Pages

Thursday, 23 February 2017

દાઉદ અને લતીફ વચ્ચે સરખેજની એક મસ્જીદમાં મીટિંગ થઈ: જાણો લતીફ સાગરીતોને કેવી સુવિધાઓ આપતો?

Latif Special Series by Mera News
પ્રશાંત દયાળ (ભાગ-10): લતીફનો દારૂનો કારોબાર ખુબ વધી રહ્યો હતો, પણ આલઝેબની ગેરહાજરીમાં તેની માથે રહેલું છત્ર જતું રહ્યું હતું. જો કે લતીફની ગેંગ મોટી થઈ રહી હતી. તે મુસ્લિમ વિસ્તારોના યુવાનોમાં તેમનો આદર્શ બની ગયો હતો. ત્યારે આસપાસના તમામ યુવકોને લાગતું કે એક દિવસ તેઓ પણ લતીફ જેવા મોટા થશે. નવા નવા છોકરાઓ તેનાથી પ્રભાવિત થઈ તેની ગેંગમાં જોડાઈ રહ્યા હતા, તે તેમનો રોલમોડલ હતો. જેમાં શાહપુરનો અબ્દુલ વહાબ, લીયાકત સત્તાર ઘંટી, ગોરેખાન પઠાણ, રસુલ પાટી જેવા અનેક નામો હતાં. લતીફની ગેંગનો આંકડો 103 ઉપર પહોંચ્યો હતો. આ તમામ નવા આવેલા છોકરાઓના ઘરે નિયમિત પાંચ હજાર રૂપિયા પહોંચી જતા હતાં. 1990ના દસકમાં પાંચ હજાર રૂપિયા બહુ મોટી રકમ હતી. આ ઉપરાંત તેણે પોતાની ગેંગના યુવકોને યામાહા બાઈક પણ આપ્યા હતા. શાહપુર, કાલુપુર અને દરિયાપુરના મોટા ભાગના યુવકના મનમાં લતીફ જેવા ભાઈ થવાનું સ્વપ્ન હતું, પોલીસની એક નાકડી ભુલને કારણે લતીફ એકદમ મોટો થઈ ગયો હતો. હવે વાત પોલીસના હાથ બહાર નિકળી ગઈ હતી. 

જો કે લતીફ  અંદરથી ડરેલો હતો, કારણ આલમઝેબની હત્યા બાદ તેનો હાથ પકડાનારૂ કોઈ ન્હોતુ. આ સંજોગોમાં દાઉદ ગમે ત્યારે તેની અથવા તેની ગેંગ ઉપર હાથ નાખી બેસે તો તેનો સામનો કરવાનો કોઈ રસ્તો જ રહ્યો ન્હોતો. આમ જોવા જાવ તો લતીફ અને દાઉદ વચ્ચે સીધી કોઈ દુશ્મની ન્હોતી, પણ લતીફે  આલમની સાથે રહેવા માટે દાઉદ સાથે દુશ્મની વહોરી લીધી હતી અને વાત ગેંગવોર સુધી પહોંચી ગઈ હતી. કારણ અયુબે અમદાવાદ આવી કવલજીતની હત્યા કરી નાખી હતી. આમ દાઉદ અને લતીફના એક પછી એક માણસો ઓછા જ થવાના હતા. લતીફ ગેંગસ્ટર થઈ ગયો હોવા છતાં હજી તેની અંદરનો વેપારી જીવતો હતો. તે ગેંગ ચલાવવામાં પણ નફા નુકશાનનો વિચાર કરતો હતો. તે કોઈ વાતને વટનો સવાલ બનાવતો ન્હોતો. 

અંડરવર્લ્ડમાં કરીમલાલાનું નામ આદરથી લેવામાં આવતુ હતું. કરીમલાલાને સમજાયુ કે આમ અંદર અંદર લડી મરવાનો કોઈ અર્થ નથી. કારણ આખરે તેનો ફાયદો તો પોલીસને જ થવાનો હતો. કરીમલાલાએ દાઉદ અને લતીફને એક સંદેશો મોકલી સમાધાન કરી લેવાની સલાહ આપી હતી, ત્યારે કરીમલાલાનો શબ્દ ઉથાપી શકાતો ન્હોતો. કદાચ લતીફ પણ આ જ સમયની રાહ જોતો હતો. લતીફે પોતાના માણસો દ્વારા દાઉદ ઈબ્રાહીમને સમાધાન કરવાની ફોર્મ્યુલા મોકલી. લતીફ દાઉદ સાથે હાથ મિલવવા તૈયાર હતો. લતીફના દારૂના ધંધામાં અમદાવાદ પછી ગુજરાત સર કરવું હતું ત્યારે દાઉદને પોતાના તમામ બે નંબરી ધંધા માટે આખું ભારત સર કરવું હતું. લતીફને કારણે દાઉદ ગુજરાતમાં ઈચ્છતો હતો તેવો પગપેસારો કરી શક્યો ન્હોતો. જો લતીફ સાથે હાથ મીલવાવામાં આવે તો ગુજરાતમાં પણ પોતાનો કારોબાર વિસ્તારી શકાય તેમ હતો. દાઉદે લતીફ સાથે વાત કરવાની દરખાસ્ત સ્વિકારી. જો કે દાઉદ અને લતીફ બંન્નેને એકબીજા ઉપર ભરોસો ન્હોતો. મિટિંગના બહાને એકબીજા ઉપર હુમલો થવાની પુરી શક્યતાઓ હતી, એટલે સમાધાનની જગ્યા તરીકે સરખેજની એક મસ્જીદની પસંદગી કરવામાં આવી હતી. 

દાઉદ અને લતીફ પુરા શસ્ત્રસરંજામ સાથે રાખી પોતાની ગેંગના મહત્વના માણસો સાથે  હતાં. દાઉદનાં બંન્ને ભાઈઓ શકીલ અને સલીમ પણ સાથે હતાં. દાઉદ અને લતીફ વચ્ચે પહેલા થયેલી ભુલોની લાંબી લાંબી ચર્ચા થઈ, પણ તેમના મધ્યસ્થી તરીકે સુલતાન શાહા બાવા હાજર હતાં. તેમણે ગઈ ગુજરી ભુલી હાથ મીલાવી લેવાનું કહ્યુ. ત્યારે દાઉદ અને લતીફે કુરાન ઉપર હાથ મુકી દુશ્મની ભુલી દોસ્ત થવાની કસમ ખાધી અને બંન્ને એકબીજાને ગળે મળ્યા હતા. આવી કોઈ મિટિંગ થઈ રહી છે અને લતીફ અને દાઉદ દોસ્ત થઈ રહ્યા છે તેવી વાતથી ગુજરાત પોલીસ તો ઠીક પણ ગુપ્તચરો પણ અંધારામાં હતાં કારણ દાઉદ અને લતીફનું ભેગા થવાનો અર્થ બહુ ગંભીર થતો હતો. આ બેઠક બાદ દાઉદે લતીફને દારૂના ધંધાની સાથે પોતાના દાણચોરીના ધંધામાં જોડાઈ જવાની દરખાસ્ત પણ આપી હતી. હવે લતીફે પોતાના વફાદારી સાબીત કરવાનો સમય આવ્યો હતો. લતીફ જાણતો હતો કે આજે નહીં તો કાલે દાઉદ ઈબ્રાહીમ પાસેથી તેને કોઈ મોટુ કામ આવશે જે તેની ઈચ્છા હોય કે નહીં પણ કરવુ જ પડશે. 

Latif Series Part 10 - http://www.meranews.com/news-detail/Daud-and-Latif-first-meeting-held-at-sarkhej-mosque

No comments:

Post a Comment