શરૂ થઈ હતી. પણ ડીસીપી એ. કે. સુરોલીયાએ પોતાના સિનિયર અધિકારીઓ અને સરકારને પુછ્યા વગર આખા ઓપરેશનની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી નાખી હતી. લતીફ ગેંગનો જે ગુંડો પકડાય તેને ઉપાડી સીધા ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવતો હતો. જેની સારી પેઠે ધોલાઈ થતી હતી. ત્યારે માનવ અધિકારના કાયદા અંગે એટલી સજાગતા ન્હોતી એટલે પોલીસ થર્ડ ડીગ્રીનો પણ સહારો લેતી હતી. ક્રાઈમ બ્રાન્ચને વધુ વાહનોની પણ જરૂર હતી કારણ ફરાર થયેલા ગુંડાઓને શોધી કાઢવા ગુજરાત અને ગુજરાત બહાર પણ જવું પડતું હતું. 

એક દિવસ ઓફિસે આવી રહેલા ડીસીપી સુરોલીયાના ધ્યાનમાં ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં ધુળ ખાઈ રહેલી અનેક કાર આવી જે કોઈને કોઈ ગુનાનાં કામે કબજે કરવામાં આવી હતી. તરત સુરોલીયાને ચમકારો થયો, તેમણે તમામ કારની નંબર પ્લેટ કાઢી નાખવાની સુચના આપી અને સબ ઇન્સપેક્ટર કક્ષાના અધિકારીઓને કહ્યું તમે હવે તપાસના કામે આ કારનો ઉપયોગ કરી શકો છો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ નંબર પ્લેટ વગરની કાર લઈ શહેરમાં લતીફના એક એક સંભવીત સ્થળો ઉપર દરોડા પાડવા લાગ્યા હતાં. થોડાક જ સમયમાં ક્રાઈમ બ્રાન્ચે 80 કરતાં વધુ ગેંગસ્ટર્સને પકડી લીધા હતાં. જ્યારે કેટલાંક મોટા માથા હતાં તે ગુજરાત બહાર જતા રહ્યા હતાં, જેમાં રસુલપાટી પણ હતો. તે પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા નેપાળ થઈ પાકિસ્તાન ભાગી છુટવામાં સફળ થયો હતો. રાજકિય ઈચ્છા શક્તિ હોય તો પોલીસ અને તંત્ર કામ કરી શકે તેના ઉદાહરણની શરૂઆત થઈ હતી. જે પોલીસ દરિયાપુરમાં ઘુસવાથી ડરતી હતી ત્યાં હવે ક્રાઈમ બ્રાન્ચવાલે આયે તેવી બુમ પડે તો નાસભાગ શરૂ થવા લાગી હતી. 

ત્યારે સુરોલીયાને માહિતી મળી કે લતીફનો ખાસ અને  શાહપુરનો અબ્દુલ વહાબ મુંબઈના લોંખડવાલા કોમ્પલેક્ષમાં છે. તેમણે તરત એક ટીમને મુંબઈ જવા રવાના કરી. તેમાં સબઈન્સપેક્ટર તરૂણ બારોટ પણ હતાં. જો કે લોંખડવાલા કોમ્પલેક્ષ વિશાળ જગ્યા હતી અને વહાબ ક્યા ફ્લેટમાં છે તેની માહિતી અમદાવાદ પોલીસ પાસે ન્હોતી. તેના કારણે દિવસો સુધી સબઈન્સપેક્ટર તરૂણ બારોટ કોમ્પલેક્ષની બહાર ઉભા રહી નજર રાખતા રહ્યાં. એક સાંજે ખબર મળી તેમાં વહાબનો ફ્લેટ નંબર પણ મળ્યો. જો કે પોલીસને ખબર ન્હોતી કે ફ્લેટમાં વહાબ એકલો છે કે તેની સાથે અન્ય ગેંગસ્ટર છે. આ ઉપરાંત વહાબ પાસે હથિયાર હોવાની શક્યતા પણ હતી. જો ચુક થાય તો વહાબ અથવા તેના સાથી પોલીસ ઉપર ગોળી પણ ચલાવી શકે તેમ હતા. 

એક યોજના તૈયાર કરવામાં આવી. ઓપરેશનનો સમય સવારના પાંચ વાગ્યાનો નક્કી થયો  કારણ સવારે પાંચ વાગ્યે લોખંડવાલામાં દુધવાળો આવતો હતો. પીએસઆઈ બારોટે દુધવાળાનો વેશ ધારણ કર્યો. બાકીના ટીમના સભ્યો ચોક્કસ અંતરે ગોઠવાઈ ગયા. જ્યારે બારોટ મદદ માટે ઈશારો કરે ત્યારે ટીમ સમયસર ફ્લેટમાં દાખલ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ અને નક્કી થયા પ્રમાણે તરૂણ બારોટે ફ્લેટની ડોર બેલ વગાડી. અંદરથી અવાજ આવ્યો કોન હૈ, બારોટે કહ્યુ દુધવાલા. કદાચ ડોર આઈમાંથી કોઈએ જોયુ પણ ખરૂ અને દરવાજો ખુલ્યો. દરવાજો ખોલનાર બીજો કોઈ નહીં પણ ખુબ અબ્દુલ વહાબ જ હતો. વહેલી સવારે ઊંઘમાંથી જાગી આંખો ચોળતો વહાબ નવા દુધવાળાને જોઈ વિચાર કરવા લાગ્યો કારણ તેણે આ દુધવાળાને પહેલી વખત જોયો હતો. 

વહાબ કંઈ વિચારે તે પહેલા આજુબાજુ સંતાઈ ઉભી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ધસી આવી. ત્યારે દુધવાળાના વેશમાં રહેલા તરૂણ બારોટે પણ પોતાની રિવોલ્વર બહાર કાઢી વહાબને દિવાલમાં જ દબાવી દીધો. હજી થોડા મહિના પહેલા અમદાવાદ જે વહાબના નામે ધ્રુજતુ હતું તે વહાબ ફફડી ગયો હતો તેને ડર હતો કે ક્યાંક પોલીસ તેનું એન્કાઉન્ટર કરી નાખે નહીં. ક્રાઈમ બ્રાન્ચ સવારના અંધારામાં જ  વહાબને  ઉપાડી ખેડા આવવા માટે રવાના થઈ ગઈ હતી. લતીફ પાકિસ્તાનમાં હતો પણ તેની સેના અને મોટા ભાગના સેનાપતિઓ પકડાઈ ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં કુતરાની જેમ માર ખાતા હતાં પણ હવે તેમને છોડવવા માટે કોઈ રાજકિય નેતા ફોન કરતા ન્હોતા. 

Latif Series Part 26 - http://www.meranews.com/news-detail/Latif-part-26-Abdul-Wahab-caught-from-Mumbai

No comments:

Post a Comment